- આતંકી સમર્થકોએ મારી સરકારનું પતન કરાવ્યું
- બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન વિદેશી સત્તા પ્રેરિત હતું : હું સ્વદેશ જઇ મારા લોકો માટે ન્યાય મેળવવા કાર્યરત બની રહીશ
નવી દિલ્હી : બાંગ્લાદેશનાં પદભ્રષ્ટ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાની સરકારનાં પતન માટે સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો છે. તેઓએ કહ્યું કે ઢોંગી અને આતંકી સમર્થકોએ મારી સરકાર પદભ્રષ્ટ કરવા સાજીશ રચી હતી. આ સાથે બંગ બંધુ શેખ મુજીબ ઉર રહેમાનનાં આ પુત્રી જ્યારે તેમ કહ્યું કે હું વહેલામાં વહેલી તકે સ્વદેશ પહોંચી મારા લોકોને ન્યાય અપાવવા કાર્યરત બનશી. ત્યારે અત્યારે બાંગ્લાદેશમાં સર્વે સર્વા થઇ પડેલા બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની તો ઊંઘ ઊડી ગઈ છે.
શેખ હસીનાનાં આ શબ્દો પત્રકારો દીપ, હલધર, જયદીપ મઝૂમદાર અને સાહિદ ઉલ હસન ખોકને લખેલાં પુસ્તક : 'ઇન્શાનલ્લાહ બાંગ્લાદેશ : ધી સ્ટોરી ઓફ એન અનફીનિશ્ડ રીવોલ્યુશન'માં ટાંકવામાં આવ્યા છે. આ પુસ્તક જગરનોટ બુક્સ દ્વારા પ્રકાશિત થવાનું છે.
ન્યૂઝ ૧૮ના રીપોર્ટ પ્રમાણે હસીનાએ એ પુસ્તકમાં બાંગ્લાદેશની અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ઉપર ગંભીર આક્ષેપ મુકતાં તેઓને દગાખોર કહ્યા છે. તેઓએ આગળ લખ્યું છે કે યુનુસે અમેરિકાના ઇશારે સત્તા પરિવર્તનની સાજીશ રહી હતી. વિદ્યાર્થી આંદોલનને ઢગલા મોઢે પૈસા આપ્યા, અને મારી સરકારને પદભ્રષ્ટ કરી. યુનુસ એક દગાખોર વ્યક્તિ છે. તેણે પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા સમગ્ર દેશને તબાહ કરી દીધો. હવે, તેઓ અને તેમના સાથીદારો દેશને લૂંટી રહ્યા છે. બર્બાદ કરી રહ્યા છે.
શેખ હસીનાએ તે પુસ્તકમાં આગળ કહ્યું છે કે યુનુસે અમેરિકાનાં કહેવાથી જુલાઈ ઓગષ્ટમાં આતંકી હુમલાની સાજીશ રચી તેનું ફંડીંગ અમેરિકા તરફથી આવ્યું હતું.
શેખ હસીના અત્યારે નવી દિલ્હીમાં રાજ્યાશ્રય લઇ રહ્યાં છે. તેઓની પાર્ટી આવામી લીગ ને ચૂંટણીમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. પરંતુ બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ કંગાળ બની ગઈ છે. મોંઘવારીએ માઝા મુકી છે. બેકારોની બટાલિયન્સ ઉભી થઇ છે. ભારત સાથે વ્યાપાર વાણિજ્ય બંધ થતાં બાંગ્લાદેશના વ્યાપાર ઉદ્યોગને પણ ફટકો પડયો છે. તેમાંએ મોટા ભાગના મોટા ઉદ્યોગો તો હિન્દુઓ ચલાવતા હતા. તેઓ પૈકી ઘણા દેશ છોડી ભારત આવ્યા છે. મોટા વ્યાપારીઓ પણ દેશ છોડી ભારતમાં આવ્યા છે. પરિણામે બેકારી વધતી જાય છે. અર્થતંત્ર અસ્ત વ્યસ્ત જેવું બની રહ્યું છે. હવે યુનુસનાં વડપણ નીચેની સરકાર સામે જન આક્રોશ ફેલાતો જાય છે. તેવામાં હસીના જો સ્વદેશ પાછાં ફરે તો મોહમ્મદ યુનુસને દેશ છોડી નાસી જવું પડે તે સિવાય તેમને માટે અન્ય માર્ગ નહીં રહે તેમ વિશ્લેષકોનું સ્પષ્ટ મંતવ્ય છે.


