જેના કારણે વિશ્વયુદ્ધ થયું તે હિટલરને પણ શાંતિનો નોબેલ આપવા ભલામણ કરાઇ હતી, જાણો રોચક ઈતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

When Adolf Hitler Was Nominated for the Nobel Peace Prize : નોબલ શાંતિ પુરસ્કારની ખુલ્લેઆમ માગણી કરતા ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયામાં મજાક બની ગયા છે. આ સન્માન માટે તેઓ દુનિયાની બહુમતી વસ્તીને લાયક નથી લાગતા. ટ્રમ્પની માંગ ઇતિહાસના એક વિચિત્ર અને આઘાતજનક સમયની યાદ અપાવે છે, જ્યારે વિશ્વ યુદ્ધની આપત્તિનું કારણ બનેલો જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નોમિનેટ થયો હતો. માન્યામાં ન આવે એવી આ ઐતિહાસિક ઘટનાની પાછળની કહાની અત્યંત રોમાંચક છે.
એ આશ્ચર્યજનક પ્રસ્તાવની શરૂઆત
તારીખ હતી, 24 જાન્યુઆરી, 1939. નોબેલ સમિતિને બ્રિટિશ વડાપ્રધાન નેવિલ ચેમ્બરલેનને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાની ભલામણ મળી. આ ભલામણના પાછળ તર્ક હતો કે ચેમ્બરલેને જર્મન ફ્યુહરર એડોલ્ફ હિટલર સાથે મ્યુનિક કરાર પર હસ્તાક્ષર કરીને યુરોપમાં શાંતિ જાળવી રાખી હતી. આ કરાર અનુસાર, ચેકોસ્લોવાકિયાનો સુડેટનલેન્ડ પ્રદેશ જર્મનીને સોંપી દેવાયો હતો. બાર સ્વિડિશ સાંસદોના જૂથે ચેમ્બરલેનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ એ તો માત્ર પ્રસ્તાવનો પહેલો ભાગ હતો.
હિટલર માટે ભલામણથી દુનિયાને આઘાત
માત્ર ત્રણ દિવસ પછી, 27 જાન્યુઆરી, 1939ના રોજ નોબેલ સમિતિને બીજો પત્ર મળ્યો. આ વખતેની ભલામણ આઘાતજનક હતી. સ્વિડિશ સાંસદ એરિક બ્રાન્ડ્ટે શાંતિ પુરસ્કાર માટે જે નામ સૂચવ્યું તે હતું એડોલ્ફ હિટલરનું. 1939 સુધીમાં, હિટલરની આક્રમક વિદેશ નીતિ અને યહૂદીઓ પ્રત્યેની ક્રૂરતા વિશ્વભરમાં જાણીતી થઈ ગઈ હતી. આમ છતાં, ભલામણ પત્રમાં હિટલરને ‘શાંતિના સ્થાપક’ તરીકે વર્ણવવામાં આવ્યા હતા.
નામાંકન સમયે હિટલરની ક્રૂર વાસ્તવિકતા
હિટલરના નામાંકનના સમય સુધીમાં, તેમનો હિંસક અને જાતિવાદી ચહેરો સાર્વજનિક થઈ ચૂક્યો હતો. 1933માં સત્તા પર આવ્યા પછી, નાઝી પાર્ટીએ યહૂદીઓ વિરુદ્ધ અસંખ્ય કાયદા ઘડ્યા. 1935ના ન્યુરેમબર્ગ કાયદા દ્વારા યહૂદીઓના નાગરિક અધિકારો છીનવી લેવાયા. 9 નવેમ્બર, 1938ની રાતે અનેક સિનેગોગ્સ (યહૂદી મંદિરો)ને આગ લગાડાઈ હતી. હજારો યહૂદીઓની ધરપકડ કરાઈ અને સેંકડોની હત્યા કરાઈ. આવી પૃષ્ઠભૂમિમાં હિટલરનું શાંતિ પુરસ્કાર માટે નામાંકન કોઈને પણ આઘાતજનક ન લાગે તો જ નવાઈ.
