World

પુતિન અને ઝેલેંસ્કી વચ્ચેની ઐતિહાસિક શિખર મંત્રણા યુરોપના કોઇ શહેરમાં યોજાશે, હંગેરીનું બુડાપેસ્ટ ફેવરિટ

By GS TEAM
21 Aug 20252 mins read
પુતિન અને ઝેલેંસ્કી વચ્ચેની ઐતિહાસિક શિખર મંત્રણા  યુરોપના કોઇ શહેરમાં યોજાશે, હંગેરીનું  બુડાપેસ્ટ ફેવરિટ

ન્યૂયોર્ક,૨૧ ઓગસ્ટ,૨૦૨૫,ગુરુવાર 

યુક્રેન અને રશિયા યુધ્ધનો કાયમી ઉકેલ આવે તે માટે અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સક્રિય થયા છે. યુધ્ધવિરામ કેવી રીતે થશે એ કોઇ જાણતું નથી પરંતુ દ્વીપક્ષિય અને ત્રિપક્ષીય બેઠકોનો દોર ચાલતો રહેશે એવું નિષ્ણાતોનું માનવું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના યુક્રેની સમકક્ષ વોલોદિમીર ઝેલેંસ્કી વચ્ચે એક શિખર બેઠક થાય તેની તૈયારી કરી રહયા છે.

પશ્ચિમી જગતના નેતાઓનું માને છે કે યુક્રેન યુધ્ધમાં શાંતિ સ્થપાય અને લોહી રેડાતું અટકે તે માટે માત્ર બે સપ્તાહમાં જ ઝેલેેંસ્કી અને પુતિન વચ્ચે બેઠક યોજાઇ શકે છે. આ ઐતિહાસિક બેઠકનું આયોજન યુરોપના કોઇ શહેરમાં થાય તેવી શકયતા છે. આ અંગે ટ્રમ્પ શાસન પાસેથી સમાચાર માધ્યમો માહિતી જાણવા પ્રયાસ કરી રહયા છે.   વાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલાઇન લેવિટે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉપ રાષ્ટ્રપતિ જે.ડી વેન્સ, વિદેશમંત્રી માર્કો રુબિયો અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફ યુક્રેન અને રશિયા વચ્ચે સમન્વય જાળવવા પ્રયાસ કરવાનો ચાલું જ રહેશે. આ પ્રયત્નોથી જ પુતિન અને ઝેલેંસ્કીની શિખર મંત્રણા જલદી ગોઠવાઇ શકશે.

એક દિવસ પહેલા અમેરિકી મીડિયા કેન્દ્ર પોલિટિકોએ કથિત રીતે હંગેરીનું પાટનગર બુડાપેસ્ટ ઐતિહાસિક મંત્રણા માટે વાઇટ હાઉસની પહેલી પસંદગી હોવાનો ખુલાસો કર્યો હતો. હંગેરીના વડાપ્રધાન વિકટર ઓરબાનને ટ્રમ્પ અને પુતિન બંને સાથે મિત્રતાભર્યા સંબંધો છે. પશ્ચિમી મીડિયાના એક અહેવાલ અનુસાર ઇસ્તાંબૂલ અને જીનિવા પણ સંભવિત સ્થળ હોઇ શકે છે. રોયટર્સે સ્વિત્ઝર્લેન્ડના વિદેશમંત્રી ઇગ્નાજિયો કેસિસને ટાંકીને જણાવ્યું હતું કે જો પુતિન શાંતિના ઉદ્ેશ સાથે આવી રહયા હોયતો તેમનો દેશ મેજબાની માટે તૈયાર છે.