અમેરિકા આડું ફાટશે તો ભારતનો માલ અમે ખરીદશું : રશિયા

- ભારત અમારા માટે ખૂબ જ મહત્ત્વનું, ઓઇલ ડિસ્કાઉન્ટ યથાવત્ રહેશે
- અમેરિકાનો સામનો કરવા રશિયાનો ભારત સમક્ષે વ્યાપક પાયા પરનો ટ્રેડ કોરિડોરનો રચવાનો પ્રસ્તાવ
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર નાખેલા ટેરિફ સામે રશિયા ભારતની મદદે આવ્યું છે અને તેણે સોઈ ઝાટકીને જણાવી દીધું છે કે ભારતને અમે જે ડિસ્કાઉન્ટે ઓઇલ આપીએ છીએ તે જારી રાખીશું. તેની સાથે જણાવ્યું હતું કે અમેરિકા ભારતનો માલ ન ખરીદે તો કંઈ નહીં તેના માટે રશિયન બજારો ખુલ્લા છે. આમ ટ્રમ્પના પ્રતિબંધ પછી રશિયા જાહેરમાં ભારતના સમર્થનમાં બહાર આવ્યું છે.
રશિયન રાજદૂત રોમન બાબુશ્કિને ભારતને રશિયા સાથે એક વ્યાપક ટ્રેડ કોરિડોર બનાવવા રજૂઆત કરી. આ કોરિડોરને તેમણે સમયની માંગ ગણાવ્યો.
વ્હાઇટ હાઉસની સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પે રશિયા-યુક્રેન સંઘર્ષનો અંત લાવવા માટે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે. રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત પર આ ટેરિફ નાખવામાં આવ્યો છે. તેમા ૨૫ ટકા અમલી થઈ ગયા છે અને બીજા ૨૫ ટકા ૨૭મી ઓગસ્ટથી અમલી થશે.
તેમણે જણાવ્યું હતું કે જો ભારતીય કંપનીઓને પોતાના સામાનોને અમેરિકન બજારમાં એન્ટ્રી મેળવવામાં ભારે ટેરિફના કારણે તકલીફનો સામનો પડી રહ્યો છે તો રશિયન બજારો ભારતીય સામાનનું સ્વાગત કરવા તૈયાર છે.
તેમણે દાવો કર્યો હતો કે રશિયા પાસે એવી યંત્રણા છે જે ભારત પર અમેરિકન ટેરિફની કોઈ અસર નહીં થવા દે. તેથી અમેરિકન ટેરિફની કોઈ ચિંતા કરવાની ભારતે જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે કેટલાય મિલિટરી પ્લેટફોર્મથી લઈને દરેક મહત્ત્વની બાબતમાં ભારત રશિયાનું મહત્ત્વનું ભાગીદાર રહ્યું છે.
બાબુશ્કિને જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વિશ્વાસના છે અને તે સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. બંને દેશ વચ્ચેના સંબંધો કેટલાય આંતરરાષ્ટ્રીય ચઢાવ ઉતાર વચ્ચે મજબૂત રહ્યા છે. આ જ રીતે બંને દેશ વચ્ચેનો ઉર્જા સહયોગ પણ વૃદ્ધિ પામશે.
ભારત પર અમેરિકાએ લાદેલા પ્રતિબંધોને લઈને બાબુશ્કિને જણાવ્યું હતું વર્તમાન યુગમાં પ્રતિબંધો સામાન્ય રીતે જે દેશ પર લાદવામાં આવ્યા હોય તેના બદલે જે દેશે લાદયા હોય તેના પર વધારે અસર કરતાં હોય છે. બંને દેશ ૨૦૩૦ સુધીમાં તેમનો કારોબાર ૧૦૦ અબજ ડોલરે લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.
તેમને પૂછવામાં આવ્યું હતું કે વર્તમાન અસ્થિરતાના યુગમાં એક સ્થિરતાના પરિબળ તરીકે બિક્સની ભૂમિકા વધી ગઈ છે, તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બ્રિક્સ ઇકોનોમી સંયુક્ત રીતે ૭૭ લાખ કરોડ ડોલરની છે, જેની સામે જી-સેવન દેશો એટલે કે વિશ્વના સાત સમૃદ્ધ દેશોની ઇકોનોમી ૫૭ લાખ કરોડ ડોલરની છે. આમ બ્રિક્સ મોટા પાવર કોરિડોર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે ઊર્જા અને સુરક્ષા સહયોગ વધુ વિસ્તરશે.








