યુએનની એજન્સીઓ પર હુથીઓના દરોડા, કર્મચારીઓને બાનમાં લીધા
ઇઝરાયેલે ચાર મંત્રીઓને ઠાર મારતા યમનમાં હુથીઓ ભડક્યા
ઇઝરાયેલના હુમલામાં હમાસનો પ્રવક્તા ઠાર, ગાઝામાં ભુખમરાથી બે મહિનામાં ૨૧૫નાં મોત, ૨૪ કલાકમાં જ સાતનો ભોગ લેવાયો
સંયુક્ત રાષ્ટ્રની એજન્સી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના પ્રવક્તા અબીર એતેફાએ કહ્યું હતું કે સુરક્ષા દળોએ અમારી ઓફિસ પર દરોડા પાડયા હતા, હુથીઓના કબજાવાળા સનામાં રવિવારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સાથે જ જોડાયેલી અન્ય એક એજન્સી યુનિસેફની ઓફિસે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની એજન્સીના અનેક કર્મચારીઓ અને અધિકારીઓનો સનામાં સંપર્ક નથી થઇ રહ્યો. અનેક લોકોની અટકાયત કરવામાં આવી હોવાની શક્યતા છે.
બીજી તરફ રવિવારે ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે ગાઝા સિટીમાં ઇઝરાયેલના હુમલામાં હમાસની સૈન્ય પાંખના પ્રવક્તા અબુ ઓબૈદાને ઠાર મારવામાં આવ્યો હતો. અબુએ છેલ્લે શુક્રવારે નિવેદન જાહેર કર્યું હતું, જોકે ઇઝરાયેલના આ દાવાને લઇને હમાસ દ્વારા કોઇ જ જવાબ આપવામાં નથી આવ્યો. જ્યારે ઇઝરાયેલના આ હુમલામાં વધુ ૪૩ પેલેસ્ટાઇનના નાગરિકો માર્યા ગયા હતા. ઇઝરાયેલ મિલિટ્રી ઝોન નેટઝેરીમમાં આ હુમલો કરાયો હતો. હાલમાં ઇઝરાયેલના હુમલાઓને પગલે ગાઝામાં ભુખમરો ચરમ સીમાએ પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં પુખ્ત વયના સાત નાગરિકોના ભુખમરાને કારણે મોત નિપજ્યા હતા, જૂન મહિનાથી અત્યાર સુધી એટલે કે બે મહિનામાં ભુખમરાથી ૨૧૫ લોકોના મોત નિપજ્યા છે.