Get The App

ઇમરાન અને તેઓનાં બેગમની જેલમાં કરૂણ સ્થિતિ છે, ટપકતી છત નીચે અને ઉંદરોના ત્રાસ વચ્ચે જીવી રહ્યાં છે

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
ઇમરાન અને તેઓનાં બેગમની જેલમાં કરૂણ સ્થિતિ છે, ટપકતી છત નીચે અને ઉંદરોના ત્રાસ વચ્ચે જીવી રહ્યાં છે 1 - image

- બુશરાનાં બહેન મરિયમ રિયાઝ બટ્ટે કહ્યું

- તેઓને કુટુંબીજનોને મળવા પણ દેવાતાં ન હતાં, તેથી બુશરા બેગમે ભૂખ હડતાલ શરૂ કરી આખરે શરીફ સરકારને ઝૂકવું પડયું

લાહો : પાકિસ્તાનની સૌથી કઠોર જેલ આદિયાલા જેલમાં બંદીવાન રખાયેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેઓનાં બેગમ બુશરા બીબીની હાલત ઘણી જ કરૂણ છે. તેમ કહેતાં બુશરા બીબીનાં બહેન, મરિયમ રિયાઝ બટ્ટે જણાવ્યું હતું કે તેઓને તેઓનાં કુટુમ્બીજનોને પણ મળવા દેવાતાં ન હતાં. તેથી બુશરા ભૂખ હડતાલ ઉપર ઉતરતાં છેવટે તેઓને થોડા સમય પૂરતાં મળવા દેવાયાં હતાં, અને તે પણ કલાકો સુધી રાહ જોવડાવ્યા પછી.

આ સાથે મરિયમ બટ્ટે કહ્યું હતું કે તેઓની કોટડીમાં ઉપરથી પાણી ટપકે છે ને ઊંદરોનો ત્રાસ છે. વીજળી બોર્ડમાં કરંટ લાગે છે. વચમાં તો બે દિવસ સુધી વીજળી પણ કાપી નાખવામાં આવી હતી.

એ.આર.વાય. ન્યૂઝ સાથે વાત કરતાં મરિયમે કહ્યું બુશરાએ એક મહિના સુધી વારંવાર વિનંતિ કર્યા છતાં તેઓને કુટુંબીજનોને મળવા દેવાયાં ન હતાં, છેવટે બુશરા ભૂખ હડતાલ પર ઉતરતાં આખરે શરીફ સરકારને તે માટે મંજૂરી આપવી પડી.

મરિયમે વધુમાં કહ્યું બુશરાનું વજન ૧૫ કીગ્રા ઘટી ગયું છે તેની તંદુરસ્તી પણ ઘણી ખરાબ છે. આમ છતાં તેનું મનોબળ ઘણું મજબૂત છે. બુશરાને જામીન મળ્યા નથી. તેને પોતાના પતિથી જુદી કોટડીમાં રાખી છે. ઇમરાન ખાનની કોટડીની પણ બુશરાની કોટડી જેવી જ હાલત છે.

ઇમરાન અને તેમનાં પત્નીને ભ્રષ્ટાચારના આરોપસર ૨૦૨૩થી જેલમાં પૂરી દેવાયાં છે. ઇમરાન ખાન પોતે કહે છે કે તેઓ નિર્દોષ છે. એમ પણ કહેવાય છે કે ઇમરાન ભારત સાથે સારા સંબંધો રાખવા આગ્રહ કરતા હોવાથી બનાવટી આરોપો દ્વારા તેમને અને તેમનાં પત્નીને જેલમાં પૂરવામાં આવ્યા છે.