- રશિયા સંખ્યા અને રેન્જમાં આગળ છે, અમેરિકા ટેકનિક અને ડીફેન્સમાં આગળ છે : પરંતુ પરમાણુ યુદ્ધમાં કોઈ જીતતું નથી, શાંતિ શ્રેષ્ઠ માર્ગ છે
નવી દિલ્હી : આજકાલ રશિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી રહી છે. ખાસ કરીને યુક્રેન-યુદ્ધ અને સબમરીનોની તૈનાતી પછી તંગદિલી વધી છે. બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રોના ભંડારો છે. જે કોઈ પણ સમયે વ્યાપક તબાહી મચાવી શકે તેમ છે. એક અનુમાન પ્રમાણે રશિયા પાસે ૫,૫૮૦ પરમાણુ શસ્ત્રો છે. જે પૈકી ૧,૭૧૦ તો સતત તૈયારીની સ્થિતિમાં છે. તે મિસાઇલ્સ, સબમરીન્સ અને બોમ્બર વિમાનોમાં તૈનાત છે. બાકીનાં રિઝર્વડ ફોર્સમાં છે. અમેરિકા પાસે ૫,૪૨૮ પરમાણુ શસ્ત્ર છે. તે પૈકી ૧,૬૪૪ તૈનાત છે. જે બોમ્બરો અને મિસાઇલ્સમાં ગોઠવાયેલાં છે. આમ બંને દેશો પાસે એટમ બોમ્બસ લગભગ સમાન સંખ્યામાં છે. રશિયા પાસે એ-બોમ્બની સંખ્યા વધુ છે. જ્યારે અમેરિકા તેનાં શસ્ત્રો વધુ આધુનિક બનાવી રહ્યું છે. રશિયાની મિસાઇલ્સ વિષે જોઇએ :
૧. આર.એસ.સર્મેટ (સેનાન-૨) : આ હાઈપરસોનિક બેલાસ્ટિક મિસાઇલ છે જે ૧૮,૦૦૦ કિ.મી. સુધી પ્રહાર કરી શકે છે. તેની ગતિ ૨૪,૫૦૦ કિ.મી./કલાક છે તે એક સાથે અનેક સ્થળોએ હુમલા કરી શકે છે.
૨. આર.એસ. ૨૪, યાર્સ : રેન્જ ૧૨,૦૦૦ કી.મી. ૨૦૦ કીલો ટનનો વિસ્ફોટ કરી શકે છે. રશિયા પાસે ૬૩ મોબાઇલ (હરી ફરી શકે તેવાં) અને ૧૦ સીસો (ભૂગર્ભસ્થિત) લોન્ચર છે. રશિયન મિસાઇલ્સ ઝડપી અને સટિક છે. પરંતુ તેની ટેકનિક થોડી જૂની છે.
અમેરિકાની મિસાઇલ્સ :
૧. મીનીટર્મન ૩ : રેન્જ ૧૦,૦૦૦ કી.મી. ગતિ ૨૮,૨૦૦/કલાક : ૪૭૫ કીલોટનનું વોર હેડ.
૨. સેન્ટીનલ આઈસીબીએમ : નવ પેઢીનું અંતરખંડીય મિસાઇલ તે અંતરિક્ષમાં સેટેલાઇટનો પણ નાશ કરી શકે છે. તેનું પરીક્ષણ હમણાં જ થયું. સફળ પણ રહ્યું.
આમ અમેરિકન મિસાઇલ્સ મોર્ડન છે, વધુ સારી ટેકનિક ધરાવે છે. તેથી તે રશિયાથી આગળ છે.
પરમાણુ બોમ્બની તાકાત મેગાટન (મિલિયન ટીએનટી)માં મપાય છે.
રશિયાનાં ઝાર-બોમ્બ : આ ૫૦ મેગાટનનો બોમ્બ છે જે હીરોશિમા પર ફૂટેલા એ બોમ્બ (૧૫ કીલો ટન) કરતાં ૩,૩૦૦ ગણો શક્તિશાળી છે.
અમેરિકાનો બી-૪૧ : ૨૫ મેગાટનની શક્તિ ધરાવે છે તે હાઈડ્રોજન બોમ્બ છે. જે ૧૯૬૦ના દાયકામાં બનાવાયો. તેને નાનો બનાવી મિસાઇલમાં ઉપયોગમાં લેવાય છે.
રશિયાના ઝાર બોમ્બ ટેકનિકની દ્રષ્ટિએ પ્રબળ છે પરંતુ અમેરિકા પાસે નાના પણ સટીક બોમ્બની સંખ્યા વધુ છે.
સવાલ તે છે કે પરમાણુ યુદ્ધ થાય તો કોણ જીતે ? જવાબ તે છે કે બંને પક્ષે તબાહી એટલી થશે કે ખરા અર્થમાં કોઈ વિજેતા જ નહીં રહે, બંને ખેદાન-મેદાન થઇ જઇ શકે.
જ્યારે અખંડ સોવિયેત સંઘ હતું ત્યારે અમેરિકાએ કહ્યું : અમારી પાસે દુનિયાનો ૨૮ વખત વિનાશ કરી શકે તેટલાં પરમાણુ શસ્ત્રો છે. ત્યારે સોવિયેત સંઘે કહ્યું અમારી પાસે દુનિયાનો ૨૯ વખત નાશ કરી શકે તેટલાં પરમાણુ શસ્ત્રો છે. તે સમયે પૂ. વિનોબાજી હયાત હતા તેઓએ કહ્યું : 'આથી વધુ મૂર્ખતાભરી વાત મેં કદી સાંભળી નથી.'


