પાક. સરકાર, સૈન્યના અત્યાચાર સામે બળવો
24મીએ યોજાનારી ચૂંટણીમાં મોટી ગેરરીતિ થશે તેવો આરોપ, વિરોધમાં વિપક્ષ પણ જોડાયો
જીબી યૂથ મૂવમેન્ટના નેતૃત્વમાં ગિલગિટના ચિનારબાગથી ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદમાં નગર અને શિગાર જેવા અંતરિયાળ વિસ્તારો સુધી ફેલાયું હતું. અનેક પ્રદર્શનકારીઓની ધરપકડને કારણે હવે આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર સ્વરુપ ધારણ કરવા લાગ્યું છે. સ્થાનિક લોકોમાં પાકિસ્તાની સરકાર, સૈન્ય અને પોલીસ પ્રત્યે કેટલો અસંતોષ છે તે આ વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યું છે.
ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચૂંટણી પ્રક્રિયામાં મોટી ગેરરિતી આચરવામાં આવી હોવાના આરોપ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે મંત્રીમંડળમાં નિમવામાં આવેલી વ્યક્તિ અગાઉ કોઇ ને કોઇ રાજકીય સંબંધ ધરાવનારી છે. અગાઉની સરકારોમાં સેવા આપી ચુકી છે. આ વિરોધ પ્રદર્શનની આગેવાની લેનારા અઝફર જમશેદે ચેતવણી આપી હતી કે જો કાર્યવાહક સરકારના ગઠનમાં ચર્ચામાંથી યુવાઓને બહાર રાખવામાં આવશે તો આ વિરોધ પ્રદર્શન જારી રહેશે. પુરા દેશમાં જ્યાં પણ અમારા સમર્થકો હશે ત્યાં આ વિરોધ પ્રદર્શન પહોંચી જશે. આ પ્રાંતમાં આગામી ૨૪મી તારીખે ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને કારણે આ મહિનો વિરોધ પ્રદર્શનો જારી રહે તેવી શક્યતા છે.


