સ્ટોકહોમ, 6 એપ્રિલ, 2023, ગુરુવાર
વિશ્વના દેશો ઘર આંગણે કચરાના ઢગલાથી પરેશાન છે ત્યારે સ્વીડન એક માત્ર દેશ કે જેને કચરો ખરીદવો પડે છે. ૧૯૯૧માં દેશમાં જૈવિક ઇંધણના વપરાશ પર ભારે ટેકસ લાદવામાં આવ્યો હતો, ત્યાર પછી લોકો ધીમે ધીમે વૈકલ્પિક ઉર્જા અને રિસાયકિલંગ તરફ વળ્યા હતા. કચરાના રિસાયકિલંગનું કામ ખાનગી કંપનીઓ નફાના ધોરણે કરતી હોવાથી એક ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઇ છે. કચરામાંથી પેદા થતી ઉર્જા કાતિલ ઠંડીમાં નેશનલ હિટિંગ નેટવર્કનો ખૂબ મોટો હિસ્સો બને છે.
જેના વડે ૨.૫૦ લાખ ઘરોમાં વીજળી અને ૯.૫૦ લાખ ઘરોમાં પાઇપલાઇનથી હિટિંગ પહોંચાડાય છે. યૂરોપિયન યૂનિયનના દેશોમાં ૫૦ ટકા કચરાનું રિસાયકિલંગ થાય છે જયારે સ્વીડન આ મામલે ખૂબજ આગળ નિકળી ગયું છે. સ્વીડનમાંથી જ પ્રેરણા લઇને યૂરોપીયન દેશોએ ૨૦૩૦ સુધીમાં ઘર આંગણે ૬૫ થી ૭૦ ટકા કચરાનું રિસાયકિલંગ કરવાનું નકકી કર્યું છે. દક્ષિણ યૂરોપના ઘણા ઠંડા દેશો આજે પણ હિટિંગ માટે પ્રદૂષણ ફેલાવતી ચિમનીઓ અને કોલસાથી વીજળી ઉત્પન્ન કરે છે. જયારે સ્વીડને હિટીંગ માટે વેસ્ટમાંથી બેસ્ટનો નિયમ અપનાવ્યો છે. એક પેપર પ્લાન્ટમાં ફાઇબરનો ૬ વાર ઉપયોગ થાય તે પછી જ તેને માટીમાં ભેળવવામાં આવે છે.

ભારતમાં સ્વચ્છતા અને સ્વચ્છતા પછી કચરાના યોગ્ય નિકાલની વિકટ સમસ્યા છે. મુંબઇ હોય કે દિલ્હી, કાનપુર હોય બેંગ્લોર ડંપિગ સાઇટ્સ સતત વિસ્તરતી જાય છે. જયારે ૯૫ લાખની વસ્તી ધરાવતા સ્વીડન દેશે રિસાયકિલંગ દ્વારા કચરાનો સંપૂર્ણ નિકાલ કરીને દાખલો બેસાડયો છે. સ્વીડન ઘર આંગણે પેદા થતા ૯૯ ટકા કચરાનો નિકાલ કરી ઇલેકટ્રીકસિટીની ૫૦ ટકા જરુરીયાત મેળવે છે.
વેસ્ટ ટુ એનર્જી પ્રોગ્રામ હેઠળ છેલ્લા ૧૬ વર્ષ સુધી મહેનત કરીને આ દેશે સફળતા મેળવી છે. સ્વીડનમાં વર્ષે માથાદીઠ ૪૬૧ કિલો કચરો વર્ષે પેદા થાય છે. આ કચરો તેના ૩૨ રિસાયકિલંગ યૂનિટોને ધમધમતા રાખવા માટે પૂરતો ન હોવાથી વર્ષે ૧૦ લાખ ટન જેટલો કચરો આયાત કરવો પડે છે. વર્ષ ૨૦૦૫ પછી જર્મની, આર્યલેન્ડ અને નોર્વે દેશો પાસેથી સ્વીડને કચરો આયાત કરવાનું પ્રમાણ ૪ ગણું વધાર્યુ છે. વર્ષ ૨૦૧૬માં કચરાની ક્રાઇસિસ ઉભી થતા નોર્વે, જર્મની અને બ્રિટન જેવા ૧૫ દેશોમાંથી કચરો આયાત કરવો પડયો હતો.

સ્વીડનમાં નેશનલ રિસાયકિલંગ પોલીસી અંતર્ગત વર્ષે ૨૦ થી ૨૫ લાખ ટન કચરાનું પ્રોસેસિંગ થાય છે. કચરો રિસાયકિલંગ સ્ટેશને પહોંચે તે પછી ઓર્ગેનિક, કાગળ તથા પ્લાસ્ટિક એમ વિવિધ સ્તરમાં કચરાનું શોર્ટિગ કરવામાં આવે છે. સરકારના વેસ્ટ કલેકશન વિભાગ તરફથી નાના મોટા ત્રણ ડસ્ટબીન આપવામાં આવે છે. જે ઘરની બહાર અને રહેણાંક વિસ્તારના મુખ્ય દ્વાર પર રાખવામાં આવે છે. જેમાં લોકો ઓર્ગેનિક કચરો, સામાન્ય કચરો અને રિસાયકલ કચરો એમ અલગ અલગ ડસ્ટબીનમાં નાખે છે.
આ ત્રણેયના અલગ વ્હિકલ રોજ કચરો લઇ જાય છે. જૂના કપડા, વીજળીનો સામાન, પોલિથિન થેલીઓ, બેટરીઓ, ઘરેલું વસ્તુઓ, ફર્નિચર, ટીવી, બૂટ, ગ્લાસ વગેરે વસ્તુઓ ચોકકસ સ્થાને પહોંચાડવાની જવાબદારી સ્વયં નાગરિકોની છે. આ દેશમાં વેસ્ટ મેનેજમેન્ટએ જીવનશૈલીનો એક ભાગ બની ગયું છે. કચરો એકત્ર કરવામાં સ્વીડનની મ્યુનિસિપાલિટીઓની વિશેષ ભૂમિકા રહી છે. ઇમારતોમાં ઓટોમેટિક વેક્યૂમ સિસ્ટમ લગાવવામાં આવી છે જેનાથી કચરો સંગ્રહ તથા લોડિંગનો ખર્ચ ઓછો થાય છે.

કચરાના અંડર ગ્રાઉન્ડ કન્ટેઇનર રાખવામાં આવતા હોવાથી બહાર ગંદકી ફેલાતી નથી. સરકારે આ માટે નેશનલ સ્ટેટેજીના ભાગરુપે એક ડિસ્ટ્રીકટ નેટવર્ક પણ તૈયાર કર્યુ છે.દક્ષિણ સ્વીડનના હેલસિંગબર્ગ શહેરમાં રિસાયકિલંગનો સૌથી મોટો પ્લાન્ટ છે.આ પ્રકારના પ્લાન્ટસમાં તમામ જૈવિક કચરો ઓટોમેટિક લોક દ્રારા સ્કુ રિએકટરમાં જાય છે. ૫૦૦ ડિગ્રી તાપમાનમાં કચરો સળગાવવામાં આવે છે. આ કચરામાંથી તૈયાર થતી વરાળ અને બાયોકોલને રિફાઇન કરવામાં આવે છે.


