World

પાકિસ્તાનની એન્ટ્રી છતાં હુથી બેફામ, સાઉદીના 3 ઍરપૉર્ટ પર ડ્રોન-મિસાઇલથી ધડાધડ હુમલા

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
યમનના ઈરાન સમર્થિત હુથીઓએ સાઉદી અરેબિયાના 3 ઍરપૉર્ટ પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલ હુમલા કર્યા છે. નજરાન, જિઝાન અને અભા ઍરપૉર્ટને નિશાન બનાવવામાં આવ્યા. સોમવારે થયેલા હુમલામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું અને 3 લોકો ઘાયલ થયા. પાકિસ્તાન સાથેના સુરક્ષા કરાર છતાં હુથી હુમલા ચાલુ છે, જે દર્શાવે છે કે તેઓ પાછળ હટવા તૈયાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનની એન્ટ્રી છતાં હુથી બેફામ, સાઉદીના 3 ઍરપૉર્ટ પર ડ્રોન-મિસાઇલથી ધડાધડ હુમલા

Houthi Saudi Airport Attack : સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલો 'મક્કા પેક્ટ' સક્રિય થઈ ગયો હોવાના અને કરાર મુજબ પાકિસ્તાની દળો સાઉદીની સુરક્ષામાં ગોઠવાઈ ગયા હોવાના અહેવાલો વચ્ચે પણ હુથી લડાકુઓ બેફામ હુમલાઓ કરી રહ્યા છે. યમનના ઈરાન સમર્થિત હુથીઓએ સાઉદી અરેબિયાના 3 ઍરપૉર્ટને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલ હુમલા કર્યા છે.

સાઉદીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન

સાઉદી સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે, સોમવારે નજરાન અને જિઝાન ઍરપૉર્ટ પર થયેલા હુમલામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું અને 3 લોકો ઘાયલ થયા હતા. હુથીઓએ સાઉદીના તેલ મથકો, સૈન્ય મથકો અને ઍરપૉર્ટ પર પ્રહાર કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ આ હુમલા શરૂ થઈ ગયા હતા.

ઍરપૉર્ટ પર સીધો મિસાઇલ પ્રહાર, એર ટ્રાફિક ઠપ

નજરાન અને જિઝાન બાદ હુથીઓએ સાઉદી અરેબિયાના અસીર પ્રાંતમાં આવેલા ત્રીજા મહત્વપૂર્ણ ઍરપૉર્ટ 'અભા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ' પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમની બેલેસ્ટિક મિસાઇલ ચોક્કસ નિશાન પર લાગી હતી, જેના કારણે ઍરપૉર્ટ પર હવાઈ અવરજવર ખોરવાઈ ગઈ હતી.

વિશ્વભરની એરલાઈન્સ કંપનીઓને ચેતવણી

આ સાથે જ હુથીઓએ વિશ્વભરની એરલાઈન્સ કંપનીઓને ચેતવણી આપતા કહ્યું છે કે સાઉદીનું એરસ્પેસ હવે તેમના લશ્કરી અભિયાનોનું કેન્દ્ર બની ગયું હોવાથી ત્યાં વિમાનો ઉડાડવાનું જોખમી સાબિત થઈ શકે છે.

પાકિસ્તાનની સુરક્ષા ભાગીદારી છતાં કેમ ન અટક્યા હુમલા?

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી સહયોગ છતાં હુથીઓ પર તેનો કોઈ ડર દેખાઈ રહ્યો નથી. સંરક્ષણ વિશ્લેષકોના મતે, હુથીઓ પાસે યમનથી જ ડ્રોન અને મિસાઇલ છોડવાની ક્ષમતા તથા સંપૂર્ણ સ્વાયત્ત કમાન્ડ સિસ્ટમ છે. પાકિસ્તાન સાઉદીની આંતરિક સુરક્ષામાં ભાગીદાર બન્યું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે પાકિસ્તાની સૈન્ય યમનમાં જઈને સીધા હુથીઓ સામે લડી રહ્યું છે. આ સુરક્ષા કરારની હુથીઓની પ્રહાર ક્ષમતા પર તાત્કાલિક કોઈ અસર થઈ નથી અને હુથીઓ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે તેઓ આ સંઘર્ષમાં પાછળ હટવા તૈયાર નથી.