Get The App

હાથમાં હથકડી અને પગમાં સાંકળ બાંધીને ભારતીયોને વતન લવાયા! પાછા આવીને વર્ણવી આપવીતી

Updated: Feb 6th, 2025

GS TEAM

Google News
Google News
હાથમાં હથકડી અને પગમાં સાંકળ બાંધીને ભારતીયોને વતન લવાયા! પાછા આવીને વર્ણવી આપવીતી 1 - image

USA Deported Indians: અમેરિકામાં ગેરકાયદે રહેતાં 104 ભારતીયોને ગઈકાલે પરત વતન મોકલવામાં આવ્યા છે. લાખો રૂપિયા ખર્ચીને ગયેલા ભારતીયો હવે ન તો ઘરના રહ્યા કે ઘાટના... આ ડિપોર્ટ કરાયેલા ભારતીયો આંખોમાં શરમ, હાથમાં હથકડી, પગમાં બેડીઓ અને દિલમાં ગુસ્સા સાથે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયા હતાં. સૌ કોઈ ઉજ્જવળ ભવિષ્યની આશાઓ સાથે અમેરિકા ગયા હતાં. ટ્રમ્પની રાષ્ટ્રવાદ અને અમેરિકા ફર્સ્ટની વ્યાખ્યા ગેરકાયદે અમેરિકામાં વસતા લોકો માટે આફત બની છે.



ડંકી રૂટ પર અમેરિકા જતાં 4400 કલાક લાગ્યાં

ગુરૂદાસપુરના હરદોવાલ ગામના જસપાલ જુલાઈ, 2024માં અમેરિકા જવા નીકળ્યો હતો. ડંકી રૂટ પર અમેરિકા પહોંચતા તેને 4400 કલાક અર્થાત છ મહિના લાગ્યા હતાં. ગતવર્ષે જુલાઈમાં અમેરિકા જવા નીકળેલો જસપાલ જાન્યુઆરી, 2025માં અમેરિકાના નાનકડાં ગામમાં પહોંચ્યો હતો. જસપાલે જણાવ્યું કે, અમને હાથમાં હથકડી, પગમાં બેડીઓ બાંધીને ભારત લાવવામાં આવ્યા. અમારી બેડીઓ અમૃતસર એરપોર્ટ પર ખોલવામાં આવી. મારે તો કાયદેસર વિઝા લઈને અમેરિકા જવુ હતું. પરંતુ એજન્ટે મને ભરમાવ્યો અને મારી સાથે છેતરપિંડી કરી હતી.



30 લાખનો ખર્ચ, પણ છ મહિના બેરોજગાર

જસપાલે દાવો કર્યો કે, ગતવર્ષે જુલાઈમાં તે વિમાનથી બ્રાઝિલ પહોંચ્યો હતો. જ્યાંથી તેને અમેરિકા વિમાન મારફતે મોકલવાનો હતો. પરંતુ એજન્ટે છેતરપિંડી કરી અને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી અમેરિકામાં પ્રવેશ કરાવ્યો હતો. હું છ મહિના સુધી બેરોજગાર રહ્યો. મારી પાસે કાયદેસરના દસ્તાવેજ ન હોવાથી હું ફરિયાદ પણ કરી શક્યો નહીં. 24 જાન્યુઆરીએ યુએસ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન મારી ધરપકડ થઈ. 11 દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યો અને પ્લેન પર બેસાડી અમૃતસર રવાના કર્યો. 

આ પણ વાંચોઃ વિદેશ જવાની ઘેલછામાં 75 લાખથી-1 કરોડ સુધીનો ખર્ચ માથે પડ્યો, મોટાભાગના છેલ્લા 1 થી 3 મહિનામાં જ ગયા હતા

જસપાલની માતાએ અલગ જ વાર્તા કહી

જસપાલ સિંહની માતા અને પિતરાઈ ભાઈએ મીડિયા સાથે વાત કરતાં અલગ જ  વાર્તા કહી હતી કે, જસપાલ બે વર્ષ સુધી ઈંગ્લેન્ડમાં કામ કર્યા બાદ 12 દિવસ પહેલાં જ અમેરિકા ગયો હતો. તેને પરત મોકલાતા મન દુખી છે. પરંતુ તે સકુશળ ભારત આવ્યો તેનો આનંદ પણ છે.

સુરતનો કેતુલ પટેલ ફ્લેટ વેચી અમેરિકા ગયો

અમેરિકા દ્વારા ડિપોર્ટ કરાયેલા કેતુલ પટેલ પોતાના પરિવાર સાથે સુરતના ડિંડોલીમાં રહ્યો હતો. તે એક વર્ષ પહેલાં જ ફ્લેટ વેચી અમેરિકા ગયો હતો. કેતુલ પટેલના નવા મકાન માલિકે આ અંગે જણાવ્યું હતું. જો કે, કેતુલ કે તેના પિતા હસમુખ પટેલ આ મુદ્દે કોઈ વાત કરવા માગતા નથી. હસમુખ પટેલ અમદાવાદમાં દરજી કામ કરે છે. અમૃતસર પહોંચેલા 33 ગુજરાતીઓને અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતાં. જ્યાં પોલીસ તેમને પોતાના વાહનોમાં ઘર સુધી મૂકવા જઈ રહી છે.

હાથમાં હથકડી અને પગમાં સાંકળ બાંધીને ભારતીયોને વતન લવાયા! પાછા આવીને વર્ણવી આપવીતી 2 - image