લાલસાગરમાં હુતી વિદ્રોહીઓની રંજાળ, એક અઠવાડિયામાં બે જહાજ ડૂબાડી દીધા
હોડીઓમાંથી નાના રોકેટ અને પ્રોપેલ્ડ ગ્રેનેડ વડે જહાજ પર હુમલો કરે છે
પેલેસ્ટાઇનના બંદરગાહમાં પ્રવેશ પ્રતિબંધનું ઉલંઘન કર્યુ હોવાનો હુતી દાવો
સના,૧૦ જુલાઇ,૨૦૨૫,ગુરુવાર
અમેરિકા ભલે હુતીઓ પર લાલ આંખ બતાવતું હોય કે ઇઝરાયેલ કાર્યવાહી કરતું હોય પરંતુ યમનના હુતી વિદ્રોહીઓની લાલસાગરમાં રંજાળ યથાવત રહી છે. હુતીઓેએ લાલસાગરમાં માલ વાહક જહાજ પર હુમલો કરીને ડૂબાડી દીધું છે. યુરોપિય નૌસૈનિક મિશનના જણાવ્યા અનુસાર હુતી હુમલા પછી ચાલકદળના ૬ સદસ્યોને બચાવી લેવાયા છે જયારે કમસેકમ ૩ના મુત્યુ થયા છે. ગ્રીસ દ્વારા સંચાલિત લાઇબેરિયાઇ ઝંડાવાળા ઇટર્નિટી સી જહાજ પર ચાલકદળના ૨૫ લોકો સવારી કરતા હતા.
માલવાહક જહાજ લાલસાગરમાંથી પસાર થઇ રહયું હતું ત્યારે હુતી વિદ્રોહીઓએ નાની હોડીઓમાંથી નાના રોકેટ અને પ્રોપેલ્ડ ગ્રેનેડ વડે જહાજ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું હતું. યૂકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ એજન્સી અનુસાર ઇઝરાયેલ જઇ રહેલા આ જહાજ પર હુમલો કલાકો સુધી સતત ચાલતો રહયો હતો. હુતીઓએ જહાજને દરિયામાં ડુબાડી દીધાનો વીડિયો પણ બહાર પાડયો છે. યમનના અમેરિકી દુતાવાસની માહિતી અનુસાર હુતીઓએ ચાલકદળના અનેક સદસ્યોનું અપહરણ કર્યુ છે.
ફિલીપાઇન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચાલકદળના ૨૧ મેમ્બર પોતાના દેશના છે.એક રશિયન નાગરિક ગંભીર રીતે ઘાયલ થતા તેનો પગ કપાઇ ગયો છે. એક જ સપ્તાહમાં લાલસાગરમાં જહાજ પર હુતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલો બીજો હુમલો છે. અગાઉ લાઇબેરિયાના ફલેગવાળા અને ગ્રીસ દ્વારા સંચાલિત માલવાહક જહાજ મેજિક સીઝ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. હુતીઓએ દાવો કર્યો હતો કે આ જહાજે પેલેસ્ટાઇનના બંદરગાહમાં પ્રવેશ પ્રતિબંધનું ઉલંઘન કર્યુ હતું. હુતીઓએ વીડિયો ફૂટેજ બહાર પાડયા છે જેમાં હથિયારધારી લોકો જહાજ પર ચડીને વિસ્ફોટકો ફેંકતા જણાતા હતા.