'મને કંઇ થાય તો આસિમ મુનીર જવાબદાર...' જેલમાં કેદ પૂર્વ પાક. PM ઈમરાન ખાનનો મોટો દાવો
Images Sourse: IANS |
Former Pakistani PM Imran Khan: જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે (16મી જુલાઈ) પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પક્ષના સભ્યોને કહ્યું હતું કે, 'જો જેલમાં મારી સાથે કંઈ પણ થાય તો તેના માટે પાકિસ્તાન સેના પ્રમુખ આસીમ મુનીર જવાબદાર રહેશે.' 72 વર્ષીય ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી અનેક કેસોમાં જેલમાં બંધ છે. તેની પાર્ટી પીટીઆઈ પાક. સરકાર અને સેના પર ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવા માટે દબાણ કરવા માટે પાંચમી ઓગસ્ટથી પાકિસ્તાનમાં એક મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
અમારા મૂળભૂત અધિકારો છીનવાઈ રહ્યા છે: ઈમરાન ખાન
ઈમરાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં લખ્યું 'જેલમાં મારી સાથે કઠોર વ્યવહાર થઈ રહ્યા છે. મારી પત્ની બુશરા બીબી સાથે પણ આ જ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. અમારા બંનેના તમામ મૂળભૂત અધિકારો છીનવી રહ્યા છે. જેલમાં મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તે કર્નલ અને જેલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા આસીમ મુનીરના આદેશ પર થઈ રહ્યું છે. હું મારા પક્ષને સૂચના આપું છું કે જો જેલમાં મને કંઈ થાય છે, તો તેના માટે આસીમ મુનીર જવાબદાર હશે. હું આખી જિંદગી જેલમાં વિતાવવા તૈયાર છું, પરંતુ અત્યાચાર સામે ઝૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી. વાતચીતનો સમય હવે પૂરો થઈ ગયો છે, હવે દેશભરમાં વિરોધ પ્રદર્શનનો સમય છે.'
આ પણ વાંચો: અમેરિકાના અલાસ્કા ટાપુ પર 7.3ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને રાજકારણમાં એન્ટ્રી કરી
બીજી તરફ ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેમણે પાર્ટીનું નામ પાકિસ્તાન રિપબ્લિક પાર્ટી (PRP) રાખવામાં આવ્યું છે. પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરતા રેહમ ખાને કહ્યું કે, 'આ કોઈ પાર્ટી નથી પણ એક આંદોલન છે.'
ઉલ્લેખનીય છે કે, રેહમ ખાન અને ઈમરાન ખાનના લગ્ન 2014માં થયા હતા. તે ઈમરાન ખાનની બીજી પત્ની હતી. પરંતુ, રેહમ ખાન અને ઈમરાન ખાનના આ લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં અને 10 મહિના પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. રેહમ ખાનનો જન્મ લિબિયામાં થયો હતો. તે પાકિસ્તાનના એક પશ્તુન પરિવારમાંથી આવે છે.