Get The App

પાકિસ્તાને આપ્યો દગો... UNમાં ઘેરાયું અફઘાનિસ્તાન તો વહારે આવ્યું ભારત

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાને આપ્યો દગો... UNમાં ઘેરાયું અફઘાનિસ્તાન તો વહારે આવ્યું ભારત 1 - image


UN Resolution against Terrorism: પાકિસ્તાન લાંબા સમયથી ભારત સામે જે આતંકવાદનો ઉપયોગ હથિયાર તરીકે કરતું આવ્યું છે, તે જ આતંકવાદ જ્યારે તેને અફઘાનિસ્તાન સરહદ પર ડંખ મારી રહ્યો છે, ત્યારે તે બોખલાઈ ગયું. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદના મુદ્દા પર અફઘાનિસ્તાનને ઘેરવા માટે પ્રસ્તાવ આવ્યો, ત્યારે પાકિસ્તાને તાલિબાનને દગો આપ્યો અને આ પ્રસ્તાવનું સમર્થન કર્યું, પરંતુ આ દરમિયાન ભારત અફઘાનિસ્તાનની મદદ માટે આગળ આવ્યું.

ભારત સહિત 12 દેશો ગેરહાજર રહ્યા

UNમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો કે, તાલિબાન સરકાર આતંકવાદ માટે પોતાની જમીનનો ઉપયોગ કરવાથી અટકાવે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સોમવારે આ મુદ્દે મતદાન થયું ત્યારે ભારત ગેરહાજર રહ્યું અને આ મતદાનથી અંતર જાળવી રાખ્યું. UNમાં આ પ્રસ્તાવ 116 મતોના સમર્થનથી પસાર થયો હતો, પરંતુ ભારતે ગેરહાજર રહીને એક મોટો રાજદ્વારી સંદેશ આપ્યો છે. આશ્ચર્યજનક રીતે અમેરિકા અને ઈઝરાયલે આ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું. જ્યારે ભારત સહિત 12 દેશો ગેરહાજર રહ્યા.

ભારત મતદાનથી કેમ દૂર રહ્યું

ભારતે કહ્યું કે, કોઈ નવા અને અફઘાનિસ્તાનને ટાર્ગેટ કરનારા આવા કોઈ પગલાની જરૂર નથી. આનાથી અફઘાન લોકોની સ્થિતિ સુધારવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના લક્ષ્યમાં કોઈ મદદ નહીં મળશે. યુએનમાં 'અફઘાનિસ્તાનની પરિસ્થિતિ' નામનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથેની હરીશે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં સુરક્ષા પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. વિશ્વના દેશોએ એક થવાની અને તે પ્રતિબંધિત સંગઠનો અને વ્યક્તિઓને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરતા અટકાવવાની જરૂર છે. અલ કાયદા, ISIS અને તેના સહયોગી જૂથો સાથે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પર સકંજો કસવામાં આવે અને તેમને ટેકો આપનારા દેશો પર પણ નિયંત્રણો લાદવા જોઈએ જેથી તેઓ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે ન કરી શકે. 

કેટલાક દેશો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યા

ભારતીય પ્રતિનિધિએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને તાલિબાનના નિયુક્ત વિદેશ મંત્રી વચ્ચેની તાજેતરની વાતચીતનો ઉલ્લેખ કર્યો. વાતચીતમાં તાલિબાને પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી, જેનું ભારતે સ્વાગત કર્યું. આ પહેલા ભારતના વિદેશ સચિવ અને અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી વચ્ચેની મુલાકાતમાં દ્વિપક્ષીય અને પ્રાદેશિક વિકાસ સાથે સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ભારતની અફઘાનિસ્તાન સાથે લાંબા સમયથી મિત્રતા રહી છે અને ભારત-અફઘાન જનતા વચ્ચે ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધો છે. ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે. ભારત લાંબા સમયથી અફઘાનિસ્તાનના વિકાસ પ્રોજેક્ટ્સમાં ભાગીદાર રહ્યું છે. જ્યારે કેટલાક દેશો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: પેલેસ્ટાઇનના નાગરિકોને બીજા દેશોમાં શિફ્ટ કરવાની તૈયારી, નેતન્યાહૂ-ટ્રમ્પનો મેગાપ્લાન તૈયાર

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ

નોંધનીય છે કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તણાવ ચાલી રહ્યો છે. શહબાઝ શરીફ સરકાર આરોપ લગાવતી રહી છે કે, પાકિસ્તાન તાલિબાન જેવા અનેક આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા માટે કરે છે. પાકિસ્તાનના ઉત્તર વજિરિસ્તાનમાં તાજેતરમાં જ થયેલા એક આતંકવાદી હુમલામાં 15 સૈનિકોના મોત થયા હતા. ગુલ બહાદુર ગુટે આ હુમલાની જવાબદારી લીધી હતી. તાજેતરમાં જ પાકિસ્તાન અને તાલિબાનના સૈનિકો વચ્ચે સરહદી ક્ષેત્રોમાં સંઘર્ષ પણ થયો હતો. 

Tags :