Get The App

હું જાણું છું ભારતમાં કેટલું પરાક્રમ કર્યું, મારે ત્યાં કેટલું રોકાણ કરવાના છો : ટ્રમ્પની ધમકી

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
હું જાણું છું ભારતમાં કેટલું પરાક્રમ કર્યું, મારે ત્યાં કેટલું રોકાણ કરવાના છો : ટ્રમ્પની ધમકી 1 - image


ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટને અમેરિકામાં રોકાણ કરવા ટ્રમ્પનું ગર્ભિત દબાણ

મેટાની ૬૦૦ અબજ ડોલર, ગૂગલની ૨૫૦ અબજ ડોલર, માઈક્રોસોફ્ટની ૮૦ અબજ ડોલર સુધીના રોકાણની ખાતરી

વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રોકાણ વધારવાના હેતુથી ગુરુવારે વ્હાઈટ હાઉસમાં એપલ, ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટ સહિતની દિગ્ગજ કંપનીઓના સીઈઓને ડીનર માટે આમંત્રણ આપ્યું હતું. સિલિકોન વેલીના માંધાતાઓ સાથે હાઈ-પ્રોફાઈલ ડીનર કરતા ટ્રમ્પે જાણે 'ઉઘરાણી' કરતા હોય તેમ એપલ સહિત ટેક્નોલોજી કંપનીઓને સવાલ કર્યો કે તેઓ અમેરિકામાં કેટલું રોકાણ કરવાના છે? તેમણે ભારત સહિતના દેશોમાં કેટલું રોકાણ કર્યું છે તે પોતે જાણે છે. એપલની ભારતમાં ૨.૫ અબજ ડોલરના રોકાણની યોજના છે ત્યારે ટ્રમ્પને ટીમ કૂકે કહ્યું એપલ અમેરિકામાં ૬૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાની છે. 

વ્હાઈટ હાઉસમાં ગુરુવારે ડીનર ટેબલ પ્રમુખ ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કૂકને સવાલ કર્યો કે, ટીમ, એપલ અમેરિકામાં કેટલું રોકાણ કરી રહ્યું છે? મને ખબર છે કે તમે ખૂબ જ મોટું રોકાણ કરવાના છો. તમે પહેલા ક્યાંક બીજે હતા. તમે બીજે કેટલું રોકાણ કર્યું છે તે મને ખબર છે, હવે તમે ખરેખર અમેરિકા પાછા ફરી રહ્યા છો. કેટલું રોકાણ કરશો? ટીમ કૂકે જવાબ આપ્યો, ૬૦૦ અબજ ડોલર.

ટ્રમ્પે કહ્યું, ૬૦૦ અબજ ડોલર? તેનાથી અમેરિકામાં મોટી સંખ્યામાં નોકરીઓ પેદા થશે. અમને આ બાબત પર ગર્વ છે. આ શાનદાર છે. ખૂબ-ખૂબ આભાર. એપલના સીઈઓ ટીમ કૂકે અમેરિકામાં એપલના વિકાસ માટે 'વાતાવરણ બનાવવા' અને રોકાણ પર ધ્યાન આપવા માટે પ્રમુખ ટ્રમ્પની પ્રશંસા પણ કરી હતી.

કોરોના મહામારી અને અમેરિકા સાથે ચીનની ટ્રેડ વોરના પગલે એપલે ચીન પરની નિર્ભરતા ઘટાડવા ભારતમાં આઈફોનનું ઉત્પાદન શરૂ કર્યું છે. એક અહેવાલ મુજબ એપલે વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતમાં તેના ફ્લેગશિપ સ્માર્ટફોન આઈફોનનું અંદાજે ૭૯,૦૦૦ કરોડ રૂપિયા (લગભગ ૯ અબજ ડોલર)નું વિક્રમી વેચાણ કર્યું હતું. ટ્રમ્પની અનિચ્છા છતાં એપલે ભારતમાં આગામી સમયમાં ૨.૫ અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે.

એપલ પછી ટ્રમ્પે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પણ આ જ સવાલ કર્યો હતો. ઝુકરબર્ગે પણ કહ્યું, ૬૦૦ અબજ ડોલર. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું અમે પહેલાથી જ અમેરિકામાં ૧૦૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કરી ચૂક્યા છીએ અને આગામી બે વર્ષમાં અમેરિકામાં આ રોકાણ વધારીને ૨૫૦ અબજ ડોલર સુધી લઈ જઈશું. પ્રમુખ ટ્રમ્પે કહ્યું ખૂબ જ સરસ.માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાને ટ્રમ્પે રોકાણ અંગે સવાલ કરતા તેમણે કહ્યું, અમેરિકામાં અમે લગભગ ૭૫થી ૮૦ અબજ ડોલરનું રોકાણ કરવાના છીએ. અમેરિકાનાં પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ તરફથી આયોજિત એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કેન્દ્રીત કાર્યક્રમ પછી આ ડીનર યોજાયું હતું. આ ડીનરમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ માઈક્રોન ટેક્નોલોજીના સંજય મલ્હોત્રા, એમઆઈટીના વિવેક રણદીવે અને પોલંટિયર ટેક્નોલોજીના શ્યામ શંકર પણ જોડાયા હતા.


Tags :