ઇમરાન ખાનનાં પત્ની બુશરા બીબીની પણ ધરપકડ થવાની સંભાવના : રિપોર્ટ
- અત્યારે જેલવાસ ભોગવતા, ઇમરાનનાં પત્ની ઉપર કેટલાક પૈસા ખોટી રીતે પ્રાપ્ત કર્યા હોવાનો નેશનલ એકાઉન્ટેબીલીટી બ્યુરોનો આક્ષેપ
ઇસ્લામાબાદ : અત્યારે જેલવાસ ભોગવતા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનાં પત્ની બુશરા બીબીની ટૂંક સમયમાં ધરપકડ થવાની સંભાવના છે, તેમ સાધનો જણાવે છે.
માહિતગાર વર્તુળો જણાવે છે કે, નેશનલ એકાઉન્ટેબીલીટી બ્યુરો (એન.એ.બી.) કેટલાક પુરાવાનું ક્રોસ ચેકીંગ કરી રહ્યા છે. જો તે પુરાવા સાબિત થશે તો, બુશરા બીબીને સાક્ષીમાંથી આરોપી ગણવામાં આવશે, તેથી તેઓની ધરપકડ પણ થવાની સંભાવના છે. તેમ પાકિસ્તાનનું વર્તમાનપત્ર ધી ન્યૂઝ જણાવે છે.
બુશરા બીબી ઉપર તેવો આક્ષેપ છે કે, તેમણે ગેરકાયદેસર કેટલીક નાણાંકીય લેતીદેતી કરી હતી.
દરમિયાન એનએબી, ઇમરાન ખાનના તોશાખાના સંબધે ઊભા થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો, કેસ તેમજ યુ.કે.માં પણ થયેલા કેટલાક કેસો અંગે તપાસ હાથ ધરી રહી છે.
આ ઉપરાંત અલ-કાદીર ટ્રસ્ટના ૧૯૦ મીલીયન પાઉન્ડના ઇમરાન ખાન સામેના કેસમાં તપાસ ચાલી રહી છે.
સાધનો જણાવે છે કે, બ્યુરો વહેલામાં વહેલી તકે તેમાં તપાસ પૂરી કરવા માગે છે અને ઇમરાન ખાન વિરૂધ્ધ રેફરન્સીઝ (સંદર્ભો) કોર્ટમાં રજૂ કરવા માગે છે.
ટૂંકમાં ક્રિકેટરમાંથી રાજકારણી બની રહેલા ઇમરાન ખાન અને તેઓનાં પત્ની બંને અત્યારે તો ભારે મુશ્કેલીમાં આવી પડયાં છે તેમ સાધનો જણાવે છે.