Hormuz Strait Closed by Iran: ઈઝરાયલ અને અમેરિકા દ્વારા થયેલા હુમલાના પ્રતિકારરૂપે ઈરાને ઐતિહાસિક પગલું ભરતાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવી હોર્મુઝ ખાડીનો જળમાર્ગ બંધ કરી દીધો છે. ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ જળમાર્ગ પર મિસાઈલો અને યુદ્ધજહાજો ગોઠવી દીધા છે. પરિણામે અખાતી દેશોમાંથી થતા તેલ અને ગેસના વહન પર ગંભીર અસર પડી છે. આ અંગે વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે, આ નાકાબંધીને કારણે પુરવઠામાં અચાનક ઘટાડો થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ તેજીથી ઉછળી શકે છે અને $150 પ્રતિ બેરલને વટાવી શકે છે. જો આવું બને તો આખી દુનિયાના અર્થતંત્ર પ્રભાવિત થશે અને મોંઘવારી વધશે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની રેડિયો ચેતવણી
IRGC એ રેડિયો પર જાહેરાત કરી ઠે કે હોર્મુઝ ખાડીમાંથી કોઈ જહાજને પસાર થવા દેવાશે નહીં. ખાડીમાં કામ કરતા જહાજોને VHF રેડિયો પર આવા સંદેશા મળી રહ્યા છે. યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)એ પણ આ ચેતવણીની પુષ્ટિ કરી છે.
પશ્ચિમ એશિયામાં વધતો તણાવ અને હુમલા
અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા છે, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇ માર્યા ગયા છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ વિકાસને આગળ વધતો રોકવા માટે આ હુમલા કરાયા હોવાનું અમેરિકાએ જણાવ્યું છે. તેના જવાબમાં ઈરાને પણ મધ્ય-પૂર્વમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર હુમલા કર્યા છે અને દાવો કર્યો છે કે તેમના હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા છે. યુદ્ધના ભાગરૂપે વૈશ્વિક અર્થતંત્રોને નુકસાન પહોંચાડવાના ઈરાદે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે.
ઓઈલ કંપનીઓએ શિપમેન્ટ અટકાવી દીધા
સુરક્ષા જોખમ વધવાને કારણે મોટી ઓઈલ કંપનીઓએ હોર્મુઝ જળ માર્ગ દ્વારા ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસના પુરવઠાનું આવાગમન અસ્થાયી રીતે બંધ કરી દીધું છે. અહીંથી પસાર થતા જહાજો પર ઈરાન હુમલો કરી દે તો ઓઈલ કંપનીઓને મોટું નુકસાન થાય એમ છે, જેથી તમામ કંપનીઓએ હાલ આ વિસ્તારમાં જહાજોને જતા અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. સેટેલાઇટ તસવીરોમાં જોવા મળે છે કે, આ જહાજો સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહ જેવા બંદરો પાસે ભેગા થઈ રહ્યા છે.
હોર્મુઝ જળ માર્ગનું મહત્ત્વ આખા વિશ્વ માટે છે
હોર્મુઝની ખાડી કે જળ માર્ગ એ પર્શિયાની ખાડી અને ઓમાનના અખાત વચ્ચે આવેલો સાંકડો દરિયાઈ માર્ગ છે, જે અંગ્રેજીમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ તરીકે ઓળખાય છે. હોર્મુઝનો જળ માર્ગ આ સમગ્ર વિસ્તારને હિંદ મહાસાગર સાથે જોડતો અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે. વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ઊર્જા પુરવઠાની દૃષ્ટિએ તે અત્યંત નિર્ણાયક છે.
આ જળ માર્ગની સૌથી લાંબી સરહદ ઈરાન સાથે છે, જ્યારે દક્ષિણમાં તેની સરહદ સંયુક્ત આરબ અમીરાત તથા ઓમાનને સ્પર્શે છે. આ જળ માર્ગની લંબાઈ આશરે 160 કિ.મી અને પહોળાઈ 33 કિ.મી. છે. અહીંથી જહાજોને પસાર થવા માટેની નેવિગેશન લેન્સ તો માત્ર 3.20 કિ.મી. પહોળી છે, તેથી આ જળ માર્ગને બંધ કરવો સરળ છે. વિશ્વના કુલ દરિયાઈ ઓઈલ વેપારના લગભગ 25% જહાજો અહીંથી પસાર થાય છે. આ જ માર્ગેથી રોજ આશરે 20 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ અને અન્ય ફ્યૂલ વૈશ્વિક બજારોમાં પહોંચે છે. સાઉદી અરેબિયા, ઈરાન, યુએઈ, કુવૈત, કતાર અને ઈરાક જેવા OPEC સભ્યો તથા એશિયાના અનેક દેશો આ જળ માર્ગનો ઉપયોગ કરે છે.
ખાડી વિસ્તારનું વૈશ્વિક આર્થિક મહત્ત્વ
ગલ્ફ એટલે કે ખાડી દેશો આંતરરાષ્ટ્રીય રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિઓના મુખ્ય કેન્દ્રો છે. વિશ્વભરના લાખો સ્થળાંતરિત કામદારો અહીં કામ કરે છે. અનેક મોટા વ્યાપારી શહેરો તથા ઉર્જા બજારો આ વિસ્તારમાં આવેલા છે. વૈશ્વિક વેપારનો મોટો હિસ્સો અહીંથી દરિયાઈ માર્ગે પસાર થાય છે, તેથી આ માર્ગ બંધ થતાં એની પ્રતિકૂળ અસરો વૈશ્વિક સ્તરે પડે એમ છે.
