અમારા પર હુમલો કરશો તો અમેરિકાની સેના તૂટી પડશે : ટ્રમ્પની ઇરાનને ધમકી

- ઈઝરાયેલના હુમલામાં અમારી કોઈ ભૂમિકા નથી
- ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું, હવે ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવીશ : ટ્રમ્પ
વોશિંગ્ટન: ઈરાન પર ઈઝરાયેલના હુમલામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી તેવો દાવો કર્યા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે, અમેરિકા પર કોઈપણ રીતે આક્રમણ કરશો તો અમારી સશસ્ત્ર સેના પૂરી તાકત અને શક્તિથી ઈરાન પર તૂટી પડશે અને તેને બરબાદ કરી નાંખશે. આ સાથે ટ્રમ્પે ફરી એક વખત કહ્યું કે, મેં ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું. હવે ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવીશ.
ઈઝરાયેલના હુમલામાં અમેરિકા પણ બરાબરનું સંડોવાયેલું છે. મધ્ય-પૂર્વમાં અમેરિકાના સૈન્ય સંશાધનોની મદદથી જ ઈઝરાયેલે ઈરાન પર હુમલા કર્યા છે અને અમારી પાસે તેના પર્યાપ્ત પુરાવા પણ છે. ઈઝરાયેલની સાથે અમે અમેરિકાને પણ નહીં છોડીએ તેવા ઈરાનના આરોપ બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છંછેડાઈ ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું કે, ઈરાન પરના હુમલામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી. આમ છતાં ઈરાન અમેરિકા પર કોઈપણ રીતે હુમલો કરવાની ભૂલ કરશે તો અમારી સશસ્ત્ર સેના પૂરી તાકાત અને શક્તિ સાથે ઈરાન પર એવી રીતે તૂટી પડશે, જે પહેલાં ક્યારેય જોવા મળી નહીં હોય. અમારી સેના ઈરાનને બરબાદ કરી નાંખશે.
આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે ઈઝરાયેલ અને ઈરાનને શાંતિ માટે ડીલ કરવાની અપીલ કરી હતી.








