મેં નાગરિકોને માસ્ક પહેરવા આદેશ કર્યો નથી : ટ્રમ્પ
- માસ્ક સારા પણ ફરજિયાત ન બનાવી શકાય
- ડિસીસ કંટ્રોલ એક્સપર્ટ ડૉ. એન્થની ફૌસીની માસ્ક ફરજિયાત કરવાની અપીલ પછી ટ્રમ્પનો જવાબ
વૉશિંગ્ટન, તા. 18 જુલાઇ, 2020, રવિવાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી માસ્ક બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે મેં અમેરિકામાં ફરજિયાત માસ્ક પહેરવાનો આદેશ કર્યો નથી. લોકોને માસ્ક પહેરવું કે નહીં તે બાબતે નિર્ણય કરવાનો હક હોવો જોઈએ.
ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂ વખતે કહ્યું હતું કે માસ્ક પહેરવું સારી વાત છે, પરંતુ તેને ફરજિયાત કરી શકાય નહીં. તે લોકોની ચોઈસનો મુદ્દો છે. ટ્રમ્પે પોતાની વાતને સમર્થન આપવા માટે નિષ્ણાતોના અગાઉના નિવેદનો ટાંક્યા હતા.
ટ્રમ્પે કહ્યું હતું કે એક સમયે ડિસીસ કંટ્રોલ વિભાગના ડિરેક્ટર ડૉ. એનૃથની ફૌસી કહેતા હતા કે માસ્કની જરૂર નથી. સર્જન જનરલ્સ કહેતા હતા કે માસ્ક પહેરવાની જરૂર નથી. અચાનક બધા જ કહેવા લાગ્યા છે કે માસ્ક પહેરો, માસ્ક ફરજિયાત પહેરો. મને આમાં કોઈ લોજિક જણાતું નથી.
અગાઉ ડિસિસ કંટ્રોલ વિભાગના ડિરેક્ટર ડૉ. ફૌસીએ કહ્યું હતું કે નેતાઓએ માસ્ક પહેરવા માટે લોકોને અપીલ કરવી જોઈએ. એ પછી ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે હું એમાં સહમત થતો નથી. હું એવો આદેશ કરીશ નહીં. માસ્ક પહેરવું કે ન પહેરવું તે લોકોની પસંદગી ઉપર આધાર રાખે છે. સરકાર એમાં ફરજિયાત નિયમો લાદી શકે નહીં એમ મારૂં માનવું છે.