ભારતમાં પણ મોંઘવારી આસમાને પહોંચશે
જો હોર્મુઝ જળ માર્ગ એક દિવસ માટે પણ બંધ થાય તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $120 થી $150 સુધી પહોંચી શકે છે. હાલમાં વિશ્વ બજારમાં કાચા તેલની કિંમત લગભગ $66 પ્રતિ બેરલ છે. જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહેશે તો ઈંધણના ભાવ આભ આંબી જશે, જે પરિવહન, ઉદ્યોગ અને વેપારને પ્રતિકૂળ અસર કરશે. મર્યાદિત વિક્ષેપ પણ ઇંધણ ફુગાવો વધારી શકે છે અને વૈશ્વિક બજારોને હચમચાવી શકે છે.
ભારત તેની કુલ ક્રૂડ ઓઇલ માંગના 90% આયાત કરે છે, જેમાં 40% મધ્ય-પૂર્વીય દેશોમાંથી આવે છે અને મોટા ભાગની આયાત હોર્મુઝમાંથી પસાર થાય છે. કુદરતી ગેસ વપરાશનો અડધો ભાગ પણ વિદેશી પુરવઠા પર આધારિત છે. અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારતે રશિયા પાસેથી ઓઈલની ખરીદી ઘટાડીને મધ્ય-પૂર્વમાંથી ખરીદી વધારી દીધી હતી, તેથી હોર્મુઝમાં થયેલા અવરોધથી ભારતનું અર્થતંત્ર પ્રભાવિત થશે. ઓઈલના ભાવ વધશે અને મોંઘવારી પણ વધશે.
આ જળ માર્ગ બંધ કરવામાં ઈરાનને પણ નુકસાન
આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ તો ઈરાન હોર્મુઝ જળ માર્ગ બંધ ન કરી શકે, પણ યુદ્ધની છાયામાં હવે એણે આ પગલું ભરી જ લીધું છે ત્યારે તેણે અમેરિકા અને ઈઝરાયલના નૌકાદળોની પ્રતિક્રિયાનો સામનો કરવો પડી શકે છે. રસપ્રદ વાત એ છે કે, ઈરાન પોતે જ ઓઈલની નિકાસ માટે આ માર્ગ પર આધારિત છે, તેથી આ જળ માર્ગ બંધ થવાથી તેને પણ નુકસાન થશે. ઈરાનના ઓઈલનું સૌથી મોટું ખરીદાર ચીન હોવાથી ચીનને પણ મોટો ફટકો પડી શકે એમ છે. ઈરાનના ચીન સાથેના સંબંધો પણ વણસી જાય એમ બની શકે.
વૈશ્વિક બજારો, રોકાણકારો, કંપનીઓ અને કામદારો ચિંતિત
ઓઈલ પુરવઠામાં વિક્ષેપના ભયથી વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી છે. આ સ્થિતિ પર વૈશ્વિક રોકાણકારોની નજર છે કારણ કે, પશ્ચિમ એશિયાની અસ્થિરતા વિકાસને અસર કરી શકે છે. ફ્યૂલમાં ભાવ વધારો પરિવહન અને ઉદ્યોગને પ્રભાવિત કરશે. મધ્ય પૂર્વી દેશોના અર્થતંત્ર વિદેશી કામદારો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર આધારિત છે. તણાવ વધે તો માનવ અવરજવર, વ્યવસાય અને રોકાણ પ્રોજેક્ટ્સ અસરગ્રસ્ત થશે, જે વૈશ્વિક શ્રમ અને નાણાકીય પ્રવાહને અસર કરશે.
તો પછી હોર્મુઝ જળ માર્ગના વિકલ્પો કયા છે?
આમ તો આ વિસ્તારના મુખ્ય ઓઈલ ઉત્પાદકો હોર્મુઝ જળ માર્ગ પર જ આધારિત છે, પરંતુ સાઉદી અરેબિયાના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી લંબાતી પાઇપલાઇન પણ દરરોજ 5 મિલિયન બેરલ તેલનું વહન કરી શકે છે. યુએઈની હબ્શાન-ફુજૈરાહ પાઇપલાઇન 1.5 મિલિયન બેરલની ક્ષમતા ધરાવે છે. ઇરાક તેના ઉત્તર ભાગના તેલને જમીન માર્ગે તૂર્કિયેના બંદરો સુધી પહોંચાડી શકે છે, જેથી હોર્મુઝની સામુદ્રધુની પર તે સંપૂર્ણપણે નિર્ભર રહેતું નથી. પરંતુ કુવૈત, કતાર અને બહેરીન પાસે બીજા વિકલ્પો નથી.
નિષ્ણાતો માને છે કે ઈરાન દ્વારા લાદવામાં આવેલી આ કટોકટી વૈશ્વિક ભૂરાજકીય સંતુલન બદલી શકે છે. પરિણામે વૈકલ્પિક પુરવઠા ચેનલો શોધવામાં આવશે. ભારતે પણ મધ્ય-પૂર્વને ભરોસે બેસી રહેવાને બદલે રશિયા જેવા જૂના સાથી તરફ ફરી નજર દોડાવવી પડશે.


