આ ત્રણ તારીખોએ જોવા જશો તાજમહેલ તો ફી આપવી પડશે નહી
આખરી દિવસે ૧૮૮૦ મીટર લાંબી ચાદર ચડાવવામાં આવશે
શાહજહાની પત્ની મુમતાઝની કબરની પણ મુલાકાત લઇ શકશે

આગ્રા,૧૨ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર
દુનિયાની પ્રાચીન અજાયબીઓમાં તાજમહેલ સ્થાન ધરાવે છે. આગ્રા ખાતેનું આ સ્મારક જોવા મળે છે દેશ વિદેશના પ્રવાસીઓ ઉમટી પડે છે. વર્તમાન ફેબુ્રઆરી માસમાં ૩૬૮મી વરસીથી ત્રણ દિવસ સુધી તાજમહેલની મુલાકાતે આવનારાએ એન્ટ્રી ફી ચુકવવી પડશે નહી. આ અવસરે ચાદરપોશી, ચંદન, ગુસુલ અને કુલ જેવા વિભિન્ન પ્રકારના અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવશે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) આગ્રા સર્કલના પુરાતત્વવિદ્દને ટાંકીને જણાવાયું છે કે શાહજહાના વાર્ષિક ઉર્સના અવસરે ફેબુ્આરી ૧૭ ઉપરાંત ૧૮ અને ૧૯ તારીખ સુધી પર્યટકોને પ્રવેશ ફ્રી મળશે. આગ્રાના ટુરિસ્ટ એસોસિએશનના અધ્યક્ષના જણાવ્યા અનુસાર ૧૭ થી ૧૯ ફેબુ્આરી દરમિયાન વિભિન્ન પ્રકારના કાર્યક્રમોનું આયોજન થશે. ઉર્સના આખરી દિવસે ૧૮૮૦ મીટર લાંબી ચાદર ચડાવવામાં આવશે. સામાન્ય રીતે તાજમહેલની મુલાકાત લેનારાઓને શાહજહાની પત્ની મુમતાઝની કબર જોવા મળતી નથી પરંતુ આ દિવસોમાં તહખાનામાં કબર પણ જોઇ શકશે.