જાણો, યુક્રેન યુધ્ધ પછી અમેરિકામાં રાસાયણિક ખાતરોની અછત, ખેતી માટે કુદરતી ખાતરની માંગ અને ભાવમાં 3 ગણો વધારો
અમેરિકામાં ૫ ડોલરમાં વેચાતા ૧ ટન કુદરતી ખાતરનો ભાવ વધીને ૧૪ ડોલર થયો
ખેડૂતો મકાઇ અને ઘઉંના પાક માટે રાસાયણિક ખાતરોના સ્થાને કુદરતી ખાતર તરફ વળ્યા
વોશિંગ્ટન,11 એપ્રિલ,2022,સોમવાર
રશિયા યુક્રેન યુધ્ધના પગલે અમેરિકામાં કુદરતી ખાતરની માંગ વધવાથી ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. દોઢ મહિના પહેલા પશુઓના ગોબરમાંથી તૈયાર થતા ખાતર ૫ ડોલરમાં ૧ ટન મળતું તેનો ભાવ હવે વધીને ૧૪ ડોલર થયો છે.
એક સમય એવો હતો કે અમેરિકામાં પશુપાલન સાથે સંકળાયેલા લોકો પ્રાણીઓના છાણ-મૂત્રનો પૈસા આપીને જાતે નિકાલ કરવો પડતો તેના સ્થાને હવે પશુઓનો વેસ્ટ આહાર અને છાણ-મૂત્રથી બનેલા સેન્દ્રીય ખાતરના સારા ભાવે વેચવા લાગ્યા છે. સારા ભાવે વેચાણ કરવા લાગ્યા છે. રાસાયણિક ખાતરોની અછતના પગલે કુદરતી ખાતર મેળવવા ખેડૂતો પડાપડી કરી રહયા છે. જે ઉત્પાદકો વર્ષોથી પશુ ખાતર વેચતા હતા તેમની પાસે સ્ટોક ખૂટી ગયો છે.
સેન્દ્રીય ખાતર ખરીદવા માટે ખેડૂતોએ વેઇટિંગમાં રહેવું પડે છે
નેચરલ ફર્ટિલાઇઝર સર્વિસેઝના સંસ્થાપક સેડકિવસ્ટના એક અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે અમેરિકાના આયોવા રાજયમાં આવેલું પોષકતત્વ પ્રબંધન ફાર્મ પણ કુદરતી ખાતરની વર્તમાન માંગને પહોંચી વળવા સક્ષમ નથી. નેબ્રાસ્કામાં ન્યૂટ્રિએટ એડવાઇઝર્સ તરીકે કામ કરનારાઓનું માનવું છે કે અમેરિકામાં છાણીયું ખાતર હોટ કોમોડિટી બની ગયું છે.
નેબ્રાસ્કામાં ૬૦૦૦ એકરમાં મકાઇ, સોયાબીન અને ઘઉંના પાકમાં કુદરતી ખાતરનો ઉપયોગ થયો છે. જે કુદરતી ખાતર સામાન્ય રીતે ૫ થી ૮ ડોલરમાં ૧ ટન મળતું હતું તેનો ભાવ વધીને ૧૧ થી ૧૪ ડોલર થયો છે. હજુ ઘણા ખેડૂતો કુદરતી ખાતર ખરીદવા વેઇટિંગ લિસ્ટમાં છે. અમેરિકી ખેડૂતો મકાઇ અને ઘઉંની રોપણી દરમિયાન એમોનિયા, નાઇટ્રોજન, નાઇટ્રેટ, ફોસ્ફેટ, પોટાશ અને સલ્ફેટ બેઝ રાસાયણિક ખાતરોના ભાવમાં ૩૦ ટકા વધારો છતાં અછત સર્જાતા કુદરતી ખાતર તરફ વળ્યા છે.
યોગ્ય રીતે પ્રોસેસ કરીને સૂકવેલું કુદરતી ખાતર જ વાપરવું સલાહભરેલું છે
જો કે અમેરિકાના કૃષિ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કુદરતી ખાતર જમીનમાં પાકને જોઇતા પોષકતત્વોની કમી દૂર કરી શકે છે પરંતુ રાસાયણિક ખાતરોની જેમ તરત જ અસર થાય તેઓ રામબાણ ઇલાજ નથી. કુદરતી ખાતરો રાસાયણિક ખાતરોના વિકલ્પ બની શકે નહી કારણ કે તેનું પરીવહન ખૂબ મોંઘું પડે છે.
આયોવા યુનિવર્સિટીના સંશોધક એન્જીનિયર ક્રિસ જોન્સનું માનવું છે કે કુદરતી ખાતર આસપાસના ઝરણા અને ભૂજળને દૂષિત કરી શકે છે. આથી તેને પ્રોસેસ કરીને સૂકવીને યોગ્ય રીતે વાપરવું એ જ સલાહભર્યુ છે. વિસ્કોન્સિનમાં ટેકસ્ટ મેસેજથી પ્રચારિત થતા કુદરતી ખાતરો આડેધડ નહી ખરીદવા જણાવાયું છે
વિશ્વમાં પોટાશ ખાતરનું ૪૦ ટકા જેટલું ઉત્પાદન યુક્રેન કરે છે
યુક્રેન યુધ્ધ થતા અમેરિકી ઉત્પાદકો રાસાયણિક ખાતરો માટે સરળતાથી કાચો માલ મેળવી શકતા ન હોવાથી રાતો રાત કુદરતી ખાતરના ભાવમાં વધારો થયો છે. યુક્રેન યુધ્ધમાં રશિયા અને તેના સહયોગી બેલારુસ પરના પશ્ચિમી પ્રતિબંધોથી શિપિંગ અવરોધોએ રાસાયણિક ખાતરોની સપ્લાયની સ્થિતિ વણસી છે.
હોલેન્ડની રાબો બેંકના જણાવ્યા અનુસાર ગત વર્ષ પોટાશના વૈશ્વિક ઉત્પાદનમાં ૪૦ ટકાથી વધુ યોગદાન યુક્રેનનું હતું. પોટાશએ પાક ઉત્પાદન વધારવા માટેના મહત્વપૂર્ણ પોષકતત્વોમાનું એક છે. લંડનમાં આવેલા એક કન્સલટન્સી ગુ્પના જણાવ્યા અનુસાર ૨૦૨૦થી માર્ચ ૨૦૨૨ સુધીમાં નાઇટ્રોજન ખાતરમાં ૪ ગણો જયારે ફોસ્ફેટ અને પોટાશમાં ૩ ગણો વધારો થયો છે.