Get The App

ભારત સાથે યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ ઝીંકવામાં વાર નહીં કરીએ : પાક. આર્મી ચીફ મુનીરની શેખી

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
ભારત સાથે યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ ઝીંકવામાં વાર નહીં કરીએ : પાક. આર્મી ચીફ મુનીરની શેખી 1 - image


India vs Pakistan News: ભારતમાં દિવાળીના તહેવારોની ઊજવણી ચાલી રહી છે ત્યારે પાકિસ્તાન હજુ પણ યુદ્ધના ઉન્માદમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે શનિવારે ઝેર ઓકતા કહ્યું કે, ભારત સાથે ફરી યુદ્ધ થશે તો અમે પરમાણુ બોમ્બ નાંખી દઈશું. બીજીબાજુ ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન એકમમાંથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, આખું પાકિસ્તાન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં આવે છે. આતંકીઓ પાકિસ્તાનમાં કોઈપણ ખૂણે સલામત નથી.

પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે શનિવારે ખૈબર પખ્તુનખ્વાંના અબોટાબાદમાં પાકિસ્તાન મિલિટરી એકેડમી કાકુલમાં આર્મી કેડેટના પાસિંગ આઉટ સમારંભમાં ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું કે, ભારતની કોઈપણ નાની ઉશ્કેરણીનો પણ અમે જડબાતોડ જવાબ આપીશું. ન્યૂક્લિયરાઈઝ્ડ વાતાવરણમાં યુદ્ધ માટે કોઈ જગ્યા નથી. આસિમ મુનીરે કહ્યું કે, હું ભારતના સૈન્ય નેતૃત્વને સલાહ અને ચેતવણી આપું છું કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશ સામે યુદ્ધનો કોઈ અર્થ નથી. અમે ક્યારેય ડરીશું નહીં, અમે નિવેદનો આપવામાં પણ પાછા નહીં પડીએ.

તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાની આર્મ્ડ ફોર્સીસ બધા જ જોખમોને દૂર કરીને દૂર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. અમે મે ૨૦૨૫માં વધુ શક્તિશાળી દુશ્મન વિરુદ્ધ 'જીત' મેળવી છે. મુનીરે ભારત પર પાકિસ્તાનને અસ્થિર કરવા માટે આતંકવાદીઓનો હથિયારો તરીકે ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો. 

આસિમ મુનીરે કહ્યું, મુઠ્ઠીભર આતંકીઓ પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકશે નહીં. તેમણે ચેતવણી આપી કે અફઘાનની જમીનનો ઉપયોગ કરનારા બધા જ પ્રોક્સી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકીઓનો સફાયો કરી નાંખીશું.

દરમિયાન ઉત્તર પ્રદેશના લખનઉમાંથી પાકિસ્તાનને ચેતવણી આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરમાં જે જોવા મળ્યું તે તો માત્ર ટ્રેલર હતું. પાકિસ્તાનની કણ કણ ભૂમિ બ્રહ્મોસની રેન્જમાં આવે છે. તેથી આતંકીઓ પાકિસ્તાનમાં કોઈપણ જગ્યાએ છુપાઈ જાય તેઓ સુરક્ષિત નથી. ઓપરેશન સિંદૂરે બતાવી આપ્યું કે, જીત મેળવવી એ હવે ભારતની ટેવ બની ગઈ છે. 

તેમણે ઉમેર્યું કે, બ્રહ્મોસ વૈશ્વિક સ્તરે વધતી ભારતની શક્તિનું પ્રતીક છે. લખનઉના સરોજિની નગરમાં બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઈલની પહેલી બેચને લીલી ઝંડી આપી હતી. આ યુનિટમાં વાર્ષિક ૧૦૦ બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદનનું ભારતનું લક્ષ્ય છે.

Tags :