વસાહતીઓ યુરોપનો નાશ કરી રહ્યાં છે, સ્કોટલેન્ડમાં ટ્રમ્પે ઊચ્ચારેલી ગંભીર ચેતવણી
- ટ્રમ્પ સો એ સો ટકા સાચા છે : વિશ્લેષકો
- વસાહતીઓનું આક્રમણ ભયંકર બની રહ્યું છે : યુરોપ યુરોપીય નહીં રહે કેટલાક યુરોપીય નેતાઓ તે રોકવા કોઈ પગલાં લેતા નથી : ટ્રમ્પ
એડીનબર્ગ : યુરોપની મુલાકાતનાં પહેલાં ચરણમાં સ્કોટલેન્ડ આવી પહોંચેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના દેશોને વસાહતીઓ અંગે ગંભીર ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે, આ વસાહતીઓ ખંડનો (યુરોપનો) નાશ કરશે, યુરોપ યુરોપીય જ નહીં રહે આ સાથે તેઓએ વિવિધ દેશોને વસાહતીઓ અંગેના નિયમો કઠોર કરવા અનુરોધ કર્યો હતો.
યુરોપની મુલાકાતના પહેલા ચરણમાં અહીં આવેલા અમેરિકી પ્રમુખે પત્રકાર પરિષદમાં કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે યુરોપ કદાચ યુરોપીયન જ નહીં રહે તમારે એક જૂથ થઈ પગલાં ભરવાં જ પડશે. આ સાથે તેઓએ વસાહતીઓને એક ભયંકર આક્રમણ સમાન કહેતાં યુરોપના કેટલાક નેતાઓની ઊગ્ર ટીકા કરતાં કહ્યું હતું કે, કેટલાક નેતાઓ પૂરતાં પગલાં તે આક્રમણ અટકાવવા લઈ રહ્યાં નથી.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પનાં માતા સ્કોટિશ હતાં, તેઓના પિતાશ્રી જર્મનીથી અમેરિકામાં આવી વસ્યા હતા.
ટ્રમ્પ તેઓની ઇંગ્લેન્ડની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમેરને મળવાના છે.
તેઓ યુરોપીય કમીશનનાં પ્રમુખ ઉર્સુલ્લા ફૉન દર લીયેનને પણ યુરોપની મુલાકાત દરમિયાન મળવાના છે.
કોઈ પણ દેશની સરકારના વડાનાં નામનો ઉલ્લેખ કર્યા સિવાય ટ્રમ્પે કહ્યું હતું કે કેટલાક દેશોના વડાઓ વસાહતી-નીતિ અંગે કડક પગલાં લઈ રહ્યાં છે. તે પ્રશંસનીય છે. તેઓએ અમેરિકાનું જ ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે ગયા મહિને અમે અનેક દુષ્ટ માણસોને અમેરિકામાંથી હાંકી કાઢ્યા છે. તેઓ ત્યાં ખોટી રીતે અને ગેરકાયદેસર ઘૂસી ગયા હતા. પરંતુ હવે તેવું નહીં થઈ શકે.
ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી આવા ગેરકાયદે ઘૂસણખોરોને વીણી વીણીને હાંકી કાઢ્યા છે. તે સામે થયેલા વિરોધને પણ ગણકાર્યા નથી.
ઉલ્લેખનીય છે કે, એક સમયે અમેરિકામાં દુનિયામાં સૌથી વધુ વસાહતીઓ હતા હજી ખૂણે ખાંચરે ગેરકાયદે વસાહતીઓ હોઈ શકે પણ ખરા.
યુરોપની વાત લઈએ તો યુનાઈટેડ નેશન્સના અંદાજ પ્રમાણે ૨૦૨૦માં સમગ્ર યુરોપ (રશિયા સિવાય)માં ૮ કરોડ ૭૦ લાખ જેટલા વસાહતીઓ હતા.
વિશ્લેષકો કહે છે કે આ પરિસ્થિતિ જોતાં સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અંગે ડોનાલ્ડ ટ્રમ્પની વસાહતીઓ અંગેની નીતિ યોગ્ય છે. તેવી જ રીતે યુરોપ અંગે પણ તેઓએ રજૂ કરેલી નીતિ સો એ સો ટકા સાચી છે.