ભારત સાથેના સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનને મોટી લોન આપનારા IMFનું પહેલીવાર નિવેદન સામે આવ્યું
IMF Defends Loan to Pakistan: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે જયારે ભારત IMF તરફથી પાકિસ્તાનને મળતા ફંડનો વિરોધ કરી રહ્યું હતું ત્યારે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે(IMF) પાકિસ્તાનને લોન આપવાની જાહેરાત કરી હતી. 9 મેના રોજ, IMF એ પાકિસ્તાનને વધારાની $1 બિલિયન લોન મંજૂર કરી. હવે બેલઆઉટ પેકેજનો બચાવ કરતાં, IMFએ કહ્યું કે, 'અમારું બોર્ડ સંતુષ્ટ છે કે પાકિસ્તાને લોન મેળવવા માટે તમામ નિયમોનું પાલન કર્યું છે.'
ભારતે કર્યો હતો વિરોધ
ભારતે આતંકવાદ માટે આશ્રયસ્થાન બનેલા પાકિસ્તાન માટેના આઈએમએફના રાહત પેકેજનો વિરોધ કર્યો હતો અને IMFને અપીલ કરી હતી કે પાકિસ્તાનને લોન ન આપે કારણ કે પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરી શકે છે. થોડા દિવસો પહેલા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે પાકિસ્તાન IMF તરફથી મળેલી લોનમાંથી 14 કરોડ રૂપિયા મસૂદ અઝહરને આપશે.
અત્યાર સુધીમાં પાકિસ્તાનને EEF કાર્યક્રમ હેઠળ $2.1 બિલિયન મળ્યા
એક ઇન્ટરવ્યુ દરમિયાન IMFએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન માટે EEF કાર્યક્રમ સપ્ટેમ્બર 2024 માટે મંજૂર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની પ્રથમ સમીક્ષા 2025ના પ્રથમ ક્વાર્ટરમાં થવાની હતી. 9 મેના રોજ, અમારા એક્ઝિક્યુટિવ બોર્ડે સમીક્ષા પૂર્ણ કરી. આ સમીક્ષા પછી, પાકિસ્તાનને $1 બિલિયન(લગભગ રૂ. 8,500 કરોડ)ની નવી લોન સપ્ટેમ્બર 2024માં મંજૂર કરવામાં આવી હતી. આ લોન EFF હેઠળ સહાય પેકેજનો એક ભાગ છે, જે કુલ $7 બિલિયન જેટલી છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનને આ હેઠળ $2.1 બિલિયન મળ્યા છે.
પૈસા પાકિસ્તાન સરકારના બજેટ માટે નથી
IMF કોમ્યુનિકેશન ડિરેક્ટર જુલી કોઝાકે કહ્યું કે, 'હું તમને ત્રણ વાતો કહેવા માંગુ છું. IMFના પૈસા ફક્ત પેમેન્ટ બેલેન્સની સમસ્યાને ઉકેલવા માટે છે. EEF હેઠળ પાકિસ્તાનને મળતાં બધા પૈસા સીધા સેન્ટ્રલ બૅન્કમાં જાય છે. આ પૈસા સરકારી બજેટ માટે નથી. સેન્ટ્રલ બૅન્ક સરકારને બિલકુલ ધિરાણ આપી શકતી નથી. આ કાર્યક્રમમાં નાણાકીય વ્યવસ્થાપન સુધારવા માટે અનેક સુધારાઓનો સમાવેશ થાય છે. જો આ શરતોનું પાલન નહીં કરવામાં આવે તો IMFની આગામી સમીક્ષા પર અસર પડશે.
પાકિસ્તાને 50 શરતો પૂરી કરવી પડશે
IMF એ પાકિસ્તાનને આગામી હપ્તા મેળવવા માટે અત્યાર સુધીમાં 11 વધુ શરતો ઉમેરી છે. આ બેલઆઉટ કાર્યક્રમ હેઠળ શરતોની સંખ્યા વધીને 50 થઈ ગઈ છે. IMF એ વધુમાં ચેતવણી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ કાર્યક્રમના નાણાકીય ઉદ્દેશ્યો માટે જોખમ વધારી શકે છે. એક અલગ નોંધમાં, IMF એ તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવમાં થયેલા મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને શાંતિપૂર્ણ ઉકેલ માટે હાકલ કરી. સંગઠને વધુમાં સ્પષ્ટતા કરી હતી કે IMF ખાતે ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમનું તાજેતરનું રાજીનામું ભારતનો નિર્ણય હતો, IMFનો નહીં.