World

ટિલી નૉરવુડ હોલિવુડની પ્રથમ એઆઇ જનરેટેડ એકટ્રેસ, વિરોધ કરી રહી છે અસલી હિરોઇનો

By GS TEAM
1 Oct 20252 mins read
ટિલી નૉરવુડ હોલિવુડની પ્રથમ એઆઇ જનરેટેડ એકટ્રેસ, વિરોધ કરી રહી છે અસલી હિરોઇનો

ન્યૂયોર્ક,૧ ઓકટોબર,૨૦૨૫,બુધવાર 

હોલિવુડની પ્રથમ એઆઇ જનરેટેડ એકટ્રેસ ટિલી નૉરવુડ વિવાદોમાં ઘેરાઇ છે. આ એઆઇ એકટ્રેસને ટેલેન્ટ એજન્સીઓ  કાસ્ટ કરવાનું વિચારી રહી હોવાથી સેલેબ્સ ટિલી નોરવુડનો વિરોધ કરી રહયા છે આ એઆઇ એકટ્રેસ વિશે જાણવું રસપ્રદ છે. ટીલી નોરવુડ હજુ એક પણ ફિલ્મમાં જોવા મળી નથી પરંતુ ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.  આ એકટ્રેસને તૈયાર કરનાર કંપનીનો દાવો છે કે આવનારા સમયમાં હોલિવુડની દિગ્ગજ એકટ્રેસ સ્કારલેટ જોહાનસન અને નતાલી પોર્ટમેનને પણ પાછળ રાખી દેશે. 

જો કે સેલેબ્સ એઆઇની મદદથી એકટ્રેસ તૈયાર કરવાના પક્ષમાં નથી. બે વર્ષ પહેલા હોલીવુડ રાઇટર્સ અને એકટર્સે લાંબા સમય સુધીની સ્ટ્રાઇક સહન કરી છે જેમાં એક મહત્વનો મુદ્વો ફિલ્મ મેકિંગમાં એઆઇની દખલ પણ હતો.સ્ક્રીમ અને કીપ બ્રીધિંગ જેવી ફિલ્મોમાં દેખાયેલી એકટ્રેસ મેલિસા બેરેરાએ  એઆઇની મદદ લેનારા ટેલેન્ટ એજન્ટસનો બહિષ્કાર કરવો જોઇએ એવું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. મેટિલ્ડાની ચાઇલ્ડ સ્ટાર મારા વિલ્સને પણ એઆઇ એકટ્રેસની નૈતિકતા પર ગંભીર સવાલ ઉભો કર્યો છે. સેંકડો જીવતી યુવતીઓના ચહેરાને મેળવીને નોરવુડને તૈયાર કરવામાં આવી છે.

 

જો કે ટિલી નોરવુડનો બચાવ કરતા નિર્માતાએ સ્પષ્ટતા કરી હતી કે ટિલી કોઇ માણસને રિપ્લેસ કરવા માટે નહી પરંતુ કળાની એક રુપરેખા તૈયાર કરવાના ભાગરુપે તૈયાર કરાઇ છે.  ટિલી નોરવુડને પહેલીવાર ૬ મે ના રોજ લોંચ કરવામાં આવી હતી. એઆઇ એકટ્રેસને જે નિર્માતા સાઇન કરવા ઇચ્છે છે તે ટેલેન્ટ એજન્સીઓના નામ પણ જાહેર કરવામાં આવશે. એએફપીના રિપોર્ટ અનુસાર અનેક ફિલ્મ સ્ટુડિયો અને એન્ટરનમેન્ટ કંપનીઓ એઆઇ ટેકનોલોજી અપનાવી રહી છે. 

એઆઇ ટેકનોલોજીથી પ્રોડકશન ખર્ચ ઘટી શકે છે. ટિલી નૉરવુડ હજુ પણ કોઇ પણ પ્રકારના ફિલ્મનો ભલે ભાગ બની ના હોય પરંતુ જુલાઇ ૨૦૨૫માં 'એઆઇ કમીશ્નર' નામની એક કોમેડી સ્કિટમાં જોવા મળી હતી જેને ચેટ જીપીટીએ લખી હતી. આ વીડિયોને બે મહિનામાં હજારો લોકોએ જોયો છે પરંતુ ઘણા દર્શકોએ અનનેચરલ ગણાવીને ટીકા પણ કરી છે. ટિલીનું નિર્માણ કરનારા એલિનનું માનવું છે કે ટિલી હોલીવૂડની અગ્રણી સ્કારલેટ જોહાનસન અને નતાલી પોર્ટમેન જેવી બને તેવું ઇચ્છીએ છીએ. ક્રિએટિવિટી બજેટના કારણે અટકવી જોઇએ નહી. આમ પણ કિરદાર કરતા ફિલ્મની કહાણી વધુ મહત્વની છે.