''ભારત હુમલો કરશે તો પરમાણુ શસ્ત્ર વપરાશે'' પાક. સંરક્ષણ મંત્રી : ચીન ગલ્ફ કંટ્રીઝના સંપર્કમાં
- ભારત શા માટે હુમલો કરશે તે વિષે આસીફે કશું કહ્યું નહીં
- ભારતનાં નિવેદનો ઉગ્ર બનતા જાય છે સેનાએ ભારતનાં આક્રમણની સંભાવના દર્શાવી છે : યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે : મોહમ્મદ આસીફ
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી આસીફે કહ્યું હતું કે, 'ભારતના નિવેદનો વધુને વધુ ઉગ્ર બનતા જાય છે અને પાકિસ્તાનની સેનાઓએ સરકારને ભારતના આક્રમણની સંભાવના વિષે જણાવી દીધું છે.'
જોકે આ અહેવાલો તે દર્શાવતા નથી કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ભારત શા માટે હુમલો કરશે તે વિષે કશી સ્પષ્ટતા કરી નથી. પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, 'જો ભારત આક્રમણ કરશે અને પરિસ્થિતિ બગડશે તો પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો વાપરવા પણ તૈયાર છે.'
રોઈટર્સને આપેલા એક્સક્યુઝિવ ઈન્ટરવ્યુમાં આસીફે કહ્યું હતું કે ભારતનો હુમલો તોળાઈ રહ્યો છે તે ગમે ત્યારે હુમલો કરે તેમ છે.
પહેલગામમાં ૨૨મી એપ્રિલે થયેલો આતંકી હુમલો કે જેમાં ૨૬ નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ થયા ત્યારથી બંને દેશો વચ્ચે તંગદિલી અત્યંત વધી ગઈ છે. ભારત વળતો પ્રહાર કરે તેની શક્યતા પણ છે.
ભારતના વળતા પ્રહાર અંગે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મુહમ્મદ આસીફે કહ્યું, ''અમે અમારા સૈન્યોને તૈનાત કરી લીધા છે, કારણ કે કશુંક તુર્ત જ બનવાનું છે તે પરિસ્થિતિમાં કેટલાક વ્યૂહાત્મક નિર્ણયો અમારે લેવા જ પડે તેમ છે. તેથી તે નિર્ણય (પરમાણુ શસ્ત્ર વાપરવાનો) લેવો જ પડે તેમ છે.''
આ તબક્કે સંવાદદાતાએ પૂછ્યું કે, 'આપ શા કારણસર તેમ માનો છો કે ભારત હુમલો કરશે જ' તો તે અંગે તેઓએ જવાબ ટાળ્યો હતો.
અહેવાલો જણાવે છે કે, આસીફ મિત્ર દેશો જેવા કે ગલ્ફ-કંટ્રીઝ અને ચાયનાના સંપર્કમાં છે. તેમણે યુ.કે. અને યુ.એસ.ને તથા અન્ય દેશોને પણ પરિસ્થિતિથી વાકેફ કર્યા છે.
આ સાથે તેઓએ કહ્યું કે, 'અરેબિયન-ગલ્ફ'ના કેટલાક મિત્ર દેશો સાથે પણ બંને બાજુની ચર્ચા કરી હતી તો બીજી તરફ તે ગલ્ફ દેશોએ પણ બંને પક્ષો સાથે મંત્રણા કરી હતી તેમ પણ જાણવા મળ્યું છે. જોકે આસીફે તે દેશો પૈકી કોઈનાં નામ આપ્યા ન હતાં.
સિંધુનાં જળ રોકવાના ભારતના નિર્ણયને આસીફે યુદ્ધનાં પગલાં સમાન જ ગણાવ્યો હતો.
ચીને બંને પક્ષોને સંયમ રાખવા અનુરોધ કર્યો છે. તેમ કહેતા આસીફે જણાવ્યું હતું કે અમેરિકાએ તો આ બાબતમાં પડવાની અનીચ્છા દર્શાવી છે.
તે સર્વવિદિત છે કે પહેલગામ હુમલો કે જેમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની નૃશંસ હત્યા કરવામાં આવી ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત તંગ બની ગયા છે.