World

'આઇ લવ પાકિસ્તાન', મેં જ ભારત-પાક.નું યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ

By GS TEAM
19 Jun 20252 mins read
'આઇ લવ પાકિસ્તાન', મેં જ ભારત-પાક.નું યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ

- મોદી સાથે વાતચીત બાદ પણ અમેરિકાના પ્રમુખનું એનું એ જ રટણ

- ઇરાન સાથે તંગદિલી વચ્ચે પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનિર સાથે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પનું ભોજન

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાન પ્રેમ જાહેર થયો હતો, એક તરફ પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનિર સાથે વ્હાઇટ હાઉસમાં ભોજન આરોગ્યું હતું બીજી તરફ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે આઇ લવ પાકિસ્તાન (હું પાકિસ્તાનને પ્રેમ કરું છું). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે ભારત અને પાક. વચ્ચે શસ્ત્રવિરામમાં અમેરિકાની કોઇ ભૂમિકા નથી. આ ટેલિફોનિક વાતચીતના થોડા જ સમય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો હતો કે મે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું.  

પત્રકારો સાથે વાતચીતમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા સાથે જ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવી દીધુ હતું, આઇ લવ પાકિસ્તાન, મને લાગી રહ્યું છે કે મોદી બહુ જ શાનદાર વ્યક્તિ છે. ગઇ રાત્રે જ મે એમની સાથે ફોન પર વાતચીત કરી હતી. અમેરિકા ભારત સાથે વેપાર ડીલ કરવા જઇ રહ્યું છે. પરંતુ મે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ફોન પર વાતચીત દરમિયાન રોકડુ પરખાવતા કહ્યું હતું કે ભારત ત્રીજા કોઇ પણ દેશની મધ્યસ્થી નહીં સ્વીકારે, ભારત-પાક. વચ્ચે શસ્ત્રવિરામમાં અમેરિકાની કોઇ ભૂમિકા નથી. મોદીના આ નિવેદનના કલાકો બાદ જ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કરી નાખ્યો છે કે તેમની મધ્યસ્થી બાદ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટક્યું હતું. 

અગાઉ ૧૦થી વધુ વખત ડોનાલ્ડ ટ્રમ્પ આ દાવો કરી ચુક્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના વિવાદો દરમિયાન પ્રથમ વખત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આઇ લવ પાકિસ્તાન. તેમનો પાક. પ્રત્યેનો આ પ્રેમ એવા સમયે ઉભરાયો હતો જ્યારે વ્હાઇટ હાઉસમાં પાક. સૈન્ય વડા આસિમ મુનિર માટે ટ્રમ્પે વિશેષ શાહી ભોજનનું આયોજન કર્યું હતું. ટ્રમ્પે મુનિર સાથે બેસીને અમેરિકાના સમય મુજબ બપોરે ભોજન લીધુ હતું. ઇરાન સાથે તંગદીલી વચ્ચે પાક. સૈન્ય વડા અને ટ્રમ્પની બેઠક યોજાઇ હતી.