નેતન્યાહુની ધરપકડ થશે? હંગેરીના નવા PMનો ધડાકો- ‘અમારા દેશમાં આવશે તો જેલભેગા કરીશું’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hungary PM Remark: હંગેરીના નવા પીએમ પીટર મેગ્યારે એક અત્યંત મહત્ત્વનું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ હંગેરીની મુલાકાતે આવશે, તો તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ(ICC) દ્વારા નેતન્યાહૂ વિરુદ્ધ જાહેર કરવામાં આવેલું ધરપકડ વોરંટ છે. મેગ્યારે જણાવ્યું કે હંગેરી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરશે અને ICCના નિયમોનું પાલન કરતા કોઈપણ વોરંટ ધરાવતી વ્યક્તિને અટકાયતમાં લેશે.
નિમંત્રણ છતાં નેતન્યાહૂ માટે નિયમોમાં છૂટછાટ નહીં: મેગ્યાર
મેગ્યારનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે અગાઉની વિક્ટર ઓરબાનની સરકારે ICCમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. જોકે, નવી સરકારે આ નિર્ણયને રદ કરીને ICCમાં યથાવત્ રહેવાની જાહેરાત કરી છે. મેગ્યારે વધુમાં સ્પષ્ટતા કરી કે ભલે તેમણે નેતન્યાહૂને હંગેરીના 1956ના આંદોલનની 70મી વર્ષગાંઠ નિમિત્તે આમંત્રણ આપ્યું હોય, પરંતુ તેમને અગાઉથી જાણ કરી દેવામાં આવી છે કે હંગેરીમાં આંતરરાષ્ટ્રીય કાયદા સર્વોપરી રહેશે. વર્ષ 2024માં ICCએ નેતન્યાહૂ પર યુદ્ધ અપરાધ અને માનવતા વિરુદ્ધના ગુનાના આરોપો હેઠળ વોરંટ જારી કર્યું હતું.
16 વર્ષ બાદ ઓરબાન યુગનો અંત, પીટર મેગ્યાર નવા પ્રધાનમંત્રી
હંગેરીમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પીટર મેગ્યારે 16 વર્ષથી સત્તા પર રહેલા વિક્ટર ઓરબાનને પરાજય આપીને સત્તાના સૂત્રો સંભાળ્યા છે. નવી સરકાર હવે યુરોપિયન યુનિયન(EU) અને NATO સાથેના સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકી રહી છે. ભ્રષ્ટાચાર અને સ્વાસ્થ્ય સેવાઓ જેવા આંતરિક મુદ્દાઓની સાથે સાથે, હવે હંગેરી વૈશ્વિક મંચ પર પણ પોતાની છબી એક કાયદાનું પાલન કરનાર રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવા માંગે છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે હંગેરીની નવી સરકાર આંતરરાષ્ટ્રીય ન્યાય પ્રણાલીને ગંભીરતાથી લઈ રહી છે.