મ્યુનિક કરાર કરીને શાંતિનો ભ્રમ ઊભો કરાયો
ભલામણ પત્રમાં હિટલરની પ્રશંસા મુખ્યત્વે મ્યુનિક કરારને આધારે કરવામાં આવી હતી. ઑસ્ટ્રિયા પર કબજો કર્યા પછી હિટલરના ડોળા ચેકોસ્લોવાકિયા પર હતા. ચેકોસ્લોવાકિયાના સુડેટનલેન્ડ પ્રદેશમાં જર્મન ભાષી લોકોની બહુમતી હતી. હિટલરે એ પ્રદેશ પર કબજો કરવો હતો એટલે ત્યાં જર્મનોના હક્કોના નામે તણાવ ઊભો કરવામાં આવ્યો. આ તણાવને કારણે યુદ્ધ ફાટી નીકળવાનો ભય સર્જાતાં બ્રિટન અને ફ્રાન્સે ચેકોસ્લોવાકિયા પર દબાણ બનાવ્યું કે તે સુડેટનલેન્ડ જર્મનીને સોંપી દે. આ મુદ્દે ચેમ્બરલેને હિટલર સાથે એક કરાર કરીને શાંતિ સાધવાનો દાવો કર્યો. વિન્સ્ટન ચર્ચિલે આ કરારને અપમાનજનક ગણાવ્યો અને ભવિષ્યવાણી કરી કે હિટલર યુરોપને યુદ્ધના ખપ્પરમાં ધકેલીને જ રહેશે. એમની ભવિષ્યવાણી સાચી પડવાની હતી.
પ્રસ્તાવનો સાચો હેતુ: ખરેખર વ્યંગ હતો કે પછી ફેરવી તોળ્યું?
હિટલર માટેના શાંતિ પ્રસ્તાવે જગતભરમાં તીવ્ર પ્રતિક્રિયા ઊભી કરી. પ્રસ્તાવક એરિક બ્રાન્ડ્ટની દુનિયાભરમાં ટીકા થવા લાગી. વિવિધ સંસ્થાઓમાં તેના લેક્ચર્સ રદ કરાયા. વિરોધની તીવ્રતા જોઈને બ્રાન્ડ્ટે જાહેર કર્યું કે, એમણે કરેલો પ્રસ્તાવ તો એક ‘મજાક’ હતી. તેનો હેતુ ચેમ્બરલેન માટેના પ્રસ્તાવ અને મ્યુનિક કરાર જેવા શાંતિકરારની નાટકીયતા અને વ્યર્થતાનો વિરોધ કરવાનો અને એના પર વ્યંગ કરવાનો હતો.
જનતાના આક્રોશે પ્રસ્તાવ પરત લેવાયો
બ્રાન્ડ્ટના ખુલાસા છતાં લોકોએ એના વ્યંગને ગંભીરતાથી લીધો અને એનો તીવ્ર વિરોધ કરતા રહ્યા. આખરે બ્રાન્ડ્ટે 1 ફેબ્રુઆરી, 1939ના રોજ પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો. તેણે જણાવ્યું કે ચેમ્બરલેન કે હિટલર બેમાંથી એકેય નોબલ શાંતિ પુરસ્કારને લાયક નહોતા.
આ ઐતિહાસિક ઘટના એ વાતની સાબિતી છે કે પ્રતિષ્ઠિત નોબલ શાંતિ પુરસ્કાર માટેનો પ્રસ્તાવ એવી વ્યક્તિઓ માટે પણ મુકવામાં આવ્યો છે, જેનું ચરિત્ર તેના પુરસ્કારના ઉદ્દેશોની સંપૂર્ણ વિરુદ્ધમાં હોય છે.








