અમેરિકામાં 120 કિ.મી.ની ઝડપે હાના વાવાઝોડું ત્રાટક્યું : ભારે વરસાદ
- ટેક્સાસ અને પાડોશી રાજ્યોમાં હાઈએલર્ટ જારી કરાયો
- 12 ઈંચ સુધી વરસાદની આગાહી : કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ
મિઆમી, તા. 25 જુલાઇ, 2020, શનિવાર
અમેરિકાના ટેક્સાસમાં હાના નામનું વાવાઝોડું ત્રાટક્યું છે. 120 કિ.મી. કરતા વધુ તીવ્ર ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. ઘણાં સૃથળો ભારે વરસાદ પણ પડયો હતો. ટેક્સાસના ઘણાં શહેરોમાં છથી 12 ઈંચ વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ટેક્સાસના સમુદ્રકાંઠે રહેતાં લોકોને એલર્ટ જારી કરાયો છે.
એટલાન્ટિક એરિકેન સિઝનનું પહેલું વાવાઝોડું હાના અમેરિકાના ટેક્સાસમાં ત્રાટક્યું છે. એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું આ તોફાન ટેક્સાસના કાંઠા વિસ્તારોમાં 120 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ત્રાટક્યું હતું. સાથે ભારે વરસાદને પણ લાવ્યું હતું.
ટેક્સાસ રાજ્યના કેટલાય શહેરોમાં તોફાની પવન સાથે વરસાદ થયો હતો. અમેરિકાના નેશનલ હેરિકેન સેન્ટરે ચેતવણી આપતા કહ્યું હતું કે હજુ પણ વાવાઝોડું નબળું પડતાં પહેલાં વધારે તીવ્રતા પકડશે. એટલું જ નહીં, છથી 12 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. નીચાળવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સૃથળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ટેક્સાસ ઉપરાંતના લ્યુસિયાના, અર્કેન્સાસ, ઓલ્કાહોમા અને ન્યૂ મેક્સિકોમાં પણ વાવાઝોડું ત્રાટકી શકે એવી શક્યતાના પગલે ચેતવણી જારી કરાઈ છે. કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના તોફાન અંગેના સંશોધકોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે હાના અત્યાર સુધીના આઠ એટલાન્ટિક વાવાઝોડાં કરતા પણ વધારે તબાહી સર્જી શકે છે.
ગયા વર્ષે એટલાન્ટિકમાંથી ત્રાટકેલું હાર્વે વાવાઝોડું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી એટલાન્ટિક તોફાન ગણાય છે. દક્ષિણના વિંડવર્ડ ટાપુઓને પણ ચેતવણી અપાઈ છે. આ નોર્થ અમેરિકન ટાપુ સમુહમાં વાવાઝોડાંની અસર વધુ જણાઈ હતી. હજુ પણ ત્યાં વધુ તારાજી સર્જી શકે તેવી શક્યતા અમેરિકન નેશનલ હેરિકેન સેન્ટરે વ્યક્ત કરી હતી.