'આઈ લવ યુ ટ્રમ્પ' : પેલેસ્ટાઇનીઓનો અમેરિકાના પ્રમુખ પર એકાએક આટલો પ્રેમ ક્યાંથી ઉભરાયો

- 'ગાઝા હ્યુમેનીટેરિયન ફાઉન્ડેશન' (જી.એચ.એફ) દ્વારા 'પેલેસ્ટાઇનીઓને' રીલીફ કીટ વહેંચાઈ રહી છે : તેઓ આઈ લવ યુ ટ્રમ્પ : આઈ લવ યુ ડોનાલ્ડના નારા લગાવે છે
ગાઝા : 'ગાઝા હ્યુમેનીટેરિયન ફાઉન્ડેશન' (જી.એચ.એફ) દ્વારા પેલેસ્ટાઇનીઓને રીલીફ કીટ વહેંચવામાં આવી તેથી પેલેસ્ટાઇનીઓએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. વ્હાઈટ હાઉસમાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે રવિવારે એક વિડીયો શેર કર્યો હતો તેમાં લોકો 'આઈ લવ યુ ટ્રમ્પ' અને 'આઈ લવ યુ ડોનાલ્ડ'ના નારા લગાવતા જોવા મળતા હતા.
વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સમજૂતી કરાવવા પ્રયત્નો કરે છે. ટ્રમ્પે પોસ્ટ પર જણાવ્યું- 'ગાઝામાં સમજૂતી કરવી જોઈએ, બંધકોને પાછા લાવવા જોઈએ.'
ટ્રમ્પે એવી સમજૂતી તૈયાર કરી હોવાનું કહેવાય છે કે, તેથી ૨૦ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ બંધ થઈ શકે.
ઈઝરાયલી અધિકારીએ જણાવ્યું કે આગામી સપ્તાહોમાં વડાપ્રધાન નેતન્યાહૂની અમેરિકાની મુલાકાત અંગે આયોજન થઈ રહ્યું છે. તે ઉપરથી સંકેત મળે છે કે, આગામી સપ્તાહે યુદ્ધ વિરામ થઈ શકશે. અનામી રહેવા માગતા ઈઝરાયલના તે અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે, અમે ગાઝા અંગે જ કામ કરી રહ્યા છીએ, અને તે પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયત્નો કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે ઈઝરાયલ અને હમાસ બંનેને યુદ્ધ બંધ કરવા અંગે વારંવાર અનુરોધ કર્યો છે. બંને વચ્ચે મંત્રણા મુખ્યત્વે એક જ મુદ્દા પર વારંવાર પડી ભાંગી હતી કે આ યુદ્ધ વિરામને યુદ્ધ સમાપ્તિ સમાન ગણવો કે નહીં ? તેઓ કહે છે યુદ્ધ વિરામને યુદ્ધ સમાપ્તિ સમાન જ ગણવો પડે. હમાસના અધિકારી મહમૂદ મરદાવીએ નેતન્યાહૂ ઉપર સમજૂતીમાં અવરોધો નાખવાનો આક્ષેપ કર્યો છે. તેઓએ ટૂંકાગાળાની સમજૂતીમાં અવરોધ ઊભો કર્યો છે તે પ્રમાણે તે માત્ર ૧૦ (પેલેસ્ટાઇની) બંધકોને જ મુક્ત કરવા માગે છે. બીજી તરફ નેતન્યાહૂના પ્રવકતા ઓમર દસ્તરીએ મહમૂદ મરદાવીના મરદાવેના દાવા ઉપર કશી પણ ટીકા કર્યા વિના કહ્યું, 'યુદ્ધ સમાપ્ત કરવામાં હમાસ જ એક માત્ર અવરોધ છે.'
જ્યારે ગાઝાનાં આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે છેલ્લાં ૨૪ કલાકમાં ઈઝરાયલી ગોળીબારમાં ૮૮ લોકો માર્યા ગયા છે. આ સાથે છેલ્લાં ૨૦ મહીનાથી ચાલી રહેલા યુદ્ધમાં મૃત્યુઆંક વધીને ૫૬,૫૦૦ થઈ ગયો છે.








