જાપાનમાં 63 વર્ષની મહિલા 31 વર્ષના યુવકને પરણી સાથે મળી મેરેજ બ્યુરો ચલાવે છે
- નવોઢાની સાસુ પણ તેનાથી છ વર્ષ નાની છે
- 48 વર્ષે ડાઇવોર્સ લેનારી સિંગલ મધરની કિસ્મત પાંચ વર્ષ અગાઉ એક ખોવાયેલો મોબાઇલ કાફેમાંથી મળતાં પલટાઇ
ટોકિયો : જાપાનમાં એક અનોખી લવ સ્ટોરીમાં ૬૩ વર્ષની એક મહિલાને ૩૧ વર્ષના યુવાન સાથે પ્રેમ થયા બાદ બંને પરણી ગયા અને હવે બંને સાથે મળીને મેરેજ બ્યુરો પણ ચલાવે છે. અજરશી નામની જાપાની મહિલાની આ લવ સ્ટોરીમાં રસપ્રદ બાબત એ પણ છે કે તેની સાસુ તેના કરતાં છ વર્ષ નાની છે. આમ, વિવિધ કારણોસર આ લવસ્ટોરી સોશ્યલ મિડિયા પર ચર્ચામાં છવાયેલી છે.
સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટ અખબારમાં છપાયેલી આ લવસ્ટોરી અનુસાર અજરશી નામની જાપાની મહિલાએ ૪૮ વર્ષની વયે બે દાયકાના સુખી વિવાહિત જીવન બાદ ડાઇવોર્સ લીધાં. એ પછી એક સિંગલ મધર તરીકે તેના સંતાનને ઉછેરવા માટે જાતજાતના વ્યવસાયો કરતી હતી.તેને શ્વાનોની સંભાળ રાખવાનો પણ શોખ છે.
અજરાશી નામની આ જાપાની મહિલાએ જણાવ્યું હતું કે તેને ઓગસ્ટ ૨૦૨૦માં ટોકિયોના એક કાફેમાં ખોવાયેલો મોબાઇલ ફોન મળ્યો હતો. એક યુવાન તેનો ખોવાયેલો મોબાઇલ ફોન શોધતાં શોધતાં તેની પાસે પહોંચ્યો હતો. અજરાશીએ તે યુવાનને તેનો મોબાઇલ ફોન પરત કરી દીધો. એ પછી એક અઠવાડિયા બાદ બંને એક ટ્રામમાં મળી ગયા. ત્યાં ઓળખાણ પાકી થતાં તેમણે એકમેકના મોબાઇલ નંબરની આપ-લે કરી. પછી તો બંને રોજ રાતે એક કલાક કરતાં પણ વધારે સમય ગપ્પાં મારવા માંડયા. રોજ જાતજાતના વિષય પર ગપ્પાં માર્યા બાદ અજરાશીને સમજાયું કે આ યુવાનને તેનામાં રસ છે.
આ યુવાને અજરાશીને પ્રેમપત્ર લખી જણાવ્યું કે તમે મારી રાજકુમારી બની જાવ. પણ સમસ્યાએ હતી કે અજરાશીનો પુત્ર તેના પ્રેમીથી નવ વર્ષ મોટો છે અને તે પણ પરણેલો છે. બીજી તરફ અજરાશીના પ્રેમીની માતા એટલે કે અજરાશીની સાસુ પણ તેનાથી છ વર્ષ નાની જણાઇ. શરૂઆતમાં પ્રેમીની માતાએ પોતે અજરાશીથી નાની હોઇ વાંધો લીધો પણ પુત્રના આગ્રહને વશ થઇ તે માની ગઇ હતી. જ્યારે અજરાશીનો પુત્ર તો પહેલેથી જ માતાના પ્રેમપ્રકરણથી ખુશ હતો. ૨૦૨૨ના ક્રિસમસમાં અજરાશીએ તેના યુવાન પ્રેમી સાથે લગ્ન કરી તેની નોંધણી પણ કરાવી લીધી.
ત્રણ વર્ષ બાદ પણ બંનેના પ્રેમમાં કોઇ ઓટ આવી નથી. પ્રેમી પ્રેમિકાને રાજકુમારી કહી તો પ્રેમિકા પ્રેમીને રાજકુમાર કહી બોલાવે છે. બંને ઘરના કામ સાથે મળીને કરે છે અને એક મેરેજ બ્યુરો પણ સાથે મળીને ચલાવી તેમના જેવા લોકોને થાળે પાડવાનું સમાજકાર્ય પણ કરે છે.