- વેનેઝુએલા અને તેનું ક્રૂડ ઓઈલ સેક્ટર હવે અમે 'ચલાવીશું' : અમેરિકી પ્રમુખ
- કોલંબિયા-મેક્સિકો પણ તેમના ત્યાં ડ્રગ્સ ફેક્ટરીઓ બંધ કરે, વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારી દુનિયાને ઓઈલ વેચીશું
- ટ્રમ્પની ધમકી બાદ કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ ઈમર્જન્સી બેઠક બોલાવી સરહદે સુરક્ષા વધારી
- અમેરિકાના હુમલામાં વેનેઝુએલાના 40 નાગરિકો-સૈનિકો માર્યા ગયાનો દાવો
(પીટીઆઈ) કારાકાસ/વોશિંગ્ટન: અમેરિકન આર્મી વેનેઝુએલામાં અડધી રાતે આક્રમણ કરીને તેના પ્રમુખ નિકોલસ માદુરોને ઉઠાવી લાવ્યા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, માદુરો સામે અમેરિકન કોર્ટમાં નાર્કો ટેરરિઝમ હેઠળ કેસ ચાલશે. ટ્રમ્પે કોલંબિયા, મેક્સિકોને પણ તેમના ત્યાં ડ્રગ્સની ફેક્ટરીઓ બંધ કરવા ચેતવણી આપી છે. ટ્રમ્પે દુનિયાને ધમકી આપી છે કે અમેરિકાની સામે પડશો તો માદુરો જેવા હાલ થશે. આ સિવાય વેનેઝુએલામાં 'સત્તા પલટા' અંગે ટ્રમ્પે કહ્યું કે, હવે વેનેઝુએલાને અમે 'ચલાવીશું', ત્યાંથી ક્રૂડ ઓઈલ ઉત્પન્ન કરીને અન્ય દેશોને વેચીશું. બીજીબાજુ અમેરિકાના હુમલામાં વેનેઝુએલામાં ૪૦ લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે.
અમેરિકન આર્મીએ 'એબ્સોલ્યૂટ રિઝોલ્વ' નામથી ઓપરેશન ચલાવી વેનેઝુએલામાં આક્રમણ કર્યું અને તેના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નિ સિલિઆ ફ્લોરેસને ન્યૂયોર્ક ઉઠાવીને લઈ ગઈ. નિકોલસ માદુરોને હેલિકોપ્ટરમાં ન્યૂયોર્કના મેનહટન લઈ જવાયા. ત્યાં તેમની સામે નાર્કો ટેરરિઝમ હેઠળ કેસ ચલાવાશે. માદુરોને ન્યૂયોર્કના બૂ્રકલીન જેલમાં કેદ કરાયા છે, જ્યાં અમેરિકાના કુખ્યાત કેદીઓને રાખવામાં આવ્યા છે.
વેનેઝુએલા પર આક્રમણ પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વેનેઝુએલામાં માદુરોની ગેરહાજરીમાં ત્યાં શાસન કોણ સંભાળશે તે અંગે પોતાની યોજના જણાવતા ટ્રમ્પે કહ્યું કે, વેનેઝુએલાને હવે અમે 'ચલાવીશું', વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમે 'સુધારીશું' અને અન્ય દેશોને વ્યાપક પ્રમાણમાં ઓઈલ વેચીશું. આ સાથે ટ્રમ્પે કોલંબિયા અને મેક્સિકોના પ્રમુખોને પણ તેમના ત્યાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીઓ બંધ કરવા ચેતવણી આપી હતી. ટ્રમ્પે દુનિયાના દેશોને પણ ધમકી આપી કે અમેરિકન સાર્વભૌમત્વ અને અમેરિકન જીવનને જોખમમાં મુકનારાના માદુરો જેવા હાલ થશે.
ટ્રમ્પ સરકારના વેનેઝુએલા પરના આક્રમણે દુનિયાને ૨૦૦૩માં ઈરાક પર અમેરિકાના આક્રમણ અને સત્તા પલટાની યાદ તાજી કરાવી દીધી હતી. જોકે, કાયદાકીય નિષ્ણાતોએ અમેરિકન કોંગ્રેસને જાણ કર્યા વિના વેનેઝુએલા પર ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની કાયદેસરતા સામે સવાલો ઉઠાવ્યા છે.
બીજીબાજુ વેનેઝુએલામાં પ્રમુખ માદુરોની ગેરહાજરીમાં ત્યાંની સુપ્રીમ કોર્ટે ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સને વચગાળાના પ્રમુખપદના શપથ અપાવ્યા હતા. રોડ્રિગ્સે અમેરિકાના હુમલાને સામ્રાજ્યવાદી આક્રમણ ગણાવ્યું હતું અને માદુરો અને તેમના પત્ની ફ્લોરેસને તાત્કાલિક છોડી મૂકવા માગ કરી હતી. અમેરિકાની એર સ્ટ્રાઈક પછી વેનેઝુએલામાં ચારેબાજુ ભારે વિનાશના સમાચાર સામે આવી રહ્યા છે. વધુમાં આ હુમલામાં નાગરિકો અને સૈનિકો સહિત કુલ ૪૦ લોકો માર્યા ગયા હોવાનું પણ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. આ સાથે વેનેઝુએલામાં નિકોલસ માદુરોની તરફેણમાં નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હોવાનું તેના સરકારી મીડિયાએ દાવો કર્યો હતો.
