ઈઝરાયેલના તેલ અવીવ એરપોર્ટ પર હુથી બળવાખોરોનો હુમલો
- ચાર સ્તરની સુરક્ષા તોડી બેલિસ્ટિક મિસાઈલ ખાબકી
- હુથી બળવાખોરો સામે અનેક ગણી વધુ તાકાતથી બદલો લઈશું ઃ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ
- જર્મનીની લુફથાન્સા, બ્રિટિશ એરવેઝ, અમેરિકાની ડેલ્ટા સહિત અનેક એરલાઈન્સની ફ્લાઈટ્સ પણ ૯ મે સુધી રદ
તેલ અવીવ/નવી દિલ્હી: ગાઝા પટ્ટી પર હમાસ વિરુદ્ધ યુદ્ધ અને પેલેસ્ટાઈનના નાગરિકોની નાકાબંધીના વિરોધમાં યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ રવિવારે ઈઝરાયેલની રાજધાની તેલ અવવીમાં સૌથી મોટા એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. ઈઝરાયેલની બહુવિખ્યાત એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલો ખાળવામાં નિષ્ફળ ગઈ હતી. એરપોર્ટ પર ચાર સ્તરની સુરક્ષા વ્યવસ્થા તોડીને હુથી બળવાખોરોનું એક મિસાઈલ એરપોર્ટ પરીસરમાં ખાબક્યું હતું. વધુમાં ભારતની એર ઈન્ડિયા સહિત અનેક એરલાઈન્સે તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી. પીએમ નેતન્યાહુએ હુથી બળવાખોરોને જડબાતોડ જવાબ આપવાની હાકલ કરી હતી.
હુમલામાં ૮ ઘાયલ ઃ એર ઈન્ડિયાની ફ્લાઈટ અબુધાબી ડાયવર્ટ કરાઈ, ચાર દિવસ માટે તેલ અવીવની ફ્લાઈટ્સ રદ
યમનમાંથી સંચાલિત ઈરાન સમર્થીત હુથી બળવાખોરોએ રવિવારે ઈઝરાયેલના સૌથી મોટા એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ૮ લોકો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, આ સિવાય એરપોર્ટ પર કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ ઈઝરાયેલ માટે ચિંતાની મોટી વાત એ છે કે હમાસ સામે લગભગ દોઢ વર્ષ કરતાં વધુ સમયથી લડી રહેલા ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ જબરજસ્ત માનવામાં આવે છે.
ઈઝરાયેલની એરડોમ ડિફેન્સ સિસ્ટમે અત્યાર સુધી હમાસ, હિઝબુલ્લા અને હુથી બળવાખોરોના આક્રમણને ખાળ્યું છે. પરંતુ રવિવારે હુથી બળવાખોરોની મિસાઈલ એરપોર્ટ પર ચાર સ્તરની ડિફેન્સ સિસ્ટમ તોડીને ઈઝરાયેલના સૌથી વ્યસ્ત બેન ગુરિયન એરપોર્ટના ટર્મિનલ ૩થી માત્ર ૭૫ મીટરના અંતરે પડી હતી. આ મિસાઈલ જ્યાં પડી ત્યાં ૨૫ મીટર ઊંડો ખાડો પડી ગયો હતો. આ હુમલા પછી ઈઝરાયેલ સેનાએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી. બીજીબાજુ હુથી બળવાખોરોએ આ હુમલાની જવાબદારી લીધી હતી અને કહ્યું કે, તેમણે ગાઝામાં પેલેસ્ટાઈનના નાગરિકોને મજબૂત સમર્થન દર્શાવવા માટે આ હુમલો કર્યો હતો. હુથી બળવાખોરોના એક ટોચના અધિકારી મોહમ્મદ અલ-બુખૈતીએ કહ્યું કે, આ હુમલા સાથે હુથીઓએ ઈઝરાયેલમાં સંવેદનશીલ ટાર્ગેટો પર હુમલો કરવાની તેની ક્ષમતા દર્શાવી છે. ઈઝરાયેલ વિરુદ્ધ લડાઈમાં અમારા માટે કોઈ સરહદ નથી.
ભારતની એરલાઈન્સ એર ઈન્ડિયાનું દિલ્હીથી તેલ અવીવ જઈ રહેલું વિમાન લેન્ડ કરવાનું હતું તેની મિનિટો પહેલાં જ એરપોર્ટ પર હુમલો થયો હતો. આ હુમલાના કારણે વિમાનને અબુ ધાબી ડાયવર્ટ કરવું પડયું હતું. એર ઈન્ડિયાએ આ ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે, તેમની ફ્લાઈટ્સ બેન ગુરિયન એરપોર્ટ નજીક પહોંચી ત્યારે એરપોર્ટ પર મિસાઈલથી હુમલો થયો હતો, જેના કારણે ફ્લાઈટને અબુ ધાબી ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઈટ ત્યાંથી નવી દિલ્હી લાવવામાં આવશે.
આ સાથે એર ઈન્ડિયાએ ૭ મે સુધી તેલ અવીવની બધી જ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, અમારા ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષાની ખાતરી માટે તેલ અવીવની બધી જ ફ્લાઈટ્સ તાત્કાલિક અસરથી ૭ મે સુધી રદ કરવામાં આવે છે.
એર ઈન્ડિયાની જેમ જ અન્ય એરલાઈન્સ જેમ કે, જર્મનીની લુફ્થાંસા, બ્રિટિશ એરવેઝ, એર ઈન્ડિયા અને અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સે પણ તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે.
દરમિયાન હુથી બળવાખોરોના મિસાઈલ હુમલા પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝ અને અન્ય ટોચના સુરક્ષા અધિકારીઓની ઈમર્જન્સી બેઠક બોલાવી હતી, જેમાં હુથી બળવાખોરો પર હુમલાની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. યમનમાં હુથી બળવાખોરોની સંપત્તિ પર પણ હુમલાની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. નેતન્યાહુએ મંત્રીમંડળ સાથે પણ બેઠક કરી હતી, જેમાં ગાઝામાં સૈન્ય અભિયાનના વિસ્તાર, સીરિયામાં લડાઈ, હુથી હુમલા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.