અમેરિકામાં દરોડાં પાડવા પહોંચેલા ઈમિગ્રેશન અધિકારી પર હુમલો

- ગેરકાયદે વસાહતી અને ઈમિગ્રેશન અધિકારીઓ વચ્ચે ઘર્ષણ
- અધિકારીની કાનપટ્ટી પર બંદૂક મૂકીને ધમકી આપનારો ફરાર : આરોપીના માથા સાટે 50 હજાર ડોલરનું ઈનામ
કેમારિલ્લો, (કેલિફોર્નિયા) : અહીંના કેનાબિસ-ફાર્મમાં કામ કરતા વસાહતીઓને શોધી શોધી દેશ નિકાલ કરવાની ઝુંબેશના ભાગરૂપે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેટ (ICE) વિભાગના અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેમનો વિરોધ કરનારા પૈકી એકે 'આઈસ' અધિકારી સમક્ષ બંદૂક તાકતાં તે અધિકારી જરા અટકી રહ્યો પરંતુ તે પછી તુર્તજ તે બંદૂક તાકનાર ત્યાંથી નાસી છૂટયો હતો. સત્તાવાળાઓએ તેની માહિતી આપનારને ૫૦,૦૦૦ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. તેની પાછળ સર્ચ વોરંટ પણ જાહેર કરી દીધું છે.
અહીંના કેનાબિસ ફાર્મ ઉપર ગેરકાયદે વસાહતીઓને પકડવાની રેઇડ પડવાની છે તે જોતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી, વાતાવરણમાં ગરમી વ્યાપી ગઈ હતી. આ અંગેના એરિઅલ ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આઈસ અધિકારીઓને લઈ આવતા વાહનને લોકોએ ઘેરી લીધું હતું. આ ઘેરો એટલો જબ્બર થતો ગયો કે લોકોને વિખેરવા પોલીસ અને આઇસ અધિકારીઓને 'સ્મોક કેનિસ્ટર્સ' (ધુમાડો કાઢે તેવા નળાકાર ડબ્બાઓ) છોડવા પડયા હતા. પરિણામે નાસભાગ થઈ ગઈ હતી, અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી ત્યાં સુધીમાં આ દરોડા ચોથા કલાકમાં પ્રવેશી ચુક્યા હતા.
સમગ્ર એરિયા 'તાળાબંધ' કરી દેવાયો. સ્થાનિક પોલીસની સાથે નેશનલ ગાર્ડઝ પણ જોડવા પડયા હતા. તેમાંએ જ્યારે આઇસ વિરોધી દેખાવકારો પૈકીના એકે આઈસના અધિકારી સામે બંદૂક તાકી ત્યારે પરિસ્થિતિ અત્યંત તંગદિલી ભરી બની ગઈ હતી.
આ અંગેનો વિડીયો પણ 'x' ઉપર શેર થયો છે.
તંગદિલી અત્યંત વધી રહેતાં પોલીસે સમગ્ર વિસ્તાર 'લોક-ડાઉન' (તાળાબંધ) જાહેર કર્યો તેમજ તે વિસ્તારમાં જતા તમામ માર્ગો પણ બંધ કરી દીધા હતા. આ તરફ ઓઈસ-એજન્ટસ્ ઉપર થતા હુમલામાં ૭૦૦ ટકાનો વધારો થયો છે. લોકો પાગલ સમાન બની ગયા છે. વધુને વધુ લોકોની ધરપકડ કરવી પડે તેવો વખત આવી ગયો છે. જોકે હવે ફેડરલ ગવર્નમેન્ટ જરા નરમ થઈ છે. ડીપોર્ટેશન રેઈડસની સંખ્યા ઘટી રહી છે.
આ ઘટના (બંદૂક તાકવાની ઘટના) અંગે આઈસ દ્વારા જારી કરાયેલા મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, આ ઘણી ડેન્જરસ બાબત છે, પરંતુ વિશ્લેષકો કહે છે કે હવે ગેરકાયદે વસાહતીઓ જીવ ઉપર આવી ગયા છે. તેઓના દેશમાં રોજગારી નથી ઘણાને ખાવાનાં ફાંફા પડે છે તો બીજી તરફ અમોને અહીંથી ધક્કેલી દેવામાં આવે છે. હવે અમે જીવ ઉપર આવી ગયા છીએ. (વી હેવ બી કમ ડેસ્પરેટ)








