સુપ્રીમ ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપશે તો આખા વિશ્વને એક લાખ કરોડ ડોલર ચૂકવવા પડશે
અમેરિકન નાણાપ્રધાન સ્કોટ બેસન્ટની ચેતવણી
દેશોને વળતર ચૂકવવાથી બચવા ટ્રમ્પ તંત્ર રાષ્ટ્રીય સુરક્ષાના આધારે થતાં ટ્રેડ કરારનો ઉપયોગ કરે તેવી શક્યતા : બેસન્ટ
તેમણે સ્થાનિક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમારે ટેરિફ પેટે ઉઘરાવેલી રકમની અડધી રકમ પરત કરવી પડશે. તેમનું વહીવટીતંત્ર આ રકમ ચૂકવવા સક્ષમ છે, તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે જો કોર્ટ આદેશ આપશે તો અમારે ચૂકવણી કરવી જ પડશે. જો કે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓને સુપ્રીમ કોર્ટમાં દાખલ કેસ જીતવાનો વિશ્વાસ છે.
બેસન્ટની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે બે ફેડરલ કોર્ટનું તારણ છે કે ટ્રમ્પ પાસે ૧૯૭૭ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (આઇઇઇપીએ) હેઠળ ટેરિફ નાખવાની સત્તા છે જ નહીં.
ફેડરલ સર્કિટની યુએસ કોર્ટ ઓફ અપીલ્સે ૨૯મી ઓગસ્ટના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ તેની લિબરેશન મૂવમેન્ટના ભાગરૂપે દરેક દેશ પર રેસિપ્રોકલ ટેરિફ લાદીને પ્રમુખ તરીકેની તેમની સત્તાને અતિક્રમી ગયા હતા.
કોર્ટે ચુકાદાના અમલીકરણ માટે ૧૪ ઓક્ટોબર સુધીની તારીખ આપી હતી, જેથી તેઓ તેની સામે અપીલમાં જવું હોય તો જઈ શકે. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને વહેલા સુનાવણી કરીને આદેશ આપવા જણાવ્યું છે, જેથી ટેરિફ મોરચે સ્થિતિ સ્પષ્ટ થઈ જાય. નવા ટેરિફ ઓગસ્ટમાં અમલમાં આવ્યા હોવાથી યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન ફોર્સે અત્યાર સુધીમાં ૭૦ અબજ ડોલરથી વધુ રકમ એકત્રિત કરી છે. હવે જો આ કાર્યવાહી ૨૦૨૬ના મધ્યાંતર સુધી ખસેડાય તો બેસન્ટે ચેતવણી આપી છે કે દેશને તેના વળતર પેટે જંગી રકમ ચૂકવવાની આવી શકે છે. તેના કારણે અમેરિકાની નાણાકીય સ્થિતિ જોખમાઈ શકે છે.
નેશનલ ઇકોનોમિક કાઉન્સિલ ડિરેક્ટર કેવિન હેસેટે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર આ સંજોગોમાં ટ્રેડ એક્સ્પાન્સન એક્ટ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષાના આધારે ટેરિફ લાદી શકે છે.