- ટ્રમ્પ તંત્રએ પ્રમુખના નિવેદનને માત્ર મજાક ગણાવ્યું !
- વિપક્ષે અમેરિકન પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે ત્યારે ટ્રમ્પ દાઝ્યા પર ડામ આપતા હોવાનો દાવો કર્યો
નવી દિલ્હી : બોલિવૂડમાં રામસે બ્રધર્સની હોરર ફિલ્મ વીરાનામાં ભૂતના મોઢે સંવાદ હતો મુજે વીરાના પસંદ હૈ. બિલકુલ આ જ રીતે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ બોલ્યા છે મને મોંઘવારી પસંદ છે. તેમણે આ વાત અમેરિકામાં ત્રણ વર્ષની ટોચે પહોંચેલા ફુગાવાનો દર એપ્રિલના ૩.૮ ટકાથી વધીને મેમાં ૪.૨ ટકા થયો તેના સંદર્ભમાં કહી હતી. તેના લીધે આખા અમેરિકામાં હોબાળો મચી ગયો છે.
ટ્રમ્પ ઇરાન સાથેનું યુદ્ધ તેમની ઇચ્છા મુજબ ખતમ કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે અને બીજી બાજુએ અમેરિકનો મોંઘવારીના ચક્કરમાં પીસાઈ રહ્યા છે. તે સમયે ટ્રમ્પના મને મોંઘવારી પસંદ હોવાના દાવાએ ખળભળાટ મચાવી દીધો છે. તેની સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન યુદ્ધ ખતમ થતાં જ અમેરિકામાં મોંઘવારી ખતમ થશ, ભાવ નીચે આવી જશે, પણ ઇરાન યુદ્ધ ક્યારે ખતમ થશે તે જણાવી શક્યા ન હતા.
અમેરિકામાં મેમા મોંઘવારીનો દર છેલ્લા ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયો તે સવાલનો જવાબ આપી રહ્યા હતા તે સમયે તેમને પૂછવામાં આવ્યું હતું કે વધતી જતી મોંઘવારીના કારણે નવેમ્બરમાં મિડ ટર્મ ઇલેકશનમાં તેમના પક્ષના નેતાઓને નુકસાન થઈ શકે છે. તેમણે બધાના આશ્ચર્ય વચ્ચે મોંઘવારીના આંકડાની પ્રશંસા કરી અને જણાવ્યું હતું કે તમે બધા જાણો છો કે મને શું પસંદ છે.
ટ્રમ્પના નિવેદનની વિપક્ષના નેતાઓએ આકરી ટીકા કરી છે. ડેમોક્રેટિક નેતા ચક શૂમરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું છે કે ટ્રમ્પે ખરેખર ઓન કેમેરા જણાવ્યું છે કે મને મોંઘવારી પસંદ છે. આ બતાવે છે કે અમેરિકન પ્રજા માટે ટ્રમ્પના તિરસ્કારની કોઈ સીમા નથી. હાઉસ ઓફ ડેમોક્રેટિકના નેતા હકીમ જેફરીઝે કટાક્ષમાં જણાવ્યું હતું કે છેવટે આપણને તે વસ્તુ મળી ગઈ, જેને ટ્રમ્પ ખૂબ જ પ્રેમ કરે છે.
ઓહાયોના ડેમોક્રેટ સાંસદ એમિલિયા સાઇક્સે ઉર્જા મંત્રી ક્રિસ રાઇટને જ સીધુ પૂછી લીધું હતું કે શું તમને પણ મોંઘવારી પસંદ છે. તેના જવાબમાં અમેરિકન ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે મને ઇરાનની પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતા ખતમ કરવાનું પસંદ છે. તેની સાથે તેમણે ઉમેર્યુ હતું કે હું ઓછી મોંઘવારીને અગ્રતા આપીશ. ટ્રમ્પની મને મોંઘવારી પસંદ છે તેમ પૂછવામાં આવતા રાઇટે જણાવ્યું હતું કે આ ફક્ત તેમણે કરેલી મજાક છે. ટ્રમ્પે મજબૂત નેતૃત્વ દર્શાવ્યું છે.