દરમિયાન ટ્રમ્પની ધમકી અંગે વેનેઝુએલાના પડોશી દેશ કોલંબિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ વહેલી સવારે ૩.૦૦ કલાકે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. કોલંબિયાની સરકાર અને સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ઘટનાક્રમના દૂરગામી અને અસ્થિર કરનારી અસરો થઈ શકે છે. કોલંબિયા સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. તેણે વેનેઝુએલાને લગતી ૨,૨૧૯ કિ.મી. લાંબી પૂર્વીય સરહદને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકા પોતાના ફાયદા માટે અન્ય દેશો પર હુમલાઓને ન્યાયિક ઠેરવે છે
વોશિંગ્ટન:અમેરિકાએ વેનેઝુએલા પર આક્રમણ કરીને તેના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિઆ ફ્લોરેસને ઉપાડી ગયા પછી પ્રમુખ ટ્રમ્પે આ પગલાંનો બચાવ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે નિકોલસ માદુરો ડ્રગ માફિયા છે. પરંતુ ટ્રમ્પ આ અંગેના કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી. ભૂતકાળમાં પણ અમેરિકાએ પોતાના ફાયદા માટે દુનિયાના અનેક દેશો પર હુમલા અથવા હસ્તક્ષેપ કર્યા છે અને તેનું મૂખ્ય કારણ ક્રૂડ ઓઈલ, ખનીજો, ફળ અથવા અન્ય સંપદા જેવા પ્રાકૃતિક સંશાધનો પર કબજો જમાવવાનું છે. અમેરિકાના ટીકાકારો તેને નિયો-કોલોનિયલિઝમ કહે છે. અમેરિકાએ ૧૯મી સદીમાં મેનિફેસ્ટ ડેસ્ટિનીના નામે ઉત્તર અમેરિકામાં જમીનો કબજે કરી હતી. આ માટે તેણે મેક્સિકો પર હુમલો કરી કેલિફોર્નિયા સહિત કેટલોક વિસ્તાર પડાવી લીધો, જેનાથી તેને સોનું, ક્રૂડ ઓઈલ અને કૃષિ ભૂમિ મળ્યા. અમેરિકાએ સ્પેન સાથે યુદ્ધ કરી પ્યુર્ટો રિકો, ગુઆમ અને ફિલિપાઈન્સ પર કબજો કર્યો. કેરેબિયન અને મધ્ય અમેરિકામાં યુદ્ધો કરી હોન્ડુરસ, નિકારાગુઆ, હૈતી, ડોમિનિકન રિપબ્લિક જેવા દેશોનું શોષણ કર્યું. તાજેતરના સમયમાં અમેરિકાએ ઈરાન, ગ્વાટેમાલા, ઈરાક, પનામા, પશ્ચિમ આફ્રિકામાં યુદ્ધો કરીને સત્તા પલટા કર્યા. જોકે, આ માટે તેણે જે પણ કારણો આપ્યા તેમાંથી કોઈ સાચા ઠર્યા નહીં. અમેરિકાના દરેક યુદ્ધોમાં અંતે માત્ર તેનો પોતાનો ફાયદો હોવાનું જ સામે આવ્યું છે.
વેનેઝુએલા પર આક્રમણના ટ્રમ્પના પગલાંનો અમેરિકામાં જ ઉગ્ર વિરોધ
વેનેઝુએલા પર આક્રમણના અમેરિકન પ્રમુખ ટ્રમ્પના પગલાં સામે અમેરિકામાં જ વિરોધ ઊઠવા લાગ્યો છે. ડેમોક્રેટ નેતા કમલા હેરીસ, ન્યૂયોર્કના નવા મેયર ઝોરહાન મમદાની, લોસ એન્જલસના મેયર કરેન બાસ, સહિત અનેક નિષ્ણાતોએ ટ્રમ્પના આ હુમલાને ગેરકાયદેસર ગણાવ્યો છે. ઝોરહાન મમદાનીએ વેનેઝુએલામાં અમેરિકન સૈન્યના એકતરફા હુમલાને 'એક્ટ ઓફ વોર' ગણાવતા તેને ફેડરલ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ ગણાવ્યો છે. લોસ એન્જલસના મેયર કરેન બાસે માદુરોને સત્તા પરથી હટાવવાથી વેનેઝુએલામાં અરાજક્તા અને હિંસાનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે લોસ એન્જલસ શાંતિ, લોકતંત્ર અને કૂટનીતિની તરફેણ કરશે. જોકે, ટ્રમ્પના એક સમયના મિત્ર ઈલોન મસ્કે અમેરિકન પ્રમુખના પગલાંની પ્રશંસા કરી હતી. મસ્કે માદુરોની ધરપકડ બદલ ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા અને અમેરિકન સૈન્યની કાર્યવાહીને સમગ્ર દુનિયા માટે એક મોટી જીત ગણાવી હતી. તેમણે કહ્યું, આ દુનિયાના તમામ તાનાશાહો માટે સ્પષ્ટ ચેતવણી છે. ટ્રમ્પના પગલાં અંગે ચર્ચા કરવા ડેમોક્રેટ્સે રવિવારે ઈમરજન્સી બેઠક બોલાવી. બીજીબાજુ મસ્કની કંપની સ્ટારલિંકે વેનેઝુએલાના નાગિરકો માટે એક મહિના માટે સ્ટારલિંકનું ઈન્ટરનેટ મફત કરી દીધું છે, જેતી તેઓ દુનિયા સાથે જોડાયેલા રહી શકે.
- વેનેઝુએલામાં ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે વચગાળાના પ્રમુખ તરીકે શપથ લીધા,
અમેરિકન કોંગ્રેસની મંજૂરી વિના વેનેઝુએલા પર ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની કાયદેસરતા સામે નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા


