Get The App

અમેરિકા નીતિ નહીં સુધારે તો યુરોપ જેવી મંદીમાં સપડાશે

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા નીતિ નહીં સુધારે તો યુરોપ જેવી મંદીમાં સપડાશે 1 - image


- ઇન્વેસ્ટમેન્ટ બેન્કર જેપી મો-ર્ગનની અમેરિકાને ચેતવણી

- વેપાર વિરોધી નીતિઓના પગલે કંપનીઓ-પ્રતિભાઓ શહેરોમાંથી પલાયન કરી શકે : યુરોપના દેશોનો ઘટતો જીડીપી ચેતવણી સમાન

- ટેરિફથી સરકારી ખજાનો ભરાતો હોવાના ટ્રમ્પના દાવા વચ્ચે અમેરિકામાં મોંઘવારી-બિઝનેસ પર વિપરિત અસર નક્કર વાસ્તવિક્તા

ન્યૂયોર્ક: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જંગી ટેરિફના હુમલાથી દુનિયાના દેશોને હચમચાવી દીધા છે અને તેની અસર આ દેશોના અર્થતંત્રો પર જોવા મળી રહી છે. ભારત, જાપાન અને ચીન જેવા દેશો સામે ટ્રેડ વોરની સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, પ્રમુખ ટ્રમ્પની વેપાર નીતિઓ મુદ્દે અમેરિકાની કંપની જેપી મોર્ગન ચેઝે ચેતવણી આપી છે. જેપી મોર્ગન ચેઝના સીઈઓ જેમી ડિમને કહ્યું છે કે અમેરિકા તેની વેપાર નીતિ નહીં સુધારે અને વેપાર વિરોધી વલણ ચાલુ રાખશે તો યુરોપની જેમ અમેરિકા પણ આર્થિક મંદીમાં સપડાઈ શકે છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર જંગી ટેરિફ નાંખતા ડ્રેગને પણ વળતો હુમલો કરતા અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ નાંખતા ટ્રેડ વોરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, છેલ્લા કેટલાક સમયમાં બંને દેશો શાંત થયા છે. બીજીબાજુ ટ્રમ્પે ભારત પર પણ દુનિયામાં સૌથી વધુ ૫૦ ટકા ટેરિફ નાંખ્યા છે. તેના જવાબમાં ભારતે અમેરિકા પર વળતા ટેરિફ નથી નાંખ્યા, પરંતુ નિકાસ માટે અન્ય બજારોની શોધ ચાલુ કરી દીધી છે. વધુમાં ટ્રમ્પના ટેરિફના કારણે ભારત અને અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય વેપાર કરાર અટવાઈ ગયા છે.

જેપી મોર્ગન ચેઝના સીઈઓ જેમી ડિમને અમેરિકાની વેપાર નીતિઓ અંગે ચેતવણી આપતા કહ્યું કે, આ વેપાર વિરોધી નીતિઓના કારણે કંપનીઓ અમેરિકન શહેરોમાંથી બહાર નીકળી જઈ શકે છે, જેને પગલે અમેરિકાની હાલત યુરોપ જેવી થઈ શકે છે અને તેણે મંદીનો સામનો કરવો પડી શકે છે. આ અંગે જરૂરી પગલાં નહીં લેવાય તો અમેરિકા ૩૦ વર્ષમાં યુરોપના માર્ગે ચાલતું જોવા મળી શકે છે. યુરોપીયન અર્થતંત્રોમાં ઘટતા જીડીપી ગ્રોથને જેમી ડિમને ચેતવણી સમાન ગણાવ્યો હતો. તેમણે વ્યાપારિક વાતાવરણ નબળું થવા માટે ઊંચા કરની સાથે ઓવર રેગ્યુલેશનને જવાબદાર ઠેરવ્યા હતા. ડિમને ચેતવણી આપી કે અમેરિકન શહેરો અને રાજ્યોએ સ્પર્ધા જાળવી રાખવા માટે અત્યારથી પગલાં લેવાની જરૂર છે. નહીં તો કંપનીઓ વધુ અનુકૂળ નીતિઓ વાળા શહેરોમાં જવાનું જોખમ ઉઠાવી શકે છે.

જેપી મોર્ગન ચેઝે એવા સમયે અમેરિકાને ચેતવણી આપી છે જ્યારે ટેરિફ અંગે પ્રમુખ ટ્રમ્પ ભલે અમેરિકાનો ખજાનો ભરાઈ રહ્યો હોવાનો દાવો કરતા હોય, પરંતુ મોંઘવારી સહિત બિઝનેસ સેક્ટર પર તેની ખરાબ અસર જોવા મળી રહી છે તથા તે એક નક્કર વાસ્તવિક્તા છે, જેની નિષ્ણાતો સતત ટીકા કરી રહ્યા છે. ડિમને ચેતવણી આપી કે પ્રતિકૂળ વ્યાવસાયિક વાતાવરણ અપનાવનારા રાજ્યો અને શહેરોમાં મૂડી રોકાણ ઘટી શકે છે અને પ્રતિભાઓ પલાયન કરી શકે છે.

અમેરિકા નીતિ નહીં સુધારે તો યુરોપ જેવી મંદીમાં સપડાશે 2 - image

- અમેરિકાની કોઈ કંપની ભારતમાંથી ઉચાળા નહીં ભરે : જોન ચેમ્બર્સ

- યુએસઆઈએસપી ફોરમના અધ્યક્ષ ચેમ્બર્સનો દાવો

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ ૫૦ ટકા ટેરિફ નાંખ્યો છે. એટલું જ નહીં ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ કરતાં પણ અટકાવવા પ્રયત્નો કર્યા છે, જેના પગલે ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે. જોકે, અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી ફોરમના અધ્યક્ષ જોન ચેમ્બર્સનું કહેવું છે કે, કોઈપણ અમેરિકન કંપની ભારત વિરુદ્ધ નહીં જાય, કારણ કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતા અર્થતંત્રોમાંનું એક છે. વર્લ્ડ બેન્કથી લઈને આઈએમએફ સહિતની તમામ વૈશ્વિક એજન્સીઓએ પણ કબૂલ્યું છે કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારત અને અમેરિકા લાંબા સમયથી મોટા વ્યાપારિક ભાગીદાર રહ્યા છે. જોકે, તાજેતરના સમયમાં ટેરિફના તણાવ વચ્ચે બંને દેશોના સંબંધો કથળ્યા છે. જોકે, અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી ફોરમ (યુએસઆઈએસપીએફ)ના અધ્યક્ષ જોન ચેમ્બર્સે કહ્યું કે, કોઈપણ અમેરિકન સીઈઓ ભારત વિરુદ્ધ દાવ નહીં લગાવે. મોટાભાગના બિઝનેસ ભારત-અમેરિકાના સંબંધોને ચૂંટણી તબક્કા અથવા ત્રિમાસિક પરિણામોની દૃષ્ટિએ જોતા નથી. તેઓ બંને દેશના સંબંધોને પાંચ, ૧૦ અને ૧૫ વર્ષના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખે છે. નવી વેપાર સમજૂતી પર હજુ સુધી નહીં થવા છતાં અમેરિકન કંપનીઓ ભારત પ્રત્યે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે વર્તમાન સ્થિતિને માત્ર ટૂંકાગાળાનો અવરોધ ગણાવ્યો હતો અને કહ્યું કે, તે લાંબાગાળાના દ્વિપક્ષીય વિકાસમાં અવરોધ ઊભા નહીં કરે.

જોન ચેમ્બર્સે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, બે દાયકા પહેલાં તેમણે સિસ્કો સિસ્ટમને બીજા વૈશ્વિક મુખ્યાલય તરીકે ભારતની પસંદગી કરી હતી ત્યારે ભારત વૈશ્વિક જીડીપીમાં ૧૨મા ક્રમે હતું અને હવે ચોથા ક્રમે પહોંચી ગયું છે. અમે એ અંગે ચર્ચા કરી છે કે શું ભારત એક સ્ટાર્ટઅપ રાષ્ટ્ર બની શકે છે? અને સ્ટાર્ટઅપ માટે સમગ્ર દુનિયામાં નંબર-૧ આઈપીઓ બજાર બની શકે છે? તો તેનો જવાબ છે તે ભારત જ છે. અનેક અમેરિકન કંપનીઓ હવે ભારતમાં ઉત્પાન વધારવા પર દાવ લગાવી રહી છે. અમારા ફોરમની ૪૫૦ કંપનીઓ ભારતના ભવિષ્યમાં સંપૂર્ણપણે સામેલ છે અને રોકાણ કરી રહી છે. એક દિવસ ભારત દુનિયાનું નંબર-૧ જીડીપીવાળો દેશ બની જશે તેની અમને આશા છે.

Tags :