World

જો ટ્રમ્પ તાઈવાન પર બળ પ્રયોગ ન કરવા ચીનને સમજાવી શકે તો તેઓ નોબલ શાંતિ પુરસ્કારને યોગ્ય બને : તાઈવાન પ્રમુખ

By GS TEAM
7 Oct 20253 mins read
જો ટ્રમ્પ તાઈવાન પર બળ પ્રયોગ ન કરવા ચીનને સમજાવી શકે તો તેઓ નોબલ શાંતિ પુરસ્કારને યોગ્ય બને : તાઈવાન પ્રમુખ

- તાઈવાન ચીનનો આંતરિક મામલો છે : ચીનના પ્રવક્તા

- જો તાઈવાનને ચીન તેનામાં ભેળવી દે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન પ્રબળ બની જશે, નિયમાધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ખતમ થઇ જશે

તાઈપી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જો ચીનના પ્રમુખ શી જિનપિંગને તાઈવાન ઉપર બળપ્રયોગ નહીં કરવા સમજાવી શકે તો તેઓ શાંતિ માટેના નોબલ પ્રાઈઝને માટે યોગ્ય બની રહેશે. અમેરિકાનાં એક કોન્ઝેર્વટિવ રેડીયો શૉ અને પ્રોડકાસ્ટને આપેલી મુલાકાતમાં તાઈવાનના પ્રમુખ લાઇ ચિંગ તેએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમેરિકા, તાઈવાનને સૌથી વધુ પુષ્ટિ આપે છે. પરંતુ ટ્રમ્પે આ વર્ષના પ્રારંભે સત્તાનાંસૂત્રો હાથ કર્યા પછી તાઈવાનને શસ્ત્રાસ્ત્રો આપવાનું બંધ કર્યું છે.

આ મહિનાના અંતભાગમાં દક્ષિણ કોરિયામાં મળનારી એશિયા પેસિફિક દેશોની પરિષદમાં ટ્રમ્પ શી જિનપિંગને મળશે તે નિશ્ચિત બને છે.

આ સપ્તાહે ધી ક્લે ટ્રેવિસ એન્ડ બક એક્ષટન શૉમાં ઓગસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે શીએ તેઓને જણાવ્યું હતું કે તેઓ પ્રમુખ પદે છે ત્યાં સુધી ચીન તાઈવાન ઉપર આક્રમણ નહીં કરે.

આ સંદર્ભે લીએ કહ્યું હતું કે અમે ટ્રમ્પના સતત ટેકાની આશા રાખીએ છીએ. હવે જો પ્રમુખ ટ્રમ્પ તાઈવાન ઉપર કાયમ માટે હુમલો નહીં કરવા શીને સમજાવી શકે તો તેઓ શાંતિ માટેનાં નોબેલ પ્રાઈઝના અધિકારી બની રહેશે.

ટ્રમ્પે એક સમયે કહ્યું હતું કે શુક્રવારે નોર્વેમાં જાહેર થનારાં એ વિશિષ્ટ પારિતોષક માટે હું પૂર્વેના ૪ પ્રમુખોની જેમ જ યોગ્ય વ્યક્તિ છું.

આ મુલાકાતમાં લીને પૂછવામાં આવ્યું કે જો તમે પ્રમુખ ટ્રમ્પને મળશો તો શું કહેશો ? તેના ઉત્તરમાં લીએ કહ્યું કે ચીનનાં પગલાં ઉપર સતત ધ્યાન રાખવાનું હું તેઓને કહીશ. આ સાથે હું તેઓને તે વાસ્તવિક્તા પ્રત્યે પણ ધ્યાન આપવા કહીશ કે, શી જિનપિંગ માત્ર તાઈવાન-સ્ટ્રેઇસમાં જ સેનાકીય કાર્યવાહી વધારી રહ્યા નથી પરંતુ પૂર્વ ચીન સમુદ્ર અને દક્ષિણ ચીન સમુદ્રમાં પણ તેની સેનાકીય કાર્યવાહી વિસ્તારી રહ્યું છે. તેઓની આ કાર્યવાહી પછી માત્ર તાઈવાન પૂરતી જ મર્યાદિત નહીં રહે પરંતુ તે પછી તે અત્યંત પ્રબળ બની જશે. અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર તે અમેરિકાની સાથે સખતની સ્પર્ધા શરૂ કરશે. તેમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો કે નિયમોની તદ્દન ઉપેક્ષા કરશે. છેવટે તે અમેરિકાની તપભૂમિ ઉપર પણ અસર કરશે. તેથી હું આશા રાખું છું કે પ્રમુખ ટ્રમ્પ ઇન્ડો પેસિફિકમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પ્રયત્નો કરશે.

તાઈવાનના પ્રમખ લાઈ જિંગ તેએ તે મુલાકાતમાં કહ્યું હતું. ચીનનાં વિેદશ મંત્રાલયે તાઈવાન પ્રમુખનાં આ વિધાનો વિષે કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ અમેરિકા કે જે તાઈવાનમાં સંરક્ષણ માટે કરારો પ્રમાણે કાનૂની રીતે પ્રતિબદ્ધ છે તેણે વ્યૂહાત્મક અસ્પષ્ટતા તે અંગે જાળવી રાખી છે. તે સ્પષ્ટ કર્યું નથી કે ચીન જો તાઈવાન ઉપર આક્રમણ કરશે તો તેનો સામનો કરશે કે કેમ ?

ઉલ્લેખનીય છે કે ૧૮મી સપ્ટેમ્બરે ચીનના પ્રવક્તાએ કહ્યું હતું કે તાઈવાન તે ચીનનો આંતરિક મામલો છે. અમે તેમાં કોઇનો હસ્તક્ષેપ ચલાવી લેશું નહીં.