ગાઝામાં ભૂખમરો ચરમસીમાએ : અંતે નેતન્યાહૂએ ઝૂકવું પડયું
- મહાસત્તાઓના અહમ ખાતર ખેલાતા યુદ્ધથી ઊભી થયેલી અમાનવીય સ્થિતિ
- ઈઝરાયેલે ગાઝામાં પૂરવઠાના સમગ્ર રસ્તાઓ બંધ કર્યા : ગાઝામાં ખાદ્યસામગ્રી લેવા ઉભા રહેલા ૧૦૦૦ માનવીઓને નિર્દયી રીતે ઠાર માર્યા
- ગાઝામાં દૈનિક ૫૦૦થી ૬૦૦ ટ્રકોની માનવીય સહાયની જરૂરિયાત સામે માત્ર ૬૯ ટ્રકોમાં મોકલી શકાય છે : સંયુક્ત રાષ્ટ્ર
- ઈઝરાયેલના શાંતિના દાવા પોકળ : ગાઝામાં બોમ્બમારા, હવાઈ હુમલામાં ૫૩નાં મોત
- ઈઝરાયેલે નિયંત્રણો હળવા કરતા જોર્ડન અને યુએઈએ ગાઝામાં ૨૫ ટન ખાદ્ય વસ્તુઓ ડ્રોપ કરી
ગાઝા: ગાઝા પર ઈઝરાયેલના સતત ૨૧ મહિનાથી થતા હવાઈ અને જમીની હુમલાઓના પગલે સ્થાનિક લોકોમાં ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વમાં ભારે હોબાળો મચ્યો છે ત્યારે દુનિયાના દબાણ સામે ઝુકી જતાં આખરે ઈઝરાયેલે ગાઝા પટ્ટની અત્યંત ગીચ વસતીવાળા ત્રણ વિસ્તારોમાં દૈનિક ૧૦ કલાકના રણનીતિક વિરામની જાહેરાત કરી છે. બીજીબાજુ આ જાહેરાત છતાં ગાઝામાં ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલા અને ગોળીબારમાં ૫૩ લોકો માર્યા ગયા છે.
ઈઝરાયેલ સૈન્યે જણાવ્યું કે, ગાઝામાં તેનો આગામી આદેશ ના થાય ત્યાં સુધી હવે દરરોજ સવારે ૧૦.૦૦થી રાતે ૮.૦૦ સુધી અલ-માવાસી, ડેર અલ-બલાહ અને ગાઝા સિટી જેવા ગીચવસતીવાળા વિસ્તારોમાં ટેકટિકલ વિરામ લાગુ કરાશે.ગાઝામાં માનવીય સહાયતા વધારવાના આશયથી આ પગલું લેવાયું છે. આઈડીએફે કહ્યું કે, રાજકીય નેતૃત્વના નિર્દેશો મુજબ અને સીઓજીએટી દ્વારા સંચાલિત માનવીય પ્રયાસો હેઠળ આ નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકલન કરીને લેવાયો છે.ગાઝાના લોકો સુધી માનવીય સહાય પહોંચાડવા માટે સુરક્ષિત રસ્તા બનાવાશે, જે સવારે ૬થી રાતે ૧૧ સુધી ખુલ્લા રહેશે. આ રસ્તે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય માનવીય સંસ્થાઓ ગાઝામાં ખાદ્ય સામગ્રી, દવા, ઈંધણ જેવી વસ્તુઓ લઈ જઈ શકશે.
ઈઝરાયેલના સૈન્યે સ્પષ્ટ કર્યું છે કે આ માનવીય રાહત છતાં તેના સૈન્ય અભિયાનો અટકાશે નહીં. આતંકી સંગઠનો વિરુદ્ધ તેના અભિયાનો ચાલુ જ રહેશે અને જરૂર પડશે તો માનવીય મદદનો દાયરો વધારવામાં આવશે. જોકે, આ ટેકટિકલ વિરામ અંગે ઈઝરાયેલ કેટલું ગંભીર છે તે એ બાબત પરથી ખ્યાલ આવે છે કે વિરામ જાહેર કર્યાના થોડા જ કલાકો પછી ઈઝરાયેલના સૈન્યે ગાઝા સિટીમાં એક એપાર્ટમેન્ટ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા અને ચાર બાળકોના મોત નીપજ્યાં હતાં. પૂર્વીય ઝાયટોનમાં અન્ય એક હવાઈ હુમલામાં એક બાળક, તેની માતા અને દાદી સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઈઝરાયેલ સૈન્યે આ હુમલાઓ અંગે કોઈ ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું.
આ વર્ષે માર્ચમાં યુદ્ધવિરામ ખતમ થયા પછી ઈઝરાયેલે લગભગ અઢી મહિના સુધી સંપૂર્ણ ગાઝામાં ખાદ્ય વસ્તુઓ, દવા, ઈંધણ અને અન્ય પુરવઠાની માનવીય મદદ અટકાવી દીધી હતી. જોકે, આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ ઈઝરાયેલે મે મહિનામાં નિયંત્રણો થોડાક હળવા કર્યા હતા. ત્યાર બાદથી સંયુક્ત રાષ્ટ્રની ૪,૫૦૦ ટ્રકોને ખાદ્ય સામગ્રીના વિતરણની મંજૂરી અપાઈ છે. સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું કે, તેઓ ગાઝામાં દરરોજ સરેરાશ ૬૯ ટ્રકોમાં માનવીય મદદ મોકલી શકે છે જ્યારે વાસ્તવિક જરૂરિયાત દૈનિક ૫૦૦થી ૬૦૦ ટ્રકોની છે. આ સહાય સ્થાનિક લોકો માટે અત્યંત ઓછી છે.
