ગૂગલ પર ભિખારી સર્ચ કરવાથી ઈમરાનખાનનો ફોટો સામે આવે છે
ઈસ્લામાબાદ,તા.16.ડિસેમ્બર 2018, રવિવાર
ગૂગલ પર ભિખારી શબ્દ સર્ચ કરવામાં આવે તો જે તસવીરો સામે આવે છે તેમાં એક તસવીર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની પણ છે.
આર્થિક સંકટના કારણે પીએમ ઈમરાનખાન મદદ માટે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ઘણા લોકો મજાકમાં પાકિસ્તાન ભીખનો કટોરો લઈને નિકળ્યુ હોવાનુ પણ કહેતા હોય છે.
જોકે ગૂગલ પર આ પ્રકારની સ્થિતિ સર્જાવાથી વૈશ્વિક સ્તરે ફજેતો થયા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કરાયો છે.જેમાં ગૂગલના સીઈઓને સમન્સ પાઠવીને પૂછવામાં આવ્યુ છે કે સર્ચ એન્જિન પર ભિખારી શબ્દ ટાઈપ કરવાથી ઈમરાનખાનનો ફોટો પણ કેમ દેખાય છે.
પાકિસ્તાનના એક પત્રકારે આ પ્રસ્તાવ અને ઈમરાનનો ફોટો પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આર્થિક મદદ માટે પાકિસ્તાન સાઉદી અરેબિયા, ચીન પાસે હાથ ફેલાવી ચુક્યુ છે.સાઉદીએ 6 અબજ ડોલરની લોન આપવાનો વાયદો પણ કર્યો છે.તેના સિવાય પાકિસ્તાને આઈએમએફનો પણ સંપર્ક કર્યો છે.
આ પહેલા ઈડિયટ શબ્દ કરવાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો સામે આવતો હોવાથી ગૂગલના સીઈઓ પિચાઈએ અમેરિકન સંસદ સમક્ષ જવાબ આપવા હાજર થવુ પડ્યુ હતુ.