| (IMAGE - IANS) |
Hong Kong Building Fire: હોંગકોંગના તાઈ પો જિલ્લાના 'વાંગ ફુક કોર્ટ' રહેણાક વિસ્તારમાં 26 નવેમ્બરના રોજ સ્થાનિક સમય મુજબ બપોરે 1:51 વાગ્યે એક ભયંકર અગ્નિકાંડ સર્જાયો હતો. અહીં 32 માળના 8 વિશાળ રહેણાક ટાવર આવેલા છે, જેમાંથી સાત આગની ચપેટમાં આવી જતાં 44 લોકો જીવતા જ સળગી ગયા હતા. આ પૈકી હજુ 300થી વધુ લોકોનો કોઈ જ અતોપતો નથી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, આ બહુમાળી બિલ્ડિંગના સમારકામ માટે ઊભી કરેલી વાંસની પાલખમાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં હોંગકોંગ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
અગ્નિકાંડની તીવ્રતા પાંચમા સ્તરની છે
આ અગ્નિકાંડને હોંગકોંગ ફાયર સર્વિસ દ્વારા પાંચમા સ્તરની આગ તરીકે વર્ગીકૃત કરાઈ છે, જે તીવ્રતાનું સૌથી ઉચ્ચતમ સ્તર દર્શાવે છે. ફાયર ફાઇટર્સની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગ સાતેસાત ટાવરમાં પ્રસરી ગઈ હતી. ઇમારતોની અંદરનું તાપમાન અત્યંત ઊંચું હોવાને કારણે ફાયર ફાઇટર્સ ઇમારતમાં દાખલ થઈ શક્યા નથી, જેના કારણે ઉપરના માળ સુધી બચાવકાર્ય કરવું પડકારજનક સાબિત થયું હતું. આગને નિયંત્રણમાં લેવા 128 ફાયર ટ્રકની સાથે 57 એમ્બ્યુલન્સ અને 400 પોલીસ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
44 ની જાનહાનિ, 279 ગુમ
2021ની વસ્તી ગણતરી અનુસાર આ સમગ્ર રહેણાક પરિસરમાં 1,984 ફ્લૅટ્સ હતા, જેમાં 4,600 લોકો રહેતા હતા. આ ભીષણ અગ્નિકાંડના પરિણામે અત્યાર સુધી 44 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 300થી વધુ લોકો ગુમ છે. મૃત્યુ પામેલા લોકોમાં એક અગ્નિશામક કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બે અગ્નિશામકને ઇજા થઈ છે. બીજી તરફ, હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાંથી 45 લોકોની હાલત ગંભીર છે.
આગ ઓલવવામાં હજુ સુધી સંપૂર્ણ સફળતા નથી મળી
10 કલાકની સતત મહેનત પછી અગ્નિશામકો સાતમાંથી ત્રણ ઇમારતોમાં આગ ઓલવવામાં સફળ થયા છે. જોકે, ચાર ઇમારતો હજુ પણ આગમાં લપેટાયેલી છે. આગમાં બચી ગયેલા રહેવાસીઓને કામચલાઉ રહેઠાણમાં રહેવાની ફરજ પડી છે. આગ લાગી છે એ ટાવરમાંના મોટાભાગના ફ્લેટની તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે; કરોડોનું નુકસાન થયું છે.
આગ લાગવાનું કારણ શું હતું?
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું છે, પરંતુ પ્રારંભિક તપાસને આધારે અંદાજ લગાવાયો છે કે વાંસની પાલખે આગના ફેલાવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. જુલાઈ 2024 થી આ પરિસરના આઠ ટાવરોનું નવીનીકરણ કામ ચાલી રહ્યું હતું, જેના માટે વાંસની પાલખ અને લીલી જાળીનો ઉપયોગ થઈ રહ્યો હતો. હોંગકોંગમાં વાંસની પાલખનો ઉપયોગ કરવાની જૂની પ્રથા છે, કેમ કે આ વિસ્તારમાં વાંસ પુષ્કળ માત્રામાં ઉગે છે. તે ઝડપથી વધે છે, અને વજનમાં હળવો અને મજબૂત હોવાથી તેનો વધુ ઉપયોગ થાય છે.
જો કે, સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને હોંગકોંગની સરકારે માર્ચ 2025માં જ વાંસની પાલખનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવાની જાહેરાત કરી હતી. આમ છતાં 'વાંગ ફુક કોર્ટ'ના સમારકામમાં તેનો ઉપયોગ કરાયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે કોઈક કારણસર એકાદ ફ્લેટમાં આગ લાગી હશે જેની ચપેટમાં વાંસની પાલખ અને લીલી જાળી આવતાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હશે. ઇમારતોમાં જ્વલનશીલ પદાર્થ સ્ટાયરોફોમની બનેલી સામગ્રી વપરાયેલી હોવાથી પણ આગ બેકાબુ બની હતી. બહુમાળી ઇમારતોની બાહ્ય દીવાલો પર ઉપયોગમાં લેવાયેલી કેટલીક સામગ્રી અગ્નિરોધક ધોરણોને પૂર્ણ કરતી નથી, જેને કારણ કે આગનો ઝડપી ફેલાવો થયો હતો, એવી ચર્ચા પણ ચાલી રહી છે.
ફાયર સેફ્ટી ખામીયુક્ત હોવાના પણ અહેવાલ
આઠ બહુમાળી ઇમારતોમાં હજારો લોકો રહેતા હતાં છતાં અહીં ફાયર સેફ્ટી સુવિધા ખામીયુક્ત હતી, જેને કારણે આગ અસામાન્ય ઝડપે ફેલાઈ અને આટલી તીવ્ર બની ગઈ હતી.
કાયદેસરની કાર્યવાહી અને તપાસ પણ ચાલુ
હોંગકોંગ સરકારે જીવલેણ આગનું કારણ શોધવા માટે ફોજદારી તપાસ શરૂ કરાવી છે. પોલીસે ત્રણ બાંધકામ અધિકારીઓની ધરપકડ કરી છે, જેમાં એક કંપનીના બે ડિરેક્ટર અને એક સલાહકારનો સમાવેશ થાય છે. તેમના પર ગંભીર બેદરકારી દાખવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જાનહાનિના મામલે હોંગકોંગના ઈતિહાસની સૌથી ભીષણ આગ-દુર્ઘટના
44 લોકોનો જીવ લેનારી વાંગ ફુક કોર્ટમાં લાગેલી આ આગ હોંગકોંગના ઇતિહાસમાં સૌથી ઘાતક અગ્નિકાંડ તરીકે નોંધાઈ છે. આના પહેલાં 1996માં ગાર્લી બિલ્ડિંગમાં લાગેલી આગે 41 લોકોનો જીવ લીધો હતો. હોંગકોંગમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા બાંધકામ અને કડક મકાન નિયમોના અમલને કારણે આ પ્રકારની ભીષણ ઘટનાઓ દુર્લભ ગણાય છે. આ ઘટનાએ બાંધકામ સલામતી, અગ્નિ સુરક્ષા ધોરણો અને રહેણાંક સંકુલોમાં નિવારણાત્મક પગલાંઓ પર ફરી ધ્યાન આપવાની આવશ્યકતા ઊભી કરી છે.


