Get The App

પાકિસ્તાનમાં પૂર્વ PM ઈમરાન ખાનની 3 બહેનોને રોડ પર ઢસડવામાં આવી, જુઓ કેવા કેવા અત્યાચાર કર્યા

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
Pakistan News

Pakistan News: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેનો-અલીમા, ઉઝમા અને નૌરીન ખાન સાથે રાવલપિંડીની અદિયાલા જેલની બહાર પોલીસે ગેરવર્તણૂક કરી હતી. અહેવાલો મુજબ, ઇમરાન ખાનની બહેન નૌરીનને કસ્ટડીમાં લેતાં પહેલાં રસ્તા પર ઢસડવામાં આવી હતી. જેના લીધે ઇમરાન ખાનની બહેનો ગભરાયેલી અને ડરેલી હાલતમાં જોવા મળી હતી.

ઇમરાન ખાનની ત્રણેય બહેનો તેમના ભાઈ, જે હાલમાં અદિયાલા જેલમાં એકાંત કારાવાસ ભોગવી રહ્યા છે, તેમને મળવા માટે જેલ પહોંચી હતી. જોકે, પાકિસ્તાન પ્રશાસને તેમને મુલાકાતની પરવાનગી આપી નહોતી.

પાકિસ્તાનમાં પૂર્વ PM ઈમરાન ખાનની 3 બહેનોને રોડ પર ઢસડવામાં આવી

અદિયાલા જેલની બહાર થયેલી આ ઘટના વિષે વાત કરતા નૌરીન ખાને જણાવ્યું કે, 'હું ત્યાં ઊભી હતી. એક પોલીસવાળી આવી અને મને પકડીને જમીન પર ફેંકી દીધી, મને તો કઈ સમજમાં જ ન આવ્યું. એક બહુ જાડી પોલીસવાળી હતી, મને લાગ્યું કે તે આ જ કામ માટે આવી હતી. આ ખૂબ જ અફસોસજનક છે કે તેઓ આ હદ સુધી જઈ શકે છે. પંજાબ પોલીસ દરિંદા પોલીસ છે.' 

આ ઘટના બાદ ઇમરાનની અન્ય એક બહેને કહ્યું કે, 'એ સ્ત્રીઓ અમને રસ્તા પર ઢસડી રહી હતી. તેમને જરાય શરમ પણ નથી.' આ દરમિયાન ઇમરાનની બહેન ખૂબ જ પરેશાન, ડરેલી હતી અને ધ્રૂજી રહી હતી.

જેલ બહાર ધરણાં પછી કાર્યવાહી

ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(PTI)એ મંગળવારે મોડી રાત્રે જણાવ્યું કે, પોલીસે અદિયાલા જેલ બહાર પૂર્વ પીએમની બહેનો સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમને હિંસક રીતે કસ્ટડીમાં લીધા. ઇમરાન ખાનને મળવાની પરવાનગી ન મળતાં તેમની બહેનો જેલની બહાર ધરણાં પર બેઠી હતી.

પાર્ટીએ મધરાત પછી X પર પોસ્ટ કરીને કહ્યું કે, 'જ્યારે પોલીસ કાર્યવાહી થઈ, ત્યારે અલીમા, નૌરીન અને ડો. ઉઝમા ખાન જેલ બહાર શાંતિથી બેઠાં હતાં. ખૈબર પખ્તુનખ્વાના મંત્રી મીના ખાન આફ્રિદી સહિત અન્ય પાર્ટી કાર્યકરોને પણ હિંસાનો શિકાર બનવું પડ્યું અને પોલીસે તેમને ઉઠાવી લીધા.'

પીટીઆઈના મતે, કેદી તરીકે ઇમરાન ખાનને તેમના પરિવારને મળવાનો અધિકાર છે, પરંતુ આ અધિકારનો ઉપયોગ તેમના પરિવારજનો અને સમર્થકો વિરુદ્ધ સતામણી અને હિંસાના હથિયાર તરીકે થઈ રહ્યો છે.

પાર્ટી દ્વારા X પર શેર કરાયેલા એક વીડિયોમાં, નૌરીને જણાવ્યું કે, 'મહિલા પોલીસ અધિકારીઓએ મારા વાળ પકડીને મને જમીન પર પછાડી દીધી.  મને કંઈ સમજાયું નહીં, શું થયું તે હજી પણ સમજાતું નથી.

આ પણ વાંચો: 'ભારત ફરી સરહદે હુમલો કરશે...' પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીને ફરી અચાનક કેમ ડર લાગ્યો?

ઇમરાન ખાન જેલમાં કેમ છે?

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. તેમની ધરપકડ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોએ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં કરી છે. આ કેસમાં ઇમરાન પર ભ્રષ્ટાચારનો આરોપ છે. આ ટ્રસ્ટ ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી દ્વારા સંચાલિત છે.

આરોપ છે કે ઇમરાને ટ્રસ્ટના નામે રિયલ એસ્ટેટ ટાયકૂન મલિક રિયાઝ હુસૈન પાસેથી 60 એકર જમીનનું દાન લીધું, જેના બદલામાં ખાન સરકારે વિદેશી ફંડ્સ (લગભગ 1.5 મિલિયન ડોલર)નો ઉપયોગ કર્યો, જેનાથી રાજ્યને નુકસાન થયું.

જાન્યુઆરી 2025માં કોર્ટે ઇમરાન ખાનને 14 વર્ષની સજા સંભળાવી, જ્યારે બુશરાને 7 વર્ષની સજા. આ ઉપરાંત, ઇમરાન ખાન પર તોશાખાના કેસ અને સિફર કેસ જેવા અન્ય કેસ પણ ચાલી રહ્યા છે. તેમની પાર્ટી PTI આ બધાને રાજકીય ષડયંત્ર ગણાવે છે જે સેના અને સરકાર દ્વારા તેમને સત્તાથી દૂર રાખવા માટે કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં પૂર્વ PM ઈમરાન ખાનની 3 બહેનોને રોડ પર ઢસડવામાં આવી, જુઓ કેવા કેવા અત્યાચાર કર્યા 2 - image