World

લાલ સમુદ્રમાં બ્રિટનના જહાજ પર હુથી બળવાખોરો રોકેટ-ગ્રેનડથી ત્રાટક્યા

By GS TEAM
6 Jul 20252 mins read
લાલ સમુદ્રમાં બ્રિટનના જહાજ પર હુથી બળવાખોરો રોકેટ-ગ્રેનડથી ત્રાટક્યા

હુથીઓનો ઈઝરાયેલના એરપોર્ટ પર સપ્તાહમાં બીજી વખત મિસાઈલ હુમલો

ઈઝરાયેલના હુમલામાં હમાસના નેવી કમાન્ડર સહિત 40 લોકોનાં મોત : નેતન્યાહુ અમેરિકા રવાના, આજે ટ્રમ્પને મળશે

દુબઈ: ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ ૧૨ દિવસમાં જ બંધ થઈ ગયું છે, પરંતુ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે હજુ પણ લડાઈ ચાલુ છે. ઈઝરાયેલે ગાઝા પર ફરી એક વખત બોમ્બ હુમલો કરતા હમાસની નેવીના કમાન્ડર સહિત ૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે. બીજીબાજુ પેલેસ્ટાઈનવાસીઓની તરફેણમાં હુથી બળવાખોરોએ ઈઝરાયેલના એરપોર્ટ પર સપ્તાહમાં બીજી વખત મિસાઈલ હુમલો કરી ભારે નુકસાન પહોંચાડયું છે. વધુમાં હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં બ્રિટનના જહાજ પર રોકેટ-ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

યમનના દરિયા કિનારા નજીક લાલ સમુદ્રમાં હુથી બળવાખોરોએ બ્રિટનના જહાજ પર રોકેટમારો અને ગોળીબાર કર્યો હતો. બ્રિટનની નિરીક્ષણ એજન્સી યુનાઈટેડ કિંગ્ડમ સમુદ્રી વેપાર સંચાલને જણાવ્યું કે, હથિયારોથી સજ્જ કેટલાક લોકોએ જહાજ પર ગોળીઓ ચલાવી હતી અને રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી પરંતુ તેની પાછળ યમનમાં રહેલું હુથી જૂથ હોવાનું મનાય છે. જોકે, હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

બીજીબાજુ હુથી બળવાખોરોએ ઈઝરાયેલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવતા મિસાઈલ હુમલો કર્યો હતો. પરંતુ તેમની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલને નિષ્ફળ બનાવી હતી તેમ ઈઝરાયેલના સૈન્યે જણાવ્યું હતું. ઈઝરાયેલના સૈન્યે કહ્યુ ંકે, તેમની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય છે અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. હુથી બળવાખોરો ગાઝાના સમર્થનમાં હુમલા ચાલુ રાખશે તો તેમના પર ઈઝરાયેલ સમુદ્રી અને હવાઈ નાકાબંધી કરી દેશે.

દરમમિયાન ઈઝરાયેલના સૈન્યે ગાઝા પર હુમલો યથાવત રાખ્યો હતો. ઈઝરાયેલે ગાઝા સિટીમાં હમાસના આતંકીઓને નિશાન બનાવતા હુમલો કર્યો હતો, જેમાં હમાસના નેવીનો કમાન્ડર રમઝી રમઝાન અબ્દ અલી સાલેહ સહિત ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. તેણે ગાઝામાં ૧૦૦ સ્થળો પર હુમલા કર્યા હતા. આ સિવાય ગાઝાની હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, રવિવારે ઈઝરાયેલના મિસાઈલ હુમલામાં ૩૮થી વધુ નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં.

ઈઝરાયેલના આ હુમલા વચ્ચે ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થયા પછી વડાપ્રધાન નેતન્યાહુ પહેલી વખત અમેરિકા જવા રવાના થયા છે. તેઓ સોમવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ સિવાય તેઓ અમેરિકાના અન્ય મંત્રીઓને પણ મળશે.