- પાકિસ્તાને શિમલા કરાર અટકાવ્યો, ભારત માટે એરસ્પેસ બંધ કરી દીધી
- વાઘા સરહદ બંધ કરી, વેપાર પર પ્રતિબંધ, ભારતીય દૂતાવાસમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડી, ભારતીયોને દેશ છોડવા નિર્દેશ
- ભૂલથી પંજાબ સરહદે ઓળંગી જનારા બીએસએફના જવાનને પાકે. પકડી લીધો, છોડાવવાની કવાયત શરૂ
ઈસ્લામાબાદ : પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનમાં તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. ભારતે પાકિસ્તાન સાથે છ દાયકા જૂનો સિંધુ કરાર રદ કર્યાના બીજા દિવસે ગુરુવારે પાકિસ્તાને પણ શિમલા કરાર રદ કર્યો છે. પાકિસ્તાને કહ્યું, સિંધુ કરાર રદ કરવો એ યુદ્ધની ઘોષણા કરવા સમાન છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો કે પાકિસ્તાન કોઈપણ હુમલાનો જવાબ આપવા સક્ષમ છે. તેમણે કુલભૂષણ જાધવ સમાન વધુ એક ભારતીય એજન્ટને પકડયો હોવાનો દાવો કર્યો હતો.
જમ્મુ-કાશ્મરીના પહલગામમાં મંગળવારે પર્યટકો પર આતંકી હુમલાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ભારતની ટોચની સુરક્ષા બેઠક યોજાઈ હતી અને તેમણે પાકિસ્તાન સાથેનો છ દાયકા જૂનો સિંધુ કરાર રદ કરવા સાથે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. ભારતના હુમલાના જવાબમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક યોજી હતી અને ભારતે જેવા પગલાં લીધા હતા તેવા જ પગલાં લેવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ એક નિવેદનમાં કહ્યું કે બેઠકમાં ભાગ લેનારાઓએ રાષ્ટ્રીય સુરક્ષા વાતાવરણ અને પ્રાદેશિક સ્થિતિ વિશેષરૂપે પહલગામ હુમલાના સંદર્ભમાં ચર્ચા કરી હતી. સિંધુ નદીનું પાણી રોકવા અંગે પાકિસ્તાને ધમકી આપી છે કે, સિંધુ કરાર રદ કરીને ભારત પાણી રોકશે તો તે યુદ્ધની કાર્યવાહી સમાન ગણાશે. સિંધુ કરાર રદ કરવાના ભારતના નિર્ણયને પાકિસ્તાને એક તરફી, અન્યાયપૂર્ણ, રાજકારણ પ્રેરિત, અત્યંત બેજવાબદાર ગણાવ્યો હતો.
પાકિસ્તાન પીએમઓએ કહ્યું કે, પાકિસ્તાન શિમલા કરાર સહિત ભારત સાથે તમામ દ્વિપક્ષીય સમજૂતીઓ સ્થગિત કરવાનો ઉપયોગ કરશે. આ સાથે પાકિસ્તાને ભારત સાથે ત્રીજા દેશ સહિત તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતીય સંરક્ષણ, નૌકાદળ અને એરફોર્સના સલાહકારો અને તેમના સહયોગીઓને ૩૦ એપ્રિલ સુધીમાં પાકિસ્તાન છોડી દેવા આદેશ આપ્યો છે. ભારતીય હાઈકમિશનના કર્મચારીઓની સંખ્યા પણ ઘટાડીને ૩૦ કરવાના નિર્દેશ આપ્યા છે.
પાકિસ્તાને વાઘા સરહદ પણ બંધ કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને ભારતીયોને અપાયેલા સાર્ક વિઝા છૂટ યોજના હેઠળ બધા જ પ્રકારના વિઝા રદ કરી દીધા છે અને શીખ ધાર્મિક તીર્થયાત્રીઓ સિવાયના ભારતીયોને ૪૮ કલાકમાં પાકિસ્તાન છોડી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે ભારત અમને નબળું ના સમજે. અમારું સૈન્ય ભારતની કોઈપણ આક્રમક્તાનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સાથે જ તેમણે કુલભૂષણ જાધવની જેમ પંજાબ સરહદે કથિત રીતે ભારતીય એજન્ટ પકડવાનો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે પાકિસ્તાને એક ભારતીય એજન્ટની ધરપકડ કરી છે. આ મામલો કુલભૂષણ જાધવ જેવો જ છે. જોકે, તેમણે ધરપકડ કરાયેલી વ્યક્તિનું નામ કે અન્ય કોઈ વિગતો આપી નથી. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ અશોક ચતુર્વેદી છે.


