સાયબર સુરક્ષા ક્ષેત્રમાં ભારત અને ઇઝરાયેલ વચ્ચે સમજૂતી
સાયબર સુરક્ષા વધારવા બંને દેશો એકબીજાની મદદ કરશે
કોરોના મહામારીને પગલે ડિજિટલાઇઝેશનનું ચલણ વધતા સાયબર હુમલાઓનું જોખમ વધી ગયું છે
(પીટીઆઇ) જેરુસલેમ, તા. ૧૬
ભારત અને ઇઝરાયેલે સાયબર સુરક્ષામાં સહકાર વધારવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. કોરોના મહામારીને પગલે ડિજિટલાઇઝેશનનું ચલણ વધતા સાબર હુમલાઓનું જોખમ વધી ગયું છે ત્યારે બંને દેશો વચ્ચે થયેલી આ સમજૂતીને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
ઇઝરાયેલના નેશનલ સાયબર ડિરેક્ટોરેટ(આઇએનસીડી)ના ડાયરેક્ટર જનરલ યિગલ યુન્ના અને ઇઝરાયેલ ખાતેના ભારતના રાજદૂત સંજીવ સિન્ગલાએ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં.
યુન્નાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સાયબર હુમલાઆનોે સામનો કરવામાં ભારત સાથે સહકાર સાધવા માટે કરવામાં આવેલી સમજૂતી એક મહત્ત્વપૂર્ણ પગલું છે. હસ્તાક્ષર કર્યા પછી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલ પોતાના અનુભવોથી ભારતને મદદ કરશે.
આ સમજૂતી ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસપોન્સ ટીમ(સીઇઆરટી) અને ઇઝરાયેલની નેશનલ સાયબર ડિરેક્ટોરેટ(આઇએનસીડી) વચ્ચે કરવામાં આવી છે. સીઇઆરટી ઇલેક્ટ્રોનિક્સ અન ઇન્ફરમેશન ટેકનોલોજી મંત્રાલયનું એેકમ છે.
જુલાઇ, ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયેલની મુલાકાત દરમિયાન સાયબર સુરક્ષા ક્ષેત્રે સહકાર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ૨૦૧૮માં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુની ભારત યાત્રા દરમિયાન પણ સાયબર સુરક્ષા અંગે બંને દેશો વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.