World

કરાચીમાં આઝાદીનો જશ્ન, માતમ બન્યો હવામાં ગોળીબારથી 3નાં મોત : 60થી વધુ ઘાયલ

By GS TEAM
14 Aug 20252 mins read
કરાચીમાં આઝાદીનો જશ્ન, માતમ બન્યો હવામાં ગોળીબારથી 3નાં મોત : 60થી વધુ ઘાયલ

- આઝાદીનો જશ્ન ઉજવતાં લા'પરવાહ ફાયરિંગ કરનારની ગોળીથી એક વૃદ્ધ અને એક 8 વર્ષની બાળકીનું મૃત્યુ થયું

કરાચી : પાકિસ્તાનના કરાચીમાં આઝાદી દિવસનો જશ્ન લોહીયાળ બન્યો. જીયો ન્યુઝના જણાવ્યા પ્રમાણે આઝાદીનો ઉત્સવ મનાવતા લોકો પૈકી કોઈે હવામાં બંદૂકના ભડાકા કરતાં નીચે પડતી ગોળીથી કુલ ૩નાં મૃત્યુ થયા, જ્યારે ૬૦થી વધુને ઇજાઓ થઈ હતી. માર્યા ગયેલા ત્રણમાં એક વૃદ્ધ અને એક ૮ વર્ષની બાળકી પણ સમાવિષ્ટ છે.

આ ઘટના સ્થળે પહોંચી ગયેલા બચાવ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ઘાયલ થયેલા ૬૦થી વધુ લોકો પૈકી મોટા ભાગે મહિલાઓ અને બાળકો જ હતા. ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર છે. તે જોતાં મૃત્યુ આંક વધવાની પૂરી શક્યતા છે.

પાકિસ્તાનમાં સહજ રીતે જ ૧૪મી ઓગસ્ટનો સ્વાતંત્ર્ય દિવસ ધામધૂમથી ઉજવાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ફાયરિંગની ઘટનાઓ જાન લેવા બનતી જાય છે. સડકો ઉપર પણ હવામાં ગોળીબારો થતા રહે છે. આ અંગે સલામતી દળોએ પહેલેથી જ કહ્યું હતું કે, આ પ્રકારે ફાયરિંગ ન કરવું જોઈએ. પરંતુ તેમનું કશું સાંભળવામાં જ આવતું નથી. પરિણામે આવી ગમખ્વાર ઘટનાઓ બન્યા જ કરે છે.

કેટલાક વિશ્લેષકો કહે છે કે, અમેરિકામાં તો ૧૬૨૦માં પ્યુરિટન્સના વહાણો ઇંગ્લેન્ડથી નીકળી અમેરિકાના પૂર્વ તટે પહોંચ્યા, લગભગ ત્યારથી ત્યાં ગન-કલ્ચર શરૂ થયું. પરંતુ ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાન જેવા વિસ્તારોમાં તો ૧૩મી સદીમાં બંદૂકોની શોધ થઈ ત્યારથી ત્યાં ગન-કલ્ચર ચાલી રહ્યું છે. બંને ગન કલ્ચર વચ્ચે તફાવત તે છે કે, અમેરિકામાં ગોળીબારીની ઘટના મહિને બે મહિને એકવાર બને છે. જ્યારે ખૈબર પખ્તુનવા, બલુચિસ્તાનમાં તો રોજીંદી બાબત છે. પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં તે કલ્ચર ફેલાઇ રહ્યું છે.