નેપાળમાં ચાર મહિલાઓે કોરોના મૃતકને કાંધ આપી સ્મશાન લઇ ગઇ
મહિલાઓએ મૃતદેહને કાંધ આપી હોવાની અનોખી ઘટના
જયારે મૃતકના સગા દૂર રહીને શબ પર પુષ્પવર્ષા કરતા હતા
કાઠમંડુ,૧,ડિસેમ્બર,૨૦૨૦,મંગળવાર
કોરોના વાયરસની મહામારીએ લોકોની આર્થિક,સામાજીક અને માનસિક સ્થિતિ પણ બદલી નાખી છે. કોઇનું મરણ થાય ત્યારે આંગળીના વેઠે ગણી શકાય તેટલા માણસો સ્મશાનમાં હાજરી આપે છે કયારેક તો ગાઇડલાઇન પ્રમાણે આપવામાં આવેલી છુટ કરતા પણ ઓછા લોકો હોય છે. દરેકના અર્ધ જાગૃ્ત મનમાં કોરોનાનો ખોફ ઘૂસી ગયો છે, એમાં પણ જો કોઇનું કોરોનાથી મુત્યુ થયું હોયતો નજીકના સગાઓ પણ બાજુમાં ફરકતા નથી પરંતુ નેપાળની ચાર મહિલાઓએ પીપીઇ કિટ પહેરીને મૃતદેહને કાંધ આપી હોવાની વિરલ ઘટના બની છે. નેપાળ પણ ભારતની જેમ રુઢિવાદી દેશ છે જયાં જયાં મહિલાઓ સ્મશાનયાત્રામાં જોડાતી નથી,
રુઢી મુજબ મહિલાઓ મૃતદેહને સ્પર્શ પણ કરતી નથી તેના સ્થાને ચારેય દિશાની કાંધ મહિલાઓએ આપીને સાહસનો પરીચય આપ્યો છે. નેપાળના પાટનગર કાઠમંડુમાં આ મહિલાઓ કોરોના વ્યકિતના મૃતદેહને સ્મશાન સુધી લઇ ગઇ હતી. મૃતકના સગાઓ દૂર ઉભા રહીને શબ પર પુષ્પવર્ષા કરતા હતા. ૩ કરોડની વસ્તી ધરાવતા નેપાળમાં પણ અનેકો લોકો કોરોના સંક્રમણથી પીડાય છે. હિમાલયની ગોદમાં વસેલા આ દેશમાં કોરોનાથી કુલ 1600થી વધુ લોકોના મોત થયા છે. કોરોના મહામારીને આટલો સમય વિતી જવા છતાં નેપાળમાં પુરતી મેડિકલ સુવિધાઓનો અભાવ છે. વધુ મોત થાય ત્યારે શબવાહિનીની પણ પુરતી વ્યવસ્થા થઇ શકતી નથી. આવા સંજોગોમાં મહિલા સૈનિકોને અંતિમ સંસ્કારનું કામ સોંપવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગત મહિને પણ મહિલા સૈનિકોએ ડયૂટી દરમિયાન ૬ મૃતદેહોને સ્મશાન ઘાટ સુધી પહોંચાડયા હતા.