World

જો શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો અફઘાનિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ થઇ જશે

By GS TEAM
26 Oct 20252 mins read
જો શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો અફઘાનિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ થઇ જશે

- પાક. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફની ખુલ્લી ધમકી

- દેશોની સરહદ આંકતી 'ડુરાંડ લાઈન' અફઘાનિસ્તાનને સ્વીકાર્ય નથી : તેથી તંગ બનેલા બંનેના સંબંધો અફઘાન વિદેશમંત્રીની ભારત મુલાકાતથી વધુ તંગ થયા છે

ઇસ્તંબુલ : એક તરફ પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણાનો બીજો દોર શનિવારથી શરૂ થયો છે, ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે ઉગ્ર શબ્દોમાં કાબુલને ધમકી આપતાં કહી દીધું છે કે જો મંત્રણા નિષ્ફળ જશે તો બંને દેશો વચ્ચે ખુલ્લું યુદ્ધ શરૂ થઇ જશે.

આ પૂર્વે કતાર અને તૂર્કીની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણાનો પહેલો દોર દોહામાં ૧૮-૧૯ ઓક્ટોબર દરમિયાન યોજાયો હતો.

આ બીજા દોરમાં અફઘાનિસ્તાન પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ નાયબ ગૃહમંત્રી રહેમતુલ્લાહ મુજીબે સંભાળ્યું છે. પાકિસ્તાન પ્રતિનિધિ મંડળ પણ બે સભ્યોનું બનેલું છે.

ખ્વાજા આસીફે આ મંત્રણાના શનિવારે યોજાયેલા પહેલા દોર પછી શિયાલકોટમાં કહ્યું હતું કે તે દોરની ફલશ્રૃતિ અંગે રવિવારે સાંજે જણાવીશ.

બંને દેશો વચ્ચે જો શાંતિ સ્થપાય તો તેની ઉપર દેખરેખ રાખવા ત્રીજા પક્ષનું એક ગ્રુપ રહે તેવી પણ એક દરખાસ્ત છે.

પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામે ખરેખરો વાંધો તે છે કે તહેરિક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકીઓને અફઘાનિસ્તાન આશ્રય આપે છે. તેઓ પાકિસ્તાન પર હુમલા કરે છે.

બીજી તરફ બંને દેશો વચ્ચેની સરહદ આંકતી ડુરાંડ લાઈન અફઘાનિસ્તાનને સ્વીકાર્ય નથી. તેથી બંને વચ્ચે સંબંધો તંગ બન્યા છે. અફઘાનિસ્તાને તે પણ સ્પષ્ટતા કરી છે કે ટીટીપીના એક પણ આતંકીને અમે આશ્રય આપતા નથી.

આમ બંને વચ્ચે સંબંધો તો તંગ છે જ તેવામાં અફઘાનિસ્તાનના વિદેશમંત્રી આમીરખાન મુત્તાકી એક સપ્તાહની ભારત યાત્રાથી પાકિસ્તાન ગિન્નાયું છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનમાં વહેતી કુન્નાર નદી પર અફઘાનિસ્તાન બંધ બાંધી રહ્યું છે. જો તે બંધ રચાઈ જશે તો અત્યારે પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતની ઉત્તર પશ્ચિમે આવેલ પ્રદેશોમાં તો ભૂખમરા જેવી જ પરિસ્થિતિ ઉભી થશે. આમ બહુવિધ કારણોસર બંને દેશોના સંબંધો તંગ બની રહ્યા છે. તેવામાં શાંતિમંત્રણાની સફળતા આ તબક્કે તો દૂર રહેશે તેમ લાગે છે.