અમેરિકાએ કેટલાએ વિમાનો ભરી પાકિસ્તાનને રાહત સામગ્રી મોકલી

- નૂરખાન એર બેઝ ઉપર ઉતરેલા વિમાનોમાં તંબુઓ, પાણી ઉલેચવાના પંપો અને જનરેટર્સ પણ મોકલ્યા
રાવલપિંડી : અમેરિકાનાં દૂતાવાસે પાકિસ્તાનની સેનાના અનુરોધથી નૂરખાન બેઇઝ ઉપર વિમાનો ભરી રાહત સામગ્રી મોકલી છે. તેમાં તંબુઓ, પાણી ઉલેચવા માટેના પંપો તથા જનરેટર્સ પણ સામેલ છે. જે પ્રભાવિત વિસ્તારોમાં મોકલાઈ રહ્યાં છે.
પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરથી થયેલી ખાના-ખરાબી પછી રાહત પહોંચાડવી અનિવાર્ય હતી. આ વિમાન પૈકી પહેલું વિમાન રાવલપિંડી પાસેનાં નૂરખાન એરબેઝ પર ઉતર્યું ત્યારે પાકિસ્તાન સેનાના અધિકારીઓ અને અમેરિકાનાં દૂતાવાસનાં 'ચાર્જ-દ-અફેર્સ' નેટલી બેકરે રાહત સામગ્રી રીસીવ કરી.
દૂતાવાસે લખ્યું : 'વિનાશક પૂરોને લીધે પાકિસ્તાની સેનાના અનુરોધથી અમેરિકી સૈન્ય વિમાનોએ આવશ્યક સામગ્રી પહોંચાડી છે. આ સાથે ચાર્જ-દ-અફેર્સે' પાકિસ્તાનના લોકો પ્રત્યે પોતાની ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું કે આ વ્યાપક પૂરોને લીધે અનેકનાં જીવન ઉજડી ગયાં છે. અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડનાં કુલ છ વિમાનો દ્વારા રાહત સામગ્રી પહોંચાડાઈ છે જે પહેલી ખેપથી પાકિસ્તાની સેનાને આપવામાં આવી છે.
તે સર્વવિદિત છે કે પાકિસ્તાનમાં ભારે વર્ષાએ પંજાબ પ્રાંતમાં તો તબાહી બોલાવી જ દીધી છે પરંતુ જ્યાં ૫ થી ૧૦ ઈંચ વરસાદની એવરેજ છે તેવા ખૈબર પખ્તુનવા પ્રાંતમાં પણ ભારે વર્ષાએ તબાહી બોલાવી દીધી છે.








