અસીમ મુનીર અને શહબાઝ શરીફ ઉપર IMFના ઉગ્ર પ્રહારો : પાકિસ્તાનને તેનો મૂળ રોગ દર્શાવ્યો

- પાકિસ્તાનમાં છેક નીચેથી ટોચ સુધી ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે
- 'જો સુધરશો નહીં તો આર્થિક કટોકટી, રજકીય અસ્થિરતા અને વિદેશી દેવાના વિષચક્રમાંથી બહાર આવી નહીં શકો'
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાન અંગે ઘણો કઠોર અહેવાલ આપ્યો છે. તેમાં કહ્યું છે કે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર એટલી હદે મૂળ કરી ગયો છે કે તે શાસનનો એક ભાગ જ બની રહ્યો છે, તેનાં સમગ્ર રાજકારણમાં અને અર્થતંત્રમાં પણ વ્યાપી રહ્યો છે.
૧૮૬ પાનાનો આ અહેવાલ જણાવે છે કે, ત્યાં ભ્રષ્ટાચાર સતત વધતો જાય છે, જે દેશની ખરાબ બની રહેલી આર્થિક સ્થિતિને વધુ ખરાબ બનાવે છે, અને ભ્રષ્ટાચાર છેક નીચેથી છેક ઉપર સુધી વ્યાપ્ત રહ્યો છે. સત્તાનાં સર્વોચ્ચ સ્થાનો સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાન શહબાઝ શરીફની ઓફિસ હોય કે,લશ્કરના વડા આસીમ મુનીરની ઓફિસ હોય, દરેક સ્થાને તે વ્યાપ્ત છે.
આ ભ્રષ્ટાચારનું સૌથી ખરાબ પાસું તે છે કે જે સ્થાનો શ્રેષ્ઠ ગણાય છે ત્યાં સુધી તે પહોંચી ગયો છે અને સરકાર સાથે જોડાયેલી લગભગ તમામ સંસ્થાઓમાં પણ વ્યાપી ગયો છે.
આઈ.એમ.એફે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, ભ્રષ્ટાચારને લીધે જ તેની મોટી આર્થિક વ્યવસ્થા (મેકોનોમિક્સ) તેમજ સામાજિક વિકાસ ઉપર પણ ઘણી માઠી અસર થઈ છે. જાહેર ભંડોળો ખોટી રીતે વપરાઈ રહ્યા છે. તેથી માર્કેટમાં વમળો ઉભા થયા છે. સ્વચ્છ સ્પર્ધા ખોડંગાઈ ગઈ છે. જાહેર નિધિઓ (પબ્લિક ટ્રસ્ટ)નાં ભંડોળો ખાલી થઈ રહ્યાં છે. તેથી સ્થાનિક તેમજ વિદેશી રોકાણો પર અવરોધ આવી ગયો છે, તે સંકોચાઈ રહ્યાં છે. આ અહેવાલમાં વધુ ચાબખા મારતાં જણાવવામાં આવ્યું છે કે, ભ્રષ્ટાચાર રોકવામાં અસમર્થ તેવા દુનિયાના અન્ય દેશોની હરોળમાં પાકિસ્તાન મુકાઈ ગયું છે.
આટલુ ઓછું હોય તેમ આઇએમએફના તે અહેવાલમાં પાકિસ્તાનની ન્યાયતંત્રીય વ્યવસ્થા (જયુડીશ્યલ સીસ્ટીમ)ને પણ ઝપટમાં લીધી છે. તે અંગે આ અહેવાલમાં લખ્યું છે કે, તે ઘણી જ ધીમી છે, રાજકીય દબાણને વશ છે. અને ન્યાય આપવામાં પણ તે ઉણી ઉતરે છે. પરિણામે લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ નથી રહ્યો, તેઓ કોન્ટ્રાકટનો અમલ કરાવવા માટે કે પોતાની મિલ્કતનું રક્ષણ કરવા માટે કોર્ટોની બહાર જ માર્ગ શોધી લે છે.
પાકિસ્તાનમાં એન્ટી કરપ્શન બ્યુરો છે પરંતુ તેનો ઉપયોગ માત્ર રાજકીય વૈસ્તૃપ્તિ કરવા માટે થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં દેશના અને વિદેશના રોકાણકારો રોકાણો કરતાં અચકાય તે સહજ છે. તેટલું જ નહીં પરંતુ વિદેશી રોકાણકારો તો તેઓની મૂડી પાછી ખેંચી રહ્યા છે. આથી પાકિસ્તાનની આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે.
દેશની જનતા જાણે જ છે કે પોલીસતંત્ર તો ભ્રષ્ટાચારી છે જ, પરંતુ હવે તો ભ્રષ્ટાચાર કોર્ટો સુધી પહોંચી ગયો છે.
પાકિસ્તાને સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ ફેસીલીએશન કાઉન્સિલ (એસ.આઈ.એફ.સી.) સ્થાપી છે. જે મહત્વનાં રોકાણો અંગે નિર્ણય લે છે. તે સંસ્થાને અસામાન્ય સત્તાઓ છે પરંતુ તેની જ પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ ઘણું જ નિર્બળ છે.
પાકિસ્તાનમાં પરિસ્થિતિ તેવી છે કે, છેક નીચેથી ટોચ સુધી ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. તે જો સુધરશે નહીં તો, આર્થિક કટોકટી, રાજકીય અસ્થિરતા અને વિદેશી દેવાના વિષચક્રમાં વધુને વધુ ફસાતું જશે તેમાંથી બહાર નહી નીકળી શકે તેવા સખ્ત અવલોકન સાથે આ રિપોર્ટ સંપન્ન થાય છે.