કારણ કે લોકોમાં ભૂખમરો એટલો ભયાનક છે કે માનવીય મદદ આવતા જ લોકોના ટોળા અથવા ગેંગો તેને લૂંટી લે છે.
હમાસ સાથે યુદ્ધ શરૂ થયા પછી ઈઝરાયેલે ગાઝામાં માનવીય સહાયો અટકાવી દીધી છે, જેના કારણે દુનિયાના સૌથી ગીચ વસતીવાળા વિસ્તારમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. ખાદ્ય નિષ્ણાતો અનેક મહિનાઓથી આ બાબતે ગંભીર ચેતવણી આવી રહ્યા છે. સૈન્ય નિયંત્રણો હળવા કરવાના ભાગરૂપે ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે, તે પેલેસ્ટાઈનના લોકોને નાગરિક સહાય પૂરી પાડવા માટે સુરક્ષિત માર્ગ બનાવશે. ઉપરાંત ગાઝામાં હવાઈ માર્ગે પણ માનવીય સહાય પૂરી પાડી શકાશે, જેમાં ઘઉંનો લોટ, ખાંડ અને ડબ્બા બંધ ફૂડના પેકેજ હવામાંથી ડ્રોપ કરી શકાશે.
જોર્ડને જણાવ્યું હતું કે, તેણે માનવીય સહાય માટે ગાઝાના આકાશમાંથી પેકેજ ડ્રોપ કરવા ત્રણ અભિયાન ચલાવ્યા હતા. આ અભિયાનમાં સંયુક્ત આરબ અમિરાતે પણ સહાય કરી હતી. કાર્ગો વિમાનોએ ગાઝામાં કેટલાક સ્થળો પર ૨૫ ટન ખાદ્ય વસ્તુઓ ડ્રોપ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એજન્સીએ ઈઝરાયેલના નિયંત્રણો હળવા કરવાના પગલાંને આવકાર્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે, ગાઝામાં દરેક લોકો સુધી માનવીય સહાય પહોંચાડવા માટે યુદ્ધવિરામ જરૂરી છે.
ગાઝામાં નિયંત્રણો ઓછા કરવાની જાહેરાત વચ્ચે ઈઝરાયેલના હવાઈ હુમલા અને ગોળીબારમાં ઓછામાં ઓછા ૫૩ લોકો માર્યા ગયા છે. પેલેસ્ટાઈન સ્વાસ્થ્ય અધિકારીઓ અને સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા મુજબ મોટાભાગના લોકોનાં મોત ખાદ્ય સામગ્રી, દવા જેવી સહાય મેળવતી વખતે ગોળી મારીને કરાઈ છે. અનેક લોકોનાં મોત ભૂખમરાના કારણે પણ થઈ રહ્યા છે.
ઈઝરાયેલે ગાઝાની રાહત સામગ્રીનું જહાજ રોક્યું, 21ની ધરપકડ
ગાઝા: ઈઝરાયેલે પેલેસ્ટાઈનના લોકોને માનવીય સહાય માટે નિયંત્રણો હળવા કર્યા છે તેવા સમયે જ ઈઝરાયેલના સૈન્યે નાકાબંધી તોડવાનો પ્રયત્ન કરી પેલેસ્ટાઈનમાં રાહત સામગ્રી લઈને જતા જહાજને અટકાવ્યું હતું અને ૨૧ આંતરરાષ્ટ્રીય કાર્યકરો તથા પત્રકારોની ધરપકડ કરી હતી.
પેલેસ્ટાઈન સમર્થક જૂથ ફ્રીડમ ફ્લોટિલા કોલેશને રવિવારે જણાવ્યું કે, ઈઝરાયેલના સૈન્યે જહાજ પર લાદવામાં આવેલા શિશુના વપરાશ માટેના દૂધ, ખાદ્ય સામગ્રી અને દવા સહિતનો માલ પણ જપ્ત કરી લીધો હતો. જહાજ હંડાલાનું સંચાલન કરનારા જૂથે કહ્યું કે, ઈઝરાયેલના સૈન્યે શનિવારે અડધી રાતે ગાઝાથી લગભગ ૪૦ સમુદ્રી માઈલ દૂર આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં જહાજને 'બળપ્રયોગ કરી રોક્યું' અને તેનું સંચાર નેટવર્ક કાપી નાંખ્યું. જૂથે એક નિવેદનમાં કહ્યું, જહાજ પર લદાયેલો બધો જ માલ ગેર-સૈન્ય ઉપયોગ માટે હતો તથા તે ઈઝરાયેલની ગેરકાયદે નાકાબંધીના કારણે ભૂખમરા અને મેડિકલ સંકટનો સામનો કરી રહેલા લોકોને પ્રત્યક્ષરૂપે વિતરિત કરવા માટે હતો.
ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે રવિવારે વહેલી સવારે કહ્યું કે, તેમના નેવીએ જહાજ રોક્યું છે અને તેને દરિયા કિનારે લાવવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલે તાજેતરના સમયમાં આ જૂથ દ્વારા સંચાલિત બીજું જહાજ રોક્યું છે. આ સંદર્ભમાં સ્થાનિક માનવાધિકાર જૂથ અદાલાહે કહ્યું કે, માનવીય સહાયનું જહાજ રોકવું એ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. તેમણે ધરપકડમાં લેવાયેલા આંતરરાષ્ટ્રીય કાર્યકરોને છોડી દેવા જોઈએ. આ જહાજ ઈઝરાયેલના જળક્ષેત્રમાં પ્રવેશ્યું નહોતું. તે પેલેસ્ટાઈનના જળક્ષેત્ર તરફ આગળ વધી રહ્યું હતું